________________
૧૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આદેયભાવ છે, તેથી તેનો ગ્રાહક પણ કોઈ છે, તે જ આત્મા છે. એનાથી વિપરિત જ્યાં જ્યાં આદાન-આદેય ભાવ નથી દેખાતો ત્યાં-ત્યાં આદાતાનો પણ આકાશની જેમ અભાવ હોય છે.
જેમ ભોજન-સ્ત્રી-વસ્ત્ર વગેરે ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પુરુષ છે. તેમ શરીર પણ ભોગ્ય હોવાથી તેનો પણ કોઈ ભોક્તા છે. અને જેનો કોઈ ભોક્તા નથી તે ગધેડાના શિંગડાની જેમ ભોગ્ય પણ નથી. અહીં શરીરનો ભોક્તા જે છે તે આત્મા સિવાય કોણ સંભવે ?
તથા શરીર વગેરે સંઘાતરૂપ-મૂર્તિમાનું ઈન્દ્રિયવાળું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી, જેમ સંઘાતરૂપાદિવાળા ઘર વગેરેનો સ્વામી છે. જે સ્વામી વગરનું છે, તે આકાશકુસમની જેમ સંઘાતાદિ સ્વરૂપ પણ ન હોય. અહીં શરીરાદિ પણ સંઘાતાદિ સ્વરૂપ છે માટે તેનો સ્વામી પણ છે. તે આત્મા છે.
પ્રશ્ન-૭૪૧ – “શરીરાદિનો કોઈ કર્તા છે” એમ કહેવા દ્વારા શરીરાદિના કર્તા તો સિદ્ધ થયા પણ એમાં આત્માની સિદ્ધિ ક્યાં?
ઉત્તર-૭૪૧ – શરીર-ઈન્દ્રિય વગેરેનો કર્તા-અધિષ્ઠાતા આદાતા-ભોક્તાપણે કહેલ છે તે સર્વ આત્મા છે. તે સિવાય બીજા ઈશ્વરાદિને તેના કર્તા વગેરે માનવા યોગ્ય નથી.
પ્રશ્ન-૭૪૨ – તમે આપેલા હેતુ અમૂર્ત આત્માને સાધનારા નથી પણ તેની વિરુદ્ધતા સાધનારા હોવાથી વિરુદ્ધ હેતુઓ છે, જેમકે – ઘટાદિ પદાર્થના કર્તા કુંભારાદિ મૂર્તિમાનસંઘાતરૂપ અને અનિત્યાદિ સ્વભાવવાળા છે. એટલે જીવ પણ એવો જ સિદ્ધ થશે, આથી તમારા હેતુઓ સાથે વિરુદ્ધ સાધનારા કેમ ન કહેવાય?
ઉત્તર-૭૪૨– તમારી વાત અયોગ્ય છે, કેમકે સંસારી જીવને સિદ્ધ કરતાં આ દોષ નહિ આવે, કેમકે તે આત્મા આઠ કર્મપુદ્ગલના સમૂહવાળો અને સશરીરી હોવાથી કાંઈક મૂર્ત ધર્મવાળો છે જ. એટલે અમારે સાધ્ય વિરૂદ્ધ કાંઈ સાધવાનું નહિ થાય અને હેતુ વિરૂદ્ધ પણ નહિ થાય.
બીજી રીતે અનુમાનથી આત્માની સિદ્ધિ :
ગૌતમ! તને જીવ સંબંધી સંશય થયો છે. માટે જીવ અવશ્ય છે. કેમકે જે સંબંધી સંશય થાય તે વસ્તુ અવશ્ય હોય જ છે. જેમ સ્થાણુ અને પુરુષમાં ઊંચાઈ-પહોળાઈ વગેરે સમાન ધર્મોના પ્રત્યક્ષપણાથી અને ગતિ-મસ્તક ખંજવાળવું – પક્ષી ઉડવું – લતા ચડવું વગેરે પુરુષ તથા સ્થાણુના ભિન્ન (૨) ધર્મો પ્રત્યક્ષ ન થવાથી બંનેમાં રહેલા ધર્મોના સ્મરણ માત્રથી સ્થાણુ