________________
૧૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૩૫ – ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણી પ્રત્યક્ષ થાય છે એ હેતુ અનેકાંતિક છે. જેમકે, આકાશનો ગુણ શબ્દ પ્રત્યક્ષ છે પણ તે ગુણવાનું આકાશ પ્રત્યક્ષ નથી થતું એ કઈ રીતે તમે નહિ માનો?
ઉત્તર-૭૩૫ - શબ્દ એ આકાશનો ગુણ નથી પણ રૂપ આદિની જેમ ઈન્દ્રિય ગ્રાહ્ય હોવાથી પુદ્ગલનો ગુણ છે. એટલે તે ગુણ પ્રત્યક્ષ થવાથી આકાશ ક્યાંથી પ્રત્યક્ષ થાય? ન
જ થાય.
પ્રશ્ન-૭૩૬ – ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણીને શું?
ઉત્તર-૭૩૬ – તું ગુણોથી ગુણીને ભિન્ન માને છે? કે અભિન્ન માને છે? જો અભિન્ન માનતો હોય તો જ્ઞાનાદિ ગુણને ગ્રહણ કરવા માત્રથી જ તે ગુણવાન આત્મા પ્રત્યક્ષથી ગ્રહણ કરાય એમ સિદ્ધ થયું. કેમકે જે જેનાથી અભિન્ન હોય, તેનું તેને ગ્રહણ કરવાથી ગ્રહણ થાય છે. જેમ વસ્ત્રમાં રહેલો રંગ વસ્ત્રથી અભિન્ન હોવાથી વસ્ત્રના પ્રહણથી રંગ પણ ગ્રહણ કરાય છે. તેમ જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન તે આત્મા છે. તેથી તેના ગુણો રહણ થવાથી તે ગુણવાનું આત્મા પણ પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે. જો ગુણથી ગુણીને ભિન્ન માને તો ઘટાદિ ગુણી તેના રૂપાદિ ગુણોથી જે પ્રત્યક્ષ ગ્રહણ થાય છે તે ન થવું જોઈએ. જેમ ઘટ ગ્રહણ કરવાથી તેનાથી ભિન્ન એવા પટનું ગ્રહણ થતું નથી. તેમ અહીં પણ ગુણથી ભિન્ન એવા ગુણોના ગ્રહણથી ગુણીનું ગ્રહણ ન થવું જોઈએ. જો એમ કહે કે દ્રવ્યવિના ગુણો હોય નહિ, તેથી રૂપાદિ ગુણો પ્રત્યક્ષ થતાં ઘટાદિ પ્રત્યક્ષ થાય છે, તો આત્મામાં પણ એમ જ છે.
પ્રશ્ન-૭૩૭ – ભલે, જ્ઞાનાદિ ગુણોવાળો ગુણી હોય, પરંતુ શરીરથી ભિન્ન હોય એવો ગુણી કોઈ આત્મા પદાર્થ નથી કે જેમાં એ જ્ઞાનાદિ ગુણો હોય, જેમ રૂપાદિ ગુણોવાળો ઘટ છે. તેમ જ્ઞાનાદિ ગુણોવાળું શરીર જ છે. કેમકે ગોરાપણું-પાતળાપણું-જાડાપણું વગેરેની જેમ તે પણ શરીરમાં જ જણાતા હોવાથી તેને શરીરના ગુણો માનવામાં શો વાંધો છે?
ઉત્તર-૭૩૭ – એમ માનવું યોગ્ય નથી, કેમકે ઘટની જેમ શરીર મૂર્તિમાનું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી અમૂર્ત એવા જ્ઞાનાદિ ગુણો તે શરીર સંબંધી નથી હોતા, અને દ્રવ્ય વિના ગુણો ન રહે એટલે જે તે ગુણોના જેવો અમૂર્ત અને અચાક્ષુષ છે તે શરીરથી ભિન્ન એવો ગુણી આત્મા છે.
પ્રશ્ન-૭૩૮– તમે કહો છો કે જ્ઞાનાદિ ગુણો શરીરના નથી એ તો પ્રત્યક્ષથી વિરૂદ્ધ વચન છે કારણ કે તે ગુણો તો શરીરમાં પ્રત્યક્ષથી જણાય જ છે ને?