________________
(૭૪૧
બાળકાય કૂંપળ સમી, યૌવન પાન સમાન; પાકું પાન જરા-સમય, મરણ વાયરો માન. કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઇ; બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઇ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય; એક નિયમ નક્કી ખરો - જન્મે તે મરી જાય. ગિરિ નીચે નદી ઊતરે, તેમ જીવન વહી જાય; ભોગમગ્ન જીવ ઊંઘતો, મરણ સમય પસ્તાય. પાણી પહેલી પાળ જે, બાંધે તે જ સુજાણ; આત્મહિતમાં ઢીલ કરે, તે નર નહિ વિદ્વાન.
(પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૮) કેવળ અર્પણતા નથી, મરણ સુધીની છેક' એ વારંવાર વિચારી, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે કંઈ આત્મસાધન દર્શાવ્યું છે, તે જ એક આધાર માની, તેની ઉપાસના અત્યંત પુરુષાર્થ ફોરવી, આ ભવમાં કરી લેવી ઘટે છે. કાળનો ભરોસો નથી. ક્યારે આપણો વારો આવશે, તે ખબર નથી; તો રોજ મરણને સંભારી, કેવી રીતે મરવું છે, તેની તાલીમ લેવી ઘટે છેજી. સમાધિમરણને અર્થે આ ભવ છે અને જ્ઞાનીને શરણે, તેના સ્મરણમંત્રને લક્ષમાં રાખી, તેને આશ્રયે દેહ છોડવો છે, એ જ નિશ્ચય કરી, તેની વારંવાર સ્મૃતિ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.પ૨૫, આંક પ૭૩) D પૂ. .... પોતાની ધર્મભાવના વધારી, આત્મકલ્યાણના લક્ષસહિત પરલોકવાસી થયા છે, તેથી ખેદનું કારણ નથી. માત્ર આપણને તેમના સમાગમનો યોગ ન રહ્યો એ લાગી આવે, તે સ્વાભાવિક છે; પણ
જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનશીલતા એ ઉત્તમ માર્ગ જ્ઞાની પુરુષોએ જણાવ્યો છે. ખેદને વૈરાગ્યમાં પરિણમાવવો ઘટે છે. એક ધર્મશાળામાં, જેમાં અનેક ગામથી મુસાફરો આવીને રાત રહે છે અને સવાર થતાં પોતપોતાને રસ્તે ચાલ્યા જાય છે, તેમ અનેક ગતિમાંથી જીવો આવી, એક કુટુંબમાં થોડો કાળ સાથે રહે છે, તેટલામાં તો એટલો બધો મોહ વધારી દે છે કે મરણકાળે તે પ્રતિબંધ આડા આવી, જીવને અધોગતિએ લઈ જાય છે. એ વિચારી, જેમ બને તેમ આજથી સગાં, મિત્ર, મળતિયા કે પાડોશીના પ્રતિબંધ ઓછા કરી, જેમ બને તેમ વાસના, મોહ, મમતા કે દેહાધ્યાસ ઘટે તેવા વૈરાગ્યમાં વૃત્તિ રાખી, સત્પરુષે જે આજ્ઞા કરી છે એવા વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદનો પત્ર, અપૂર્વ અવસર, મહામંત્ર, આલોચના, સામાયિક, આઠ દ્રષ્ટિની સઝાય આદિ ઉત્તમ સાધનોમાં, મનને રાખવા ઉદ્યમ કર્તવ્ય છેજી. દરરોજ મરણ સંભારી, તેની વાટ જોઈને બેઠા હોઈએ તેમ પ્રતિબંધ ટાળી અસંગભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છે). જે કરશે તેના લાભનું છેજી. (બો-૩, પૃ.૯૧, આંક ૮૩)