________________
૨૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રમાણે અહીં પણ “આત્મા નથી' એવો આત્માનો નિષેધક શબ્દ કોઈપણ જગ્યાએ આત્માના સદ્ભાવ વિના ન થઈ શકે, આટલા ઉપરથી જે તે આત્માનો નિષેધ કરે છે, તે નિષેધ જ આત્માનો સદ્ભાવ સિદ્ધ કરે છે માટે આત્મા છે.
પ્રશ્ન-૭૪૫ - ગધેડાના શિંગડા જેવા અવિદ્યમાન પદાર્થનો પણ નિષેધ તો જણાય છે તો તમે કહેલો નિષેધનો હેતુ અનેકાંતિક દોષવાળો કેમ નહિ થાય?
ઉત્તર-૭૪૫ - ના, દોષવાળો નથી, કેમકે - જે કોઈ પદાર્થનો નિષેધ કરાય છે તે અન્ય સ્થળે તો વિદ્યમાન હોય છે જ, પરંતુ તેના અમુક સ્થળે સંયોગ-સમવાય-સામાન્ય-વિશેષ એ ચારનો નિષેધ કરાય છે. સર્વથા અભાવ નથી કહેવાતો. જેમકે – “દેવદત્ત ઘરમાં નથી આ વચનમાં ઘર અને દેવદત્ત વિદ્યમાન છે, તેના સંયોગ માત્રનો નિષેધ છે. સર્વથા અભાવ નહિ. “ગધેડાના શિંગડા નથી” એ વાક્યમાં ગધેડું અને શિંગડા બંને હોવા છતાં તેના સમવાયનો નિષેધ છે. “બીજો ચંદ્ર નથી' એક ચંદ્ર છે પણ બીજો નથી. એટલે ચંદ્રના સામાન્યનો નિષેધ કર્યો છે તેનો સર્વથા અભાવ નથી કહ્યો, “ઘટ જેટલાં મોતી નથી. અહીં મોતીના ઘટ પ્રમાણતારૂપ વિશેષનો નિષેધ છે. સર્વથા મોતીનો અભાવ નથી, આ જ પ્રમાણે “આત્મા નથી' એમાં વિદ્યમાન આત્માનો કોઈ સ્થળે કોઈની સાથે સંયોગમાત્ર નથી એમ તારે માનવું, જેમકેઃ શરીર આત્મા નથી પરંતુ, આત્માનો સર્વથા અભાવ ન માનવો જોઈએ.
પ્રશ્ન-૭૪૬ - જો એ પ્રમાણે જેનો નિષેધ કરાય, તે વસ્તુ હોય છે જ - એમ કહેતા હો, તો “મારામાં પણ ત્રણ લોકનું સ્વામીપણું છે” અને “સમવાયાદિ ચાર પ્રતિષેધનો પાંચમો પ્રતિષેધ પણ છેઆ બંનેનો તમે જ નિષેધ કરેલો છે માટે એ છે - એમ માનવું જોઈએ. કેમકે, તમે જ કહો છો ને કે જેનો નિષેધ કરાય, તે વસ્તુ હોય જ છે.
ઉત્તર-૭૪૬ – ગૌતમ ! તારી આ માન્યતા અયોગ્ય છે, કેમકે જેમ મોતીઓના ઘટ પ્રમાણરૂપ વિશેષનો નિષેધ કરાય છે, તેમ ત્રિલોકની ઈશ્વરતારૂપ વિશેષ માત્રનો જ તારામાં નિષેધ કરાય છે, સર્વથા ઈશ્વરત્વનો નિષેધ નથી, કેમકે સ્વશિષ્યાદિનું ઈશ્વરત્વ તો તારામાં છે. વળી પ્રતિષેધની સંખ્યામાં પણ પાંચમી સંખ્યાનો નિષેધ છે સર્વથા પ્રતિષેધનો અભાવ નથી.
પ્રશ્ન-૭૪૭ – તમારી વાત સંબંધ વિનાની છે કેમકે મારામાં ત્રિલોક સ્વામિત્વનો અને અવિદ્યમાન એવા પાંચ સંખ્યા વિશિષ્ટ સંબંધનો નિષેધ કરાય છે. વળી, સંયોગ-સમવાયસામાન્ય અને વિશેષ તે ગૃહ, દેવદત્ત અને ખરવિષાણમાં અવિદ્યમાન છે તેનો જ નિષેધ કરાય છે. આથી, “જેનો નિષેધ કરાય તે વસ્તુ છે જ” એમ કહેવું સંબંધ વિનાનું નહિ તો શું છે?