________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઇચ્છાથી આવીને વિનંતિ કરે. તે સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલું કહેવાય.
સાધુને ખબર પડે તેમ શી રીતે લાવે ? તે સમજાવવા દૃષ્ટાંત કહે છે.
૮૪
દૃષ્ટાંત
કોઈ ગામમાં ધનાવહ આદિ ઘણા શ્રાવકો અને ધનવતી આદિ ઘણી શ્રાવિકાઓ રહેતી હતી. આ બધા એક જ કુટુંબના હતા.
એક વખતે લગ્નપ્રસંગ પતી ગયા બાદ લાડવા આદિ ઘણી મીઠાઈ વધી. આથી તેઓએ વિચાર કર્યો કે ‘સાધુને આપવામાં આવે તો ઘણું પુણ્ય થાય, કેટલાક સાધુઓ દૂર રહેલા છે. જ્યારે કેટલાક સાધુ નજીકના ગામમાં રહેલા છે પણ વચમાં નદી છે એટલે અહીં ભિક્ષા માટે આવી શકે નહિ. કદાચ આવી જાય તો ઘણી મીઠાઈ જુએ, એટલે સાચું કહેવા છતાં આધાકર્મી માનીને લે નહિ, માટે સાધુ રહેલા છે તે ગામમાં જઈને સાધુને ખબર ન પડે કે ‘આ મીઠાઈ વહોરાવવા માટે લાવેલા છે.' એ રીતે સાધુને વહોરાવીએ.'
આવો વિચાર કરીને તે લાડવા આદિ લઈને તેઓ સાધુ રહેલા હતા તે ગામમાં આવ્યા. આવીને વિચાર કર્યો કે ‘જો સાધુને બોલાવીને આપશું તો અશુદ્ધ ધારીને લેશે નહિ, વળી બ્રાહ્મણ આદિને આપવા માંડીએ તો તે સાધુના જોવામાં ન આવે અથવા તો શંકા પડે તોય ન લે. માટે જે રસ્તે સાધુઓ થંડીલ આદિ માટે જાવઆવ કરતા હોય ત્યાં સાધુઓ જોઈ શકે તે રીતે બ્રાહ્મણ આદિને આપીએ.’
આવો વિચાર કરીને જે રસ્તે સાધુઓનું જવું-આવવું હતું તે રસ્તે કોઈ એક સ્થાને જઈને બ્રાહ્મણ આદિને થોડું થોડું આપવા લાગ્યા.
કેટલાક સાધુઓ તે રસ્તે નીકળ્યા ત્યારે તેમણે કહ્યું કે ‘અરે ! સાધુઓ ! અમારે લાડવા આદિ ઘણું વધેલું છે, જો તમારે ઉપયોગમાં આવતું હોય તો ગ્રહણ કરો.'
આ પ્રમાણે કહેવાથી સાધુઓને લાગ્યું કે ‘આ શુદ્ધ આહાર છે.' એમ સમજી ગ્રહણ કર્યો, બીજા સાધુઓને પણ ખબર આપ્યા કે ‘અમુક સ્થાને શુદ્ધ આહાર મળે છે.’ આથી બીજા સાધુઓ પણ ત્યાં ભિક્ષા લેવા ગયા.
એક શ્રાવક વધારે આપવા લાગ્યો, એટલે બીજા શ્રાવકો પરસ્પર કપટપૂર્વક બોલવા લાગ્યા.
એકે કહ્યું કે ‘થોડું થોડું આપો, વધારે ન આપો. આપણને ખાવા કામ લાગશે.’