________________
વચનાનુસાર તત્ત્વચિંતનના સમન્વયના કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય થાય એ સમજી શકાય છે. અધ્યાત્મભાવને પામેલા આત્માઓને ઘાતિર્માદિ સ્વરૂપ પાપને પાપસ્વરૂપે સમજવાદિની કોઈ જ તકલીફ નથી. તેઓ પાપના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા હોવાથી પાપનો ક્ષય સરળતાથી કરે છે. દુઃખ આપનારાં કર્મોને પાપ માનવાના બદલે આત્મગુણોનો ઘાત કરનારાં કર્મોને તેઓ પાપ તરીકે માને છે, તે તેમના અધ્યાત્મભાવના કારણે છે.
એ રીતે અધ્યાત્મથી પાપકર્મનો ક્ષય થવાથી અંતરાય કર્મ(વીર્યાન્તરાયર્મ)નો પણ ક્ષય થાય છે; તેથી વીર્યનો ઉત્કર્ષ પ્રગટે છે, જેથી અપૂર્વ ઉલ્લાસથી યોગની સાધના થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ વધવાથી ચિત્તસમાધિસ્વરૂપ શીલ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે કોઈ પણ અનુષ્ઠાનનું ફળ ચિત્તસમાધિ છે. જે કોઈ પણ આપણે કામ કરીએ, એનાથી જે ચિત્તમાં સમાધિ ન રહે અને ચિત્ત અસમાધિથી ત્રસ્ત બને તો ખરી રીતે આપણે કરેલું એ કામ ન કર્યા જેવું જ છે. જે ફળપ્રદ નથી તેને કારણ કઈ રીતે મનાય ? જે મળ્યું છે એ સિવાય બીજું કાંઈ જ જોઈતું નથી-આ સમાધિ છે. અનુષ્ઠાન કર્યા પછી પ્રાપ્ત થયેલી નિર્જરાને છોડીને બીજી કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી. યોગમાર્ગની સાધનાનો એ એક જ પ્રભાવ છે કે જેથી ઈચ્છાનો અંત આવે છે. ઈચ્છાનું અસ્તિત્વ જ વસ્તુતઃ ચિત્તની અસમાધિ છે. અધ્યાત્મની પ્રાપ્તિ થવાથી પૌગલિક ઈચ્છાઓ નાશ પામતી જાય છે. તેથી ચિત્તની સમાધિ ઉત્તરોત્તર વધે છે. તે શીલ(સદનુષ્ઠાન)નું કાર્ય હોવાથી શીલસ્વરૂપે તેનું અહીં વર્ણન ક્યું છે.