________________
જિનાગમોનું તલસ્પર્શી પરિશીલન, દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રાપ્તિથી અનુભવેલો સ્વાભાવિક આનંદ વગેરેના યથાર્થસ્વરૂપે દર્શન કરાવનારા તેઓશ્રીના ગ્રંથોના પરિશીલનથી આત્માને જે આનંદની અનુભૂતિ થાય છે તે વર્ણનાતીત છે. તેઓશ્રી દ્વારા સર્જાયેલા અગાધ સાહિત્યમાંથી આજે જે ભાગ ઉપલબ્ધ છે એ પણ આપણા સૌના પરમપુણ્યોદયનું જ એક ફળ છે. એની પ્રત્યે ઉદાસીનતા બતાવવાનું મુમુક્ષુ આત્માને તો કોઈ પણ રીતે ન પાલવે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા સૂરિપુરંદર આચાર્યભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો આપણા સુધી પહોંચ્યા એમાં એકમાત્ર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના નિર્મળ પ્રયત્ન કારણ છે. તેઓશ્રીના સમકાલીન શ્રી આનંદઘનજી મહારાજ, મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ, મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા આદિ અનેક વિદ્વાન શાસ્ત્રકાર પરમર્ષિઓની અપેક્ષાએ પૂજ્યશ્રીની શાસ્ત્રરચના- પદ્ધતિ; પદાર્થના પરમરહસ્યને પ્રાપ્ત કરાવવા માટેનું એક અનોખું વિશિષ્ટ સાધન છે.
શ્રીમદ્ આનંદઘનજી મહારાજની અધ્યાત્મિકતા એ વખતે ખૂબ જ પ્રસિદ્ધ હતી. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીને મળવાની ઘણી જ ભાવના હતી. એકવાર પૂજ્યશ્રી અધ્યાત્મભાવને ઉદ્દેશી વ્યાખ્યાન કરી રહ્યા હતા, ત્યારે શ્રોતાવર્ગમાં એક વૃદ્ધ સાધુ પણ હતા. વ્યાખ્યાનથી પ્રભાવિત બનેલા એ શ્રોતાવર્ગમાં પેલા વૃદ્ધસાધુના મુખ પર જોઈએ તેવી પ્રસન્નતા ન જણાઈ, ત્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેમને વ્યાખ્યાન કરવા વિનંતી કરી. એ મુજબ ત્રણ કલાક તેઓએ પ્રવચન કર્યું. તેનાથી પ્રભાવિત બની પૂજ્યશ્રીએ તેમને તેમનું નામ