________________
શહેરમાં પેઠો. ઉપાશ્રય આગળ આવી પુછ્યું કે જૈનના વૃદ્ધવાદી નામે આચાર્ય આવ્યા છે તે ક્યાં છે ? લોકોએ ઉત્તર આપ્યો કે તે નવકલ્પ વિહારી છે માટે કલ્પ પુરો થવાથી આજે જ વિહાર કરી પધાર્યા. દિવાકર પંડિતે જાણ્યું કે મને આવતો જાણી નક્કી તે નાસી ગયા માટે તેને પકડું. એમ ધારી તેમની પાછળ ચાલ્યો. વગડામાં તેમને મળ્યો. વૃદ્ધવાદિના મનમાં એમ કે એને ઉપદેશની અપેક્ષા છે માટે એક વૃક્ષ તળે બેસી શાન્તિથી ઉપદેશ કરવા લાગ્યા. દિવાકર પંડિત કહેવા લાગ્યો કે હુ તમારો ઉપદેશ સાંભળવા નથી આવ્યો, મારે તમારી સંગાથે વિદ્યાનો વાદ કરવો છે. જો તમે મને જીતશો તો હું તમારો શિષ્ય થઇને રહીશ અને જો હાર્યા તો મારા શિષ્ય થવું પડશે. એવી પ્રતિજ્ઞાથી મારી સાથે વાદ કરવો પડશે. વૃદ્ધવાદીએ વિચાર્યું કે એને વિદ્યાનો ગર્વ વિશેષ છે. આત્માનું કલ્યાણ શી રીતે થાય, તે વાત હજુ એના લક્ષમાં નથી પરન્તુ કોઇ પણ જીવ કર્મ મુક્ત થાય, એવો ઉપદેશ કરવો, એ શાસ્ત્ર સિદ્ધ છે. શ્રુતજ્ઞાનના બળથી આગળ ઘણો નફો થશે એમ વિચારી દરેક રીતે એના મનનું સમાધાન થવું જોઇએ માટે વૃદ્ધવાદિ આચાર્ય શાન્તતાથી કહેવા લાગ્યા. આપણે વાદ કરીએ એ વાત ખરી પણ વાદ કરવામાં મારો જય અથવા પરાજય થયો, એ વાત વાદી પ્રતિવાદીના અન્તઃકરણને પોતાની મેળે સમજાતી નથી. તેમાં મધ્યસ્થ મનુષ્યની જરૂર છે, કોઇ મધ્યસ્થ ખોળી કાઢો, અને તેણે નક્કી કરેલું વચન તમારે માન્ય હોય તો મને વાદ કરવામાં કોઇ જાતની હરકત નથી.
આચાર્યના આ પ્રમાણિક વચન પર દિવાકરને શ્રદ્ધા બેઠી. વગડામાં મધ્યસ્થ મનુષ્ય ક્યાંથી લાવવો, એવો વિચાર દિવાકર કરવા લાગ્યો. તેવામાં તેને સુઝી આવ્યું કે, જેને હું મધ્યસ્થ કલ્પીશ તે મારે તો પશુવત્ છે તો આ ઢોર ચારનાર ગોવાળીયાને મધ્યસ્થ કહ્યું તેમાં મને શી હાનિ થવાની છે; એમ વિચારી ગોવાળીયાને મધ્યસ્થ તરીકે બેસાડી, વૃદ્ધવાદી આચાર્યની સંગાથે વિવાદ કરવા લાગ્યો. વ્યાકરણશાસ્ત્ર, ન્યાય, મીમાંસા, વેદાન્ત વગેરે અનેક ગ્રન્થોના પ્રમાણો સાથે તેણે પૂર્વપક્ષ ઉપાડ્યો. ઘણી વાર સુધી એક વિષય ઉપર યથાસ્થિત ભાષણ કર્યું. છેવટે બોલતાં બોલતાં પોતાની મેળે વિરામ પામ્યો. વૃદ્ધવાદીએ વિચાર્યું કે વિદ્વત્તાની બાબતમાં કદાચ તો મારા કરતાં વિશેષ હોય પણ આત્માનું કલ્યાણ કરવામાં વિદ્યાનો એણે ઉપયોગ કર્યો નથી. મારી સાથે મધ્યસ્થોનાં વચન પર ભરોસો રાખવાને એ બંધાયેલો છે. માટે યુક્તિથી એને શિષ્ય કરી લેવો. કેમ કે આગળ જતાં એ જૈન માર્ગનો પ્રભાવક પુરુષ થશે. એમ વિચારી સમયસૂચકતામાં ઘણા નિપુણ હતા. માટે ઉભા થઇ કેડે ઓઘો બાંધ્યો, પછી હાથના તાબોટા વગાડતા વગાડતા ફેર ફુદડી ફરી મધ્યસ્થ ગોવાળીયાને સમજણ પડે એવો એક પ્રાકૃત ગરબો મજેનો રાગ કાઢી ગાયો. તેથી ગોવાળીયો ઘણો ખુશ થયો. મધ્યસ્થોને પુછ્યુ, ભાઇ અમારા બન્નેમાંથી કોણ જીત્યું. તે બોલ્યો કે વૃદ્ધવાદી આચાર્ય મહારાજ જીત્યા, પોતાની પ્રતિજ્ઞાથી બંધાયેલા પેલાં દિવાકર પંડિતને વૃદ્ધવાદી આચાર્યના શિષ્ય થવું પડ્યું. ત્યાંથી ગુરુ શિષ્ય બન્ને જૈન ધર્મનો ઉદ્યોત કરતા કરતા ઉત્તર હિંદુસ્તાનમાં વિચારવા લાગ્યા.
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
૧૯