________________
304 ભક્તામર તુલ્યું નમઃ II
પરમાત્માનું નામ એ એક એવી નાગદમની છે જે જ્ઞાનાવરણીય જેવા વિકરાળ ફણીધરને પણ વશમાં કરી લે છે. પરમાત્માના નામસ્મરણથી સાધક આ ભયનું ઉલ્લંઘન કરીને પોતાનો યશ પ્રશસ્ત કરી શકે છે.
મણિધર સર્પ એ લોભ અને ક્રોધનું પ્રતીક છે. મણિધર સર્પે પોતાના માથા ઉપર મણિ ધા૨ણ કરેલો હોય છે. આ સર્પ પોતાની પાસે જે મણિ હોય છે તેનો ઉપયોગ કરી શકતો નથી. તેમ જ બીજાને પણ તેનો ઉપયોગ કરવા દેતો નથી. ક્રોધિત સર્પ સર્વને હેરાન કરનાર તત્ત્વ છે. તેવી રીતે લોભી માણસ ગમે તે રીતે વર્તતા જરા પણ અચકાતો નથી. તેમાં પણ જ્યારે તેને ક્રોધનો સથવારો મળે છે ત્યારે તે જીવાત્મા અમર્યાદ બને છે. ક્રોધ એ માન, માયા અને લોભને ઉદ્દીપન કરનાર તત્ત્વ છે. આવો ક્રૂર મણિધર જેવો લોભ જ્યારે ચારેકોરથી લલચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જીવને ઉપાય મળતો નથી. કારણ કે મણિ જેવી આસક્તિ તેને રહ્યા જ કરે છે. અને લોભના એ ભયાનક સ્વરૂપમાં જીવાત્મા દબાતો જાય છે. આવા જીવાત્માઓ મર્યા પછી સાપ બને છે. પૂર્વકાળમાં એવાં ઉદાહરણો પણ મળી રહે છે કે જેમના ધનાદિના સ્થાન પર સર્પ કૂંડળું વળીને બેઠો રહે છે અને એ ધનને કોઈને પણ અડવા પણ દેતો નથી. આ રીતે સર્પને લોભ અને ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે.
લોભ વશ જીવ પોતાના ઉપરાંત અન્યનું પણ ગ્રહણ કરવા તત્પર હોય છે. આમ તેમાં વ્યક્તિગત અને સર્વવ્યાપી એ બંને તત્ત્વોનો સમાવેશ થાય છે. અર્થાત્ લોભ એ સર્વનાશ કરવામાં સૌથી વધુ ઉદ્યમી છે.
સર્પ ભલે ક્રોધ, લોભ કે જ્ઞાનાવરણીય કર્મનું પ્રતીક માનવામાં આવે પણ એ નિશ્ચિત છે કે પ્રભુના નામસ્મરણરૂપી નાગદમની મંત્રથી જીવાત્મા લોભરૂપી નાગથી બચી શકે છે અને લોભને રોકી શકાય છે.
સૂરિજીએ આ શ્લોકમાં કષાયોના ઝેરના નિવારણ અર્થે નાગદમની નામનો પ્રભુના નામસ્મરણ રૂપ મંત્ર જેના હૃદયમાં છે તે નિરસ્તશંક' એટલે કે સર્વ પ્રકા૨ની શંકા તેમજ ભયથી મુક્ત નિઃશંકપણે પોતાની સાધનામાં આગળ વધતો જાય છે.
સર્પનું ઝે૨ તત્કાળ મરણ નિપજાવે છે. સૂરિજીએ અહીં મોહનીય કર્મપ્રધાન ઘાતીકર્મનું વર્ણન કર્યું છે અને તેમાં ચાર કષાયો માન, ક્રોધ, માયા, લોભ તે તો અસંખ્ય જન્મમરણના ફેરા કરાવે છે. તેને ટાળવાનો એક માત્ર ઉપાય ભગવાનની ભક્તિરૂપ સમ્યક્દર્શન, સમ્યક્-જ્ઞાન અને તેમના ચરણ-કમળના આશ્રયરૂપ સમ્યક્-ચરિત્ર છે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્રણે કાળને વિષે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: આ રત્નત્રયી એક જ મોક્ષ માર્ગ છે. અર્થાત્ પ્રભુના નામસ્મરણરૂપ મંત્ર દ્વારા મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકાય છે.