________________
કુમારપાળને એક મહા કવિનો કહેલો નીતિશાસ્ત્રનો શ્લોક યાદ આવ્યો. તેનો અર્થ : મિત્ર તો એક જ કરવો રાજા અથવા યતિ, તેમ સ્ત્રી પણ એક જ કરવી, સુંદરી અથવા દરી એવી જ રીતે આશ્રય પણ એક જ શાસ્ત્રનો કરવો, વેદશાસ્ત્ર અથવા અધ્યાત્મશાસ્ત્ર અને ઇષ્ટદેવ પણ એક જ કરવો, સરાગી અથવા વીતરાગી આમ મહા કવિએ કહ્યું છે, માટે હું પરલોક સુધારવા વાસ્તે તમારી સાથે મિત્રતા કરવાની ઇચ્છા રાખું છું. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી હેમચંદ્રાચાર્ય મૌન રહ્યા. તે ઉપરથી રાજાએ કલ્પના કરી કે, મારી માગણીનો નિષેધ ન કર્યો તેથી જણાય છે કે, એ વાત અંગીકાર કરી. પછી રાજાએ પોતાના સર્વ પહેરેદાર સેવકોને બોલાવી હુકમ આપ્યો કે, આ આચાર્ય ગમે તે વખતે મારી પાસે આવે, તો પણ કોઇએ એમને અટકાવવા નહિ. આ પ્રકારે બંદોબસ્ત થયા પછી હેમાચાર્યનું રાજદ્વારમાં જવું આવવું ઘણું થવા માંડ્યું. રાજા પણ પરોક્ષપણે હેમાચાર્યના ગુણનું વર્ણન કરતો હતો. તે સાંભળી એક દિવસ આમિગ નામે રાજગોર એક શ્લોક બોલ્યો કે - વિશ્વામિત્ર અને પરાશર જેવા મોટા ઋષિઓ વૃક્ષનાં સૂકાં પાંદડાં ખાઇ તથા જલપાન કરી રહેતા, તેઓ પણ જ્યારે સુંદર સ્ત્રીનું મુખ કમળ જોઇ તત્કાળ મોહ પામ્યા, ત્યારે જેઓ દૂધ, દહીં, ઘી સહિત આહાર કરે છે તેમને ઇંદ્રિયોનો નિગ્રહ કેમ હોય ? માટે દંભ તો જુઓ ! ॥૧॥ આ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉપર કટાક્ષ રાખી બોલ્યો, આ સાંભળી તેનો ઉત્તર હેમાચાર્યે પણ એક શ્લોકમાં કહ્યો. તેનો અર્થ : મોટા મોટા ગજેંદ્રનું તથા સુવરનું માંસ ખાવાથી મહા બળવાન થયેલો એવો સિંહ વર્ષમાં એક જ વખત સ્ત્રી સંભોગ કરે છે તથા પારાવત (કબૂતર) કઠણ પથ્થરના નીરસ કણીઆ ખાય છે તો પણ નિત્ય કામી થઇ સ્ત્રી સંગ કરે છે, તેનું શું કારણ છે. આ પ્રકારનો ઉત્તર સાંભળી તે રાજગોર ચૂપ થઇ ગયો.૪
વળી એક દિવસ રાજા સભા ભરી બેઠો છે, તેવામાં એક બ્રાહ્મણ ઉતાવળો આવી બોલ્યો કે મહારાજ ! આ શ્વેતાંબર લોકો જે પ્રત્યક્ષ સૂર્ય દેવ છે તેને પણ માનતા નથી, તો બીજા દેવને તો ક્યાંથી જ માને ? આ વચન સાંભળી હેમચંદ્રાચાર્ય એક શ્લોક બોલ્યા. તેનો અર્થ : હૃદયમાં રહેલું મહાપ્રકાશક મહાસૂર્યનું સર્વોપરી ધામ તેની તો અમે જ ઉપાસના કરીએ છીએ. તેનું લક્ષણ સ્પષ્ટ રીતે બહારથી પણ જણાય છે. સૂર્યનો અસ્ત થયા પછી અમે ભોજનનો ત્યાગ કરીએ છીએ
(૧) દરી=ગુફા અર્થાત જો સુંદરી મળી તો સંસાર સાર રૂપ છે નહિ તો સંસારનો ત્યાગ કરી પર્વતની ગુફાનું પાણી ગ્રહણ કરવું - વૈરાગ્ય ધરવો.
(૨) વેદ - પ્રવૃત્તિ માર્ગનું શાસ્ત્ર છે એટલે સંસાર વ્યવહા૨ની સ્થિતિને દર્શાવનાર.
અધ્યાત્મ - નિવૃતિ માર્ગનું શાસ્ત્ર છે એટલે સંસાર વ્યવહારનો ત્યાગ કર્યા પછી જે આશ્રમનો આશ્રય કરવાનો તે દર્શાવનાર.
(૩) સરાગી - કૃષ્ણ જેવા સ્ત્રી પુત્ર પરિવાર સહિત સંસારી છે તે.
વીતરાગી - જિનતીર્થંકર જેવા સ્ત્રી પુત્રાદિ પરિવારનો ત્યાગ કરી વીતરાગી થયાં છે તે. (૪) હેમાચાર્યની કુમારપાળ પાસે પ્રતિષ્ઠા વધી જતી જોઇ રાજગોરે ઉપહાસમાં કહ્યું કે, મિષ્ટાન્ન ખાનાર જિતેન્દ્રિય હોવાનો દંભ હાંકે છે ત્યારે હેમચંદ્રાચાર્યે ઉપરોક્ત માર્મિક શ્લોકથી જ તેને જવાબ આપી દીધો.
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૫૫