________________
ઘણી જગ્યાએથી થોડું થોડું ગ્રહણ કરનાર, ઇન્દ્રિયોનું દમન કરનાર મુનિ પોતાના તથા પારકા મોક્ષ રૂપી કાર્યને સાક્ષાત્ અથવા પરંપરાએ સાધે છે માટે તેમને સાધુ કહીએ છીએ. આ પ્રકારના સ્વપર શાસ્ત્રનાં વચન સંભળાવી અતિ શુદ્ધ ભોજન કરનાર જૈન સાધુ છે એમ એના અંતરમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. તે દિવસ મૌન કરી ધનપાળ ઘેર ગયો. બીજે દિવસ પોતાના સ્નાનની તૈયારી વખતે ગોચરી આવેલા બે સાધુને જોઈ ધનપાળની સ્ત્રીએ રાંધેલુ અન્ન તથા દહીં આપવા માંડ્યું ત્યારે સાધુએ પૂછ્યું કે આ દહીં કેટલા દિવસનું છે. સાધુનું આ વચન સાંભળી દૂરથી ધનપાળ મશ્કરીમાં બોલી ઉઠ્યો શું એમાં કાંઈ પોરા છે એટલે બ્રાહ્મણી બોલી કે એ દહીંને બે દિવસ થઈ ગયા છે. આ સાંભળી મુનિ બોલ્યા કે હા, એમાં પોરા છે. પછી તે જોવાને ધનપાળ ન્હાતાં ન્હાતાં ઉઠીને આવ્યો. તે મુનિએ થાળમાં દહી નંખાવી અળતાના રસમાં રૂનું પુમડું બોળી તેને અડકાવ્યું તેથી કેશ કરતાં પણ અતિશય સૂક્ષ્મ ધોળા ઝીણા જીવ તે પુમડા ઉપર ચડતા દેખાયા. આ જોઇ જૈન ધર્મમાં જીવ દયાનું પ્રાધાન્ય તથા જીવની ઉત્પત્તિનું જ્ઞાન ઘણું છે એમ ધાર્યું. તે ઉપર એક ગાથા બોલ્યો. તેનો અર્થ ઃ મગ, અડદ પ્રમુખની દાળ કાચા ગોરસમાં પડે તો તેમાં તરત જીવની ઉત્પત્તિ થાય છે તથા ત્રણ દિવસના વાસી દહીંમાં પણ જીવ ઉત્પન્ન થાય છે. આ પ્રકારનું જ્ઞાન જૈન શાસ્ત્રમાં જ છે એમ શોભન મુનિની સારી વાણીથી પ્રતિબોધ પામી તે સમકિત પામ્યો અને કર્મપ્રકૃતિ આદિક જૈનશાસ્ત્ર ગ્રંથોમાં પ્રવીણ થયો. નિત્ય પ્રાતઃકાળે જૈન પ્રતિમાની પૂજા કરતો થયો. તે વખત તે આ પ્રકારનું કાવ્ય બોલી આત્મનિંદા કરે છે.
હે પ્રભો ! અહો મારું અજ્ઞાન તો જુઓ ? કે થોડાં જ નગરનો જે સ્વામી છે તેને પ્રસન્ન કરવાને મોહના ઉદયથી દુ:ખ પણ ગયું નહીં ને એ પ્રકારની સેવામાં આજ સુધી મેં મારો કાળ ફોગટ ગુમાવ્યો. તમે તો ત્રણ ભુવનના સ્વામી છો, મોક્ષ પદને આપનાર છો છતાં તમારી આરાધના ન કરી. તે ગયેલો કાળ સંભાર્યાથી મને ખેદ થાય છે.
(૨) વળી હે વીતરાગ ! તમારું શાસન જાણ્યા વિના સર્વ જગ્યાએ ધર્મ છે એમ જાણ્યું. પણ શુદ્ધ ધર્મ જૈન શાસ્ત્રોમાં જ છે તેનો બિલકુલ વિચાર કર્યો નહીં. જેમ ધતૂરાનો રસ પીને ઉન્મત્ત થયેલો પુરુષ બધી જગ્યાએ પીળુ દેખે પણ પોતાના શુદ્ધ ઉજ્જવળ પદને ન દેખે તેમ મારે થયું.
(૩) દેશનો અધિપતિ રાજી થાય તો એક ગામ આપે, ગામનો ધણી રાજી થાય તો એક ખેતર આપે અને ખેતરનો ધણી રાજી થાય તો ખેતરમાં પાકેલી શીંગ વિગેરે શાક આપે પણ તમે રાજી થાઓ તો પોતાની સઘળી સંપદા એટલે મોક્ષ આપો ઇત્યાદિ સ્તુતિ કરતો ધનપાળ જૈન થયો.
કોઈ એક વખત ભોજ રાજાએ શિકાર કરતી વખતે ધનપાળને જોડે રાખી એક શ્લોક પૂગ્યો કે, હે ધનપાળ ! આ મૃગ આકાશમાં કૂદે છે ને વરાહ પૃથ્વીને ખોદે છે તેનું શું કારણ છે. ત્યારે ધનપાળે ઉત્તર દીધો કે હે દેવ ! તમારા શસ્ત્રોથી ડરીને ચંદ્ર મંડળમાં પોતાની જાતિના રહેલા મૃગનો આશ્રય લેવા તે આકાશ તરફ કૂદે છે. તેમજ પાતાળમાં રહેલા આદિ વરાહનો આશ્રય લેવા આ વરાહ પૃથ્વી ખોદે છે. આ કવિતા સાંભળી રાજા પ્રસન્ન થયો. વળી બાણથી મૃગને વિંધી તેનું વર્ણન
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર