SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ કવિ ઋષભદાસનું જીવન અને કવન : ૨૩ พ સંઘવી સાંગણનો સુત કવિ છે, નામ તસ ઋષભદાસ; જનની સરૂપાદેને શિર નામી, જોડ્યો ભરતનો રાસ રે. ભરત બાહુબલિ રાસકૃતિમાં કવિ ઋષભદાસ પોતાનો પરિચય આપતાં ઉપરોક્ત પંક્તિઓમાં દર્શાવે છે કે, ધર્માનુરાગી પિતા સાંગણ તથા માતા સરૂપાદેના સુપુત્ર ઋષભદાસ વીસા પ્રાવંશીય જૈન વાણિક જ્ઞાતિમાં જનમ્યા. જન્મથી જ ધર્મના સંસ્કારોનું સિંચન થયું. માતા અને પિતાના સંસ્કારોરૂપી વારિના સિંચનથી નાનકડા ઋષભરૂપી બીજમાં ધર્મનું વાવેતર થયું. અનુક્રમે તે ધર્મબીજ એક દિવસ વટવૃક્ષ બની ફાલ્યું. કવિએ પણ પોતાના પૂર્વજોની જેમ જીવનમાં ધર્મને પ્રથમ પ્રધાનતા આપી છે. કવિની માતા સરૂપાદે હતાં. પ્રકાશિત રાસકૃતિઓના આધારે ફક્ત ભરત બાહુબલિ રાસકૃતિમાં જ કવિની માતાનો ઉલ્લેખ મળે છે. તે સિવાય તેમની માતા વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. કવિની ઘણી રાસ કૃતિઓ અપ્રગટ છે સંભવ છે કે તેમાં માતા વિષે વિશેષ માહિતી મળી શકે. આપણી વાચનાની કૃતિ સમકિતસાર રાસમાં પણ માતા વિષે કોઈ ઉલ્લેખ થયો નથી. જેવી રીતે કવિની માતા વિષે કોઈ માહિતી મળતી નથી તેમ કવિની જન્મ અને મૃત્યુ સંબંધી કોઈ વિશેષ વિગત પ્રાપ્ત નથી. તેમના જીવન અને મૃત્યુ સંબંધી જે વિગતો મળે છે તે ફક્ત અનુમાનથી સ્વીકારવી પડે. કવિની સૌથી પ્રથમ રાસકૃતિ ‘ૠષભદેવ રાસ’ ઈ.સ. ૧૬૦૬માં રચાયેલી છે પરંતુ કવિની અન્ય રાસકૃતિઓ જેમાં રચનાસાલ પ્રાપ્ત થતો નથી, તેવી નવ જેટલી રાસકૃતિઓ છે તેમજ બીજી બે રાસકૃતિઓ પણ હોવાની સંભાવના છે, જે રાસકૃતિ ઉપલબ્ધ નથી., તેથી સંભવ છે કે બે, ત્રણ રાસકૃતિઓ ઋષભદેવ રાસ પૂર્વે પણ રચાઈ હોવી જોઈએ. આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે કવિની સાહિત્ય પ્રવૃત્તિનો આરંભ ઈ.સ. ૧૬૦૧ થી એટલે કે સત્તરમી સદીના પ્રારંભથી થયો હોવો જોઈએ. તેમની બાલ્યાવસ્થા, વિદ્યાભ્યાસ, સાહિત્ય-વાંચન અને વયપરિપક્વતા આ સર્વ માટે જીવનના પ્રારંભના પચ્ચીસ વર્ષ ગણતાં તેમણે સાહિત્ય સર્જનનું કાર્ય પોતાની વયના છવ્વીસમાં વર્ષથી કર્યું હોવું જોઈએ, તેથી તેમનો જન્મ ઈ.સ. ૧૫૭૫ની આસપાસ થયો હોવાની સંભાવના છે. કવિની રચાયેલી રાસકૃતિઓમાં પ્રાપ્ત રચના સાલના આધારે તેમની અંતિમ રાસકૃતિ ‘રોહણિયા રાસ’ ઈ.સ. ૧૬૩૨માં રચાઈ છે. ત્યાર પછી એક અથવા બે રાસકૃતિઓ રચાઈ હોય તેવી શક્યતા છે, તેથી તેમની સાહિત્ય લેખનની પ્રવૃત્તિ લગભગ ઈ.સ. ૧૬૩૪ સુધી ચાલી હોય એવું અનુમાન કરી શકાય. આ વિગત ઉપરથી કવિનો સ્વર્ગવાસ વહેલામાં વહેલો ઈ.સ. ૧૬૩૫ની આસપાસ થયો હોવાની સંભાવના છે. ઉપરોક્ત વિગતોથી તારણ કરતાં કવિની જીવનમર્યાદા ઈ.સ. ૧૫૭૫ થી ઈ.સ. ૧૬૩૫ની છે., તેથી તેમનું આયુષ્ય લગભગ ૬૦ થી ૬૫ વર્ષનું હોવું જોઈએ. કવિ ઋષભદાસ ગર્ભ શ્રીમંત હતા. તેઓ સંતોષી હતા., તેથી તેમનું જીવન આનંદિત હતું. તેમના પરિવારમાં અજ્ઞાંકિત-પ્રેમાળ પત્ની, બહેન, ભાઈઓ, બાળકો હતાં. તેમના ઘરમાં ગાય-ભેંસનું દુઝણું હતું, એ દર્શાવે છે કે તેઓ સુખી અને સમૃદ્ધ હતાં.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy