________________
વાત નવમા શ્લોકમાં એના હેતુને જણાવવા સાથે જણાવી છે.
ત્યાર બાદ ગુરુભગવંતની હીલનાની ભયંકરતાનું વર્ણન કર્યું છે. જેમની પાસે ધર્મપદો ભણતા હોઈએ તેમનો વિનય સતત-નિરંતર કરવો જોઈએ : એ બારમા શ્લોકમાં જણાવ્યું છે. ત્યાર પછી જ્ઞાનાદિગુણોથી અધિક એવા મહાત્માઓનો, તેઓ નાના હોય તોપણ તેમનોવિનય કરવો જોઈએ. તેમ જ જાહેરમાં દોષોને સેવનારાની પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવા તેમનો પણ વિનય કરવો જોઈએ. એના સમર્થન માટે ‘અગ્રહિલગ્રહિલ’ ન્યાયનું પણ સૂચન કર્યું છે-એ બધું એના રહસ્યને જાણનારા ગીતાર્થ ગુરુ ભ. પાસેથી સમજી લેવું જોઈએ. અન્યથા અનર્થ થવાનો પૂરતો સંભવ છે.
ત્યાર પછી વિનયનું માહાત્મ્ય, વિનયની શિક્ષા મળે ત્યારે કોપ કરનારને પ્રાપ્ત થતો અપાય અને વિનીત અવિનીતને પ્રાપ્ત થતાં ફળનું વર્ણન કરાયું છે. વીસમા શ્લોકમાં વિનયથી જ પૂજ્યત્વ-ગુરુત્વ પ્રાપ્ત થાય છે. ગુરુત્વ ગુણસાપેક્ષ છે આકસ્મિક નથી : એ સારી રીતે વર્ણવ્યું છે. ત્યાર બાદ વિનય, શ્રુત, તપ અને આચાર : આ ચાર સમાધિ અને તેના અવાંતર ચાર ચાર પ્રકારોનું વર્ણન છે. પચીસમા શ્લોકમાં સમાધિના ફળ સ્વરૂપે સ્પર્ધાત્મક તત્ત્વસમ્પ્રાપ્તિનું વર્ણન છે, જેનાથી આત્મા પરમાત્મા બને છે-તે દષ્ટાંત સાથે વર્ણવ્યું છે. સત્તાવીસમા શ્લોકમાં વિનયથી વ્યાપકતા, અઠ્ઠાવીસમા શ્લોકમાં વિનયની દોષનાશકતા ઓગણત્રીસમા શ્લોકમાં વિનય વિના ગ્રહણ કરેલા શ્રુતની અત્યંત દુષ્ટતાને વર્ણવી છે.
ત્યાર પછી શ્રી તીર્થંકરપરમાત્માના દષ્ટાંતથી વિનયનું પ્રાધાન્ય વર્ણવીને એકત્રીસમા શ્લોકમાં, શુદ્ધભિક્ષાદિમાં તત્પર રહેનારા પણ વિનયને ગૌણ કરી ગુરુકુલવાસાદિ સ્વરૂપ વિનયને આચરતા નથી, તેઓ મોક્ષમાર્ગના વિલોપક છે-આ વાત જણાવી છે. એનો શાંત ચિત્તે વિચાર ફરીએ તો વિનયની અનિવાર્યતા સમજાશે. અંતે બત્રીસમા શ્લોકમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિનો વિચાર કરી યથાસ્થાને યોજેલા વિનયના ફળ તરીકે પરમાનંદ-સંપદાને જણાવી છે. એ મુજબ આ બત્રીશીના પરિશીલનથી; વિનયને આત્મસાત્ કરી એ પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની અભિલાષા... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
જૈન ઉપાશ્રય, સંસ્કારધામ સોસાયટી, લાલચૌકી : કલ્યાણ,
ચૈ.વ. ૭ : શનિવાર, તા. ૩૦-૪-૦૫