________________
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૧૯
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?
૧૧૧
અધમમાં અધમ, પતિતમાં પતિત આ જગતમાં કોઈ હોય તો તે અહંકાર છે. જ્યાં સુધી જીવમાં કોઈ પણ બાબતનો અહંકાર હોય ત્યાં સુધી જીવ મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. જીવ પોતાના દોષોનો વિચાર કરે અને જો અભિમાન છોડે તો તે સાચો પુરુષાર્થ કરી શકે. અનાદિકાળથી જીવે બીજાના જ દોષો જોયા છે, પોતાના દોષો જોયા નથી અને અજ્ઞાનભાવથી ખોટો અહંકાર કર્યો. અહંકાર એટલે પરમાં અહંબુદ્ધિ. એ પણ અહંકાર છે અને આઠ પ્રકારના મદ કરવા એ પણ અહંકાર છે. જીવ પોતાનો અહંકાર છોડે તો તે મોક્ષમાર્ગમાં સાચો પુરુષાર્થ કરીને આગળ વધી શકે. પોતાના દોષો જ્યાં સુધી અંદરમાંથી કાઢે નહીં તો એ જીવ હકીકતમાં મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. ભલે આપણા દોષ કોઈ ના જોઈ શકે અથવા આપણે પણ ના પકડી શકીએ, છતાં એ દોષો તેના પ્રતિપક્ષી ગુણોને આવરણરૂપ તો છે જ, ગુણોને પ્રગટ થવા દેતા નથી.
સામાયિકમાં બેસી, ધ્યાનમાં બેસી પોતાના દોષોનું નિરીક્ષણ કરવું. એ દોષોની નોંધ કરવી અને એ દોષોને કાઢવાનો પુરુષાર્થ કરવો. થોડા સમય પછી ફરીને નિરીક્ષણ કરવું કે એ દોષો મા૨ા ઘટ્યા છે કે વધ્યા છે ? અહંકાર ઘટ્યો છે કે વધ્યો છે ? તો એ જીવ સાચો પુરુષાર્થ કરીને મોક્ષમાર્ગમાં આગળ વધી શકે. જગતમાં જે જે દોષો અત્યારે દેખાય છે એ બધાય મેં અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર કર્યા છે અને હજુ નહીં ચેતાય તો અનંતકાળ પરિભ્રમણ કરવું પડશે. વર્તમાનમાં મારામાં જુદા પ્રકારના દોષો છે. બીજા ભવોમાં જુદા પ્રકારના દોષો હતા, પણ કોઈ દોષ એવો નથી કે જે મેં ના કર્યો હોય અને હજુ જો નહીં સમજીએ, નહીં ચેતીએ, નહીં પાછા ફરીએ તો પાછું અનંતકાળનું પરિભ્રમણ ઊભું જ છે. દોષોમાં જીવ વર્તે અને કર્મો ના બંધાય એમ તો બનવાનું નથી. જાણીએ કે ના જાણીએ, માનીએ કે ના માનીએ, પણ દોષ તો દોષ જ છે. તો હવે સૌથી પહેલાં કયો પુરુષાર્થ કરવાનો છે ? અંદરમાં પડેલા દોષોને ધીમે-ધીમે બહાર કાઢી, ઘટાડવાના છે, એનો નાશ કરવાનો છે. જીવ બહા૨માં ગમે તેટલી સાધના કરે – શાસ્ત્રો વાંચે, ભક્તિ કરે, તપ કરે, ત્યાગ કરે, બીજી અનેક સાધના કરે, પણ જો અંદરમાં પડેલા દોષો પ્રત્યે દષ્ટિ ના જાય અને દોષો કાઢવાનો પ્રયત્ન ન કરે તો તે મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?