________________
૭૨૬
મરણ દરેકને માથે ચક્કર મારે છે, ક્યારે ઉપાડી જશે તે નક્કી નથી. દરદ ભલે મટી જાય પણ મરણ તો જરૂર એક દિવસ આવનાર છે. માટે મરણ સુધરે તેવા ભાવ, આજથી કરતા રહેવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૨૦)
D
D
આપનું કાર્ડ મળ્યું. ધર્મસ્નેહને લઇને ખેદની લાગણી તથા વૈરાગ્યની સ્ફુરણા થઇ. અણધારી રીતે તે શ્રદ્ધાળુ આત્માએ સર્વનો સંગ તજી, પોતાના ભાવિ માર્ગ પ્રત્યે પ્રયાણ કર્યું. આ કાળને, આવા જીવો વધારે વખત સુધી આ ક્ષેત્રે રહે, તે પોષાય નહીં, એમ લાગવાથી તેને હરી લીધો હોય, તેમ ધર્મયૌવનમાં એકાએક લૂંટ પડી. તેનાથી બને તેટલું તે કરી છૂટયો.
હવે આપણો કાળ આવી પહોંચે ત્યાં સુધીમાં, આપણે કેમ જીવવું, તે નક્કી કરવાનું આપણા હાથની વાત છે. એકાએક ચેતવણી આપીને ચાલ્યો જાય, તેવું તેનું જીવન, સર્વને ચેતવણીરૂપ છે. પ્રત્યક્ષ સમજાય તેવું છે કે બાપ કરે તે બાપની સાથે, પુત્ર કરે તે પુત્રની સાથે, મા કરે તે માની સાથે, સ્ત્રી કરે તે સ્ત્રીની સાથે અને પતિ કરે તે પતિની સાથે જાય છે. કોઇ કોઇને કંઇ પણ આપી શકે કે લઇ શકે તેમ નથી. માત્ર કલ્પનાથી મેં આને ઉછેર્યો' કે ‘એણે મને આ લાભ કર્યો' એમ માનીએ છીએ.
પોતે જ પોતાનો મિત્ર કે પોતે જ પોતાનો શત્રુ છે એમ વિચારી, હવેથી આ આત્માને જન્મજરામરણરૂપ કસાઇખાનામાંથી છોડાવવા, જરૂર પ્રયત્ન કરી, પોતે પોતાનો મિત્ર બનવું છે, એવો દૃઢ નિશ્ચય કરી, સદ્ગુરુઆજ્ઞામાં પળે-પળે વર્તાય તેમ કરવું, એ જ અત્યારે બની શકે તેમ છેજી.
બીજાને સંભારી શોક કરવાથી, નથી બીજાનું ભલું થવાનું કે નથી પોતાનું ભલું થવાનું, પણ ભક્તિમાં ચિત્ત વિશેષ બળ કરીને રાખીશું તો પોતાના આત્માને આશ્વાસન અને ક્લેશરિહતપણું પ્રાપ્ત થશે અને અન્યને પણ શાંતિનું કારણ બનશે. તે વિચારી, ત્યાંના સર્વે મુમુક્ષુવર્ગે મળી, વધારે વખત ભક્તિમાં ગળાય તેમ કરશોજી. (બો-૩, પૃ.૩૨૩, આંક ૩૧૫)
મરણના મુખ આગળે, અશરણ આ સૌ લોક; કાં ચેતી લે નહિ ચતુર, મૂકવી પડશે પોક. દેહાદિ સર્વ અનિત્ય છે એવી પ્રતીતિ જો થઇ, સદ્ગુરુકૃપાથી તત્ત્વશ્રદ્ધા અચળ જો હ્દયે રહી; તો વન વિષે કે જન વિષે, તું સર્વ સ્થાને છે સુખી, પણ ક્ષણિકતા ને તત્ત્વશ્રદ્ધા વિણ, ગમે ત્યાં તું દુઃખી. મહાપુરુષની મહેરથી, જાય જન્મ સંસાર; વહાણ વિષેના પહાણ પણ, પહોંચે દરિયાપાર.
પૂ. .ના દેહત્યાગના સમાચાર મળ્યા. અચાનક આવો પ્રસંગ સાંભળી સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ બન્યું હતું. પરમકૃપાળુદેવે લખ્યું છે : ‘‘બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.'' (૪૭) થયું, તે ન થયું, થનાર નથી. કર્મને આધીન સર્વ પરાધીન છીએ એમ માની, તે કર્મશત્રુનો નાશ કરવા સદ્ગુરુકૃપાથી જે સત્સાધન મળ્યું છે, તેની ઉપાસના વર્તમાન અને ભાવિ સંકટો દૂર કરવા સમર્થ છે એમ વિચારી, શોક મંદ કરી, તેને વૈરાગ્યના રૂપમાં પલટાવી,