________________
260
। ભક્તામર તુલ્યું નમઃ II
અને કેટલું બદલ્યું. ખૂબ વિચિત્ર કર્તૃત્વ હતું તેમનું. તેથી સૂરિજીએ આદિનાથને ઈશ્વરની ઉપમા દ્વારા ઉપમિત કર્યા છે.
(૮) અનન્ત : હે પ્રભુ ! આપને અનન્ત કહેવામાં આવ્યા છે. હે દેવ ! અનંત ગુણના વૈભવથી ભરેલા આપ અનંતસ્વરૂપ છો; આપના જ્ઞાન વગેરેનું સામર્થ્ય પણ અનંત છે.
આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ કાવ્યાત્મ ભાષામાં પ્રભુના અનન્ત સ્વરૂપ વિશે જણાવતાં લખે છે કે :
તારે ત્યાં તો જીવો ય અનંત... કર્મોય અનંત એક જીવના ભવ પણ અનંત
મોક્ષમાં ગયા બાદ રહેવાનો કાળ પણ અનંત.'
એટલે જ તને આ અનંતની હારમાળાના પ્રકાશ સમજીને જ તત્ત્વજ્ઞાનીઓએ તુજને અનંત કહ્યો. ૧
(૯) અનંગકેતુ : હે પ્રભુ ! આપને અનંગકેતુ પણ કહેવામાં આવે છે. કારણ કે તમે અનંગ એટલે કામદેવનો નાશ કરવામાં કેતુ સમાન છો. અન્ય શબ્દોમાં કહું તો જેમ કેતુ-ધૂમકેતુનો ઉદય દુનિયાના નાશનું કારણ બને છે, તેમ તમે કામદેવના નાશનું કારણ બનો છે. તેથી તમારું અનંગકેતુ એવું નામ સાર્થક છે. કેટલાક કહે છે કે બુદ્ધદેવે મારવિજય કર્યો તે ભગીરથ કાર્ય હતું, પણ તમે કામવાસનાઓ ઉપરનો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો, તે કંઈ ઓછું ભગીરથ કાર્ય નથી.
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે અનંગકેતુ પણ આપ છો. પરમાત્મા વિકાર રહિત છે અને આપણે વિકારયુક્ત છીએ. આપણે ક્યારેક પ્રાર્થનાની ભાષામાં કહીએ છીએ ઃ પરમાત્મા તું મહાન છે, અમે લઘુ છીએ. તું વિકારોથી રહિત છે, હું વિકારોથી ભરેલો છું. શો મતલબ હોય છે આવું કહેવાનો ? ભક્તામર સ્તોત્ર કહે છે કે પરમાત્મા, તું વિકારોથી રહિત છે અને ‘ત્તામેવ સમ્યગુપતમ્મ’તું જેને પ્રાપ્ત થઈ જાય છે તે પણ વિકારોથી રહિત થઈ શકે છે. જો કોઈ સાધક ઇચ્છે છે કે હું પોતાના સ્વાભાવિક સ્વરૂપને રોશન કર્યું, વિકાર મુક્ત થઈ જાઉં તો પરમાત્માનું સ્મરણ કરીને તે વિકાર રહિત થઈ શકે છે.’૩૨
(૧૦) યોગીશ્વર : હે પ્રભુ ! આપને યોગીશ્વર પણ કહેવામાં આવે છે. યોગીજનો એટલે મોક્ષમાર્ગના અંતિમ પુરુષાર્થ સ્વરૂપ જિનદીક્ષાયુક્ત નિગ્રંથ મુનિજનો અને તેમાં ઈશ્વર કરતાં સર્વોત્કૃષ્ટ એટલે આપ યોગીશ્વર છો.
આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, આપે તમામ યોગો જાણ્યા હતાં. તમામ યોગીઓમાં પ્રથમ યોગી આપ હતા તેથી આપ યોગીશ્વર છો. ૩
(૧૧) વિદિતયોગ : હે પ્રભુ ! આપને વિદિતયોગ એટલે યોગને સારી રીતે જાણનારા કહેવામાં આવે છે. અહીં સૂરિજીએ યોગીશ્વર પછી તરત જ ‘વિદિતયોગમ્' શબ્દ પ્રયોજ્યો છે તેનો અર્થ યોગના આપ સંપૂર્ણ જ્ઞાતા હોવા ઉપરાંત આપે યોગને સંપૂર્ણ રીતે સાધ્ય કરેલ છે.