________________
પ્રસ્તાવના
વિશેષાવશ્યકભાષ્ય અને તે ઉપરની શ્રી મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટીકાનો મુનિ પાર્શ્વરત્નસાગરજીએ કરેલ ભાવાનુવાદ ૧૧૬૮ પ્રશ્નોત્તરરૂપે (ભાગ ૧-૨) પ્રગટ થઈ રહ્યો છે. તે આનંદનો વિષય છે.
ગ્રંથ-ગ્રંથકાર અને ટીકા-ટીકાકાર વિષે ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે.
પં. દલસુખભાઈ માલવણિયાએ (ગણધરવાદની પ્રસ્તાવનામાં), ડૉ. મોહનલાલે (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસમાં), ડૉ. સાધ્વી મુદિતયશાશ્રીએ (વિશેષાવશ્યકભાષ્ય ખંડ-૧ની ભૂમિકામાં) લખ્યું છે. એ બધાના આધારે અહીં કેટલીક વિગતો રજૂ કરીએ છીએ.
ગ્રન્થ :
આવશ્યકનિયુક્તિના સામાયિક અધ્યયન ઉપરનું વિશેષ પ્રકારનું ભાષ્ય છે વિશેષાવશ્યકભાષ્ય.
•
આ ભાષ્ય સર્વાનુયોગમૂલક છે. આને જાણીને જે પરિકર્મિતબુદ્ધિવાળો બને છે તે બાકીના બધા અનુયોગ માટે પણ યોગ્ય બને છે. (વિ.ભા.ગા. ૪૩૨૯) • સૈદ્ધાંતિક અને દાર્શનિક બાબતોની તર્કપૂર્ણ વિવેચન કરનાર અપૂર્વ ગ્રંથ. ♦ જૈન માન્યતાઓ સાથે અન્યદર્શનીય મંતવ્યોની તુલના કરતો અદ્ભુત ગ્રંથ. • ચૂર્ણિકાર જિનદાસગણિ, આ.હરિભદ્રસૂરિ, આ.અભયદેવસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રીમલયગિરિસૂરિ આદિ ટીકાકારો ઉપર વિશેષા.નો વિશેષ પ્રભાવ જણાય છે.
• મહો. યશોવિજયજીએ અનેકાંતવ્યવસ્થા, જૈનતર્કભાષા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથોમાં વિશેષા.માં બતાવેલ યુક્તિઓ પ્રયોજી છે.
·
આ ગ્રંથમાં અન્ય દર્શનો જોડે સામંજસ્ય સ્થાપનપૂર્વક આગમિક અવધારણાઓને સુરક્ષિત રાખી છે.