________________
તે ઉપરથી લોકમાં ચાલેલો ઉખાણો. “આવ્યા ત્યારે બાંધી મુઠીયે, ને ચાલ્યા ત્યારે ઉઘાડી મુઠીયે.” વેશ્યાનું કહેલું ભોજરાજાનું મરણ લોકપરંપરાથી સાંભળી કર્ણરાજાએ કિલ્લો તોડી નગરમાં પ્રવેશ કર્યો ને સઘળી લક્ષ્મી પોતે લૂટવા માંડી. તે વખતે ભીમરાજાએ ડામરને આજ્ઞા આપી કે કર્ણ પાસેથી કબુલ કરેલું અડધું રાજય અથવા તેનું માથું બેમાંથી એક શીધ્ર લાવ. આ વચન સાંભળી જે તંબુમાં કર્ણરાજા મધ્યાહૂં સૂતો હતો ત્યાં જઈ બત્રીશ સ્વાર સહિત તે તંબુમાં છાનો પેશી તેને ઘેરી લીધો. તે વખતે સઘળું લશ્કર ભોજરાજાના નગરની લૂંટફાટ કરવામાં વ્યગ્ર હતું. માટે કર્ણરાજ અડધો ભાગ આપવા તત્કાળ કબુલ થઇ, એક ભાગમાં નીલકંઠ મહાદેવ તથા ચિંતામણિ ગણેશ વિગેરે દેવતાઓ, પોત પોતાની સકળ સામગ્રી સહિત મૂકી ને એક ભાગમાં બધું રાજય સંબંધી દ્રવ્ય મૂક્યું. આ બે ભાગોમાંથી ગમે તે ભાગ લો. આ પ્રકારનું કર્ણરાજનું વચન સાંભળી સોળ પ્રહર સુધી એ ભાગ વેંચવાની પંચાત કરી. છેવટ સઘળી દેવ સેવા ગ્રહણ કરી ભીમરાજ પોતાના દેશ ભણી ગયો.
આ જીત મેળવ્યા પછી કર્ણરાજાની આગળ કપૂર કવિએ પ્રથમ લખેલો પુરવે હીરવિતિઃ આ શ્લોક કહ્યો. આ શ્લોકમાં અપશબ્દો (અપશુકની શબ્દો) દેખી રાજાએ કવિને કાંઇપણ ન આપ્યું. આ જોઈ નાચીરાજ નામના કવિએ એક કાવ્ય કહ્યું તેનો અર્થ -
કૈટભ નામે દૈત્યના શત્રુ વિષ્ણુ પોતાની કુખના ખૂણામાં ત્રણ લોકને ધારણ કરે છે ને, તે વિષ્ણુને શેષનાગ પ્રસન્ન થઈ ધારણ કરે છે. તે શેષનાગ શિવના કંઠમાં કંઠસુત્ર જેવો જણાય છે. તે શિવને તું હૃદયે ધારણ કરે છે. માટે હે કર્ણરાજ ! આ પ્રકારના મહા પરાક્રમ કરનાર પુરષોના અંતરમાંથી બીજા કોઇ વિક્રમી રાજા થયા હશે ! એવી ભ્રાંતિ ટળી ગઇ.
આ અર્થ ભરેલું નાચીરાજ કવિનું કાવ્ય સાંભળી રાજાએ તેને દશ ક્રોડ સોનૈયા ને મદોન્મત્ત દશ હાથી આપ્યા.
કપૂર કવિની સ્ત્રી જાતે ઘણી કુભાર્યા હતી માટે પોતાના ધણીને સરપાવ ન મળ્યો અને નાચીરાજને મળેલા સરપાવની વાત સાંભળી તેવી જ તત્કાલ ઉત્પન્ન થયેલા ક્રોધથી કપૂર કવિને તેણીએ તાડન કર્યું (માયો) ને ઘણો તિરસ્કાર કરી, ઘસેડી ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તે બીચારો રાજદ્વારમાંથી આવતા નાચીરાજ કવિને સન્મુખ માર્ગમાં મળ્યો. ત્યારે નાચીરાજને સાક્ષાત્ બાળ સરસ્વતી જાણી કપૂર કવિ બોલ્યો. કે -
હે કન્યા તું, કોણ છે ? નાચીરાજ બોલ્યો કે કપૂર કવિ તું મને શું નથી ઓળખતો ? કપૂર કવિ બોલ્યો કે તમે તો સાક્ષાત્ ભારતીદેવી છો. નાચીરાજ બોલ્યો કે હા ! તું કહે છે તે સત્ય છે. કપૂર કવિ બોલ્યો કે તમે આકુળવ્યાકુળ કેમ છો. નાચીરાજ બોલ્યો કે હે, વત્સ ! હું લૂંટાયો છું. કપૂર કવિ બોલ્યો કે તમને કોણે લૂંટ્યાં છે.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૧૧૯