________________
૭૨૧
બોરસદના પૂ. ....નો થોડા દિવસ ઉ૫૨ અચાનક દેહ છૂટી ગયો. તેમના કુટુંબના બધાં સંસ્કારી હોવાથી, તેમણે રડવા-કૂટવાનું બંધ કરી, વચનામૃત વાંચવાનો નિયમ રાખ્યો છે; તે જે આવે, તે સાંભળે અને સદ્ગતનો પરમકૃપાળુદેવ તથા પ.પૂ. પ્રભુશ્રીજી તરફ જે ભાવ હતો, તેની વાત કરતા કે સાંભળતા જાય તેવું નિમિત્ત રાખ્યું છે, તે સર્વ મુમુક્ષુઓને દૃષ્ટાંતરૂપ છે; તે જાણવા સહજ આપને જણાવ્યું છે. બાકી ‘‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'’(૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન છે, તે સ્મૃતિમાં રાખી, આત્મકલ્યાણનો લક્ષ ન ચુકાય તેમ વ્યવહારમાં પ્રવર્તતા રહી, નિવૃત્તિ, સત્સંગ, ભક્તિની ઇચ્છા રાખ્યા કરવી ઘટે છેજી. (બો-૩, પૃ.૨૧૦, આંક ૨૦૮) D રૂબરૂમાં વાતચીત થયાથી કંઇક ચિત્તને શાંતિનું કારણ થયું હશે, અને પરમકૃપાળુદેવનાં વચનો સાંભળવાનો, વાંચવાનો ક્રમ રાખશો તો વિશેષ શાંતિનું કારણ થશે.
આટલી ઉંમર થતાં સુધીમાં તમારે તો ઘણા પ્રસંગો એવા વેઠવા પડયા છે કે જેનો યથાર્થ વિચાર જીવ કરે તો વૈરાગ્યનું કારણ શોધવા શાસ્ત્રો વાંચવાની જરૂર ન પડે. સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી, સંસાર-દુ:ખથી મુક્ત થવાનો એક જ ઉપાય, એક આત્મજ્ઞાન છે એટલું હૃદયમાં દૃઢ થઇ જાય, તો હવે ગમે તે પ્રકારે પણ આત્મજ્ઞાનના વિચાર સિવાય બીજામાં ચિત્ત બહુ પરોવવું નથી, એમ નિશ્ચય કરવો ઘટે છેજી. બીજી ઉપાધિ આવી પડે તેમાંથી છૂટા થવા, બને તેટલો પુરુષાર્થ તન, મન, વચન, ધન આદિથી કરી, હવે તો એક આત્મકલ્યાણ અર્થે જ જીવતા રહ્યા છીએ, એ ભૂલવા યોગ્ય નથી. બધાંની સાથે મોટરમાં હોત તો આ ઉપાધિ લાંબી-ટૂંકી કરવા કે તે ઉપાધિથી દુઃખી થવા ક્યાં આવવાનું હતું ? માટે આટલું મફતનું જીવવાનું મળ્યું છે એમ માની, જે થાય તે સમભાવ રાખી, જોયા કરવું અને ધર્મકાર્યમાંથી ચિત્તને બહાર કાઢી, વારંવાર ઉપાધિકાર્યમાં ન જોડવું. જે પ્રારબ્ધમાં હશે એટલે પૂર્વનું પુણ્ય જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી, કોઇથી કંઇ આઘુંપાછું થઇ શકે તેમ નથી. નસીબમાંથી કોઇ લૂંટી જાય તેવું નથી એમ વિચારી, કશાની ફિકર રાખ્યા વિના, સદ્ગુરુની આજ્ઞા અખંડિત, હ્દયમાં રાખવી.
બ્રહ્મચારી પૂ. .બહેનના મા જ્યારે વિધવા થયા ત્યારે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવેલાં. તેને દુ:ખી દેખીને, કરુણામૂર્તિ પૂ. પ્રભુશ્રીજીએ ‘હિંમત ન હારવી, બનનાર છે તે ફરનાર નથી, હિંમતે મરદા તો મદદે ખુદા' વગેરે વચનો કહી કહ્યું કે આમાં શું ગભરાઇ જાય છે ? મોટાપુરુષોને કેવાં-કેવાં દુઃખ આવી પડેલાં - રામને વનવાસ, પાંડવોને વનવાસ તથા દુર્યોધનની પજવણી, ગજસુકુમારની ક્ષમા - વગેરે શબ્દોથી ધીરજ બંધાવી કહ્યું કે આથી વધારે આવી પડશે ત્યારે શું કરીશ ? તે વખતે તેમને લાગેલું કે આથી વધારે દુઃખ વળી કેવું આવી શકે ?
પછી તે પોતાને ગામ ગયાં. થોડાં દિવસમાં તેમનાં ઘર લાગ્યાં એટલે તે તો ચિત્રપટ તથા પુસ્તકો વગેરે લઇને બહાર નીકળી ગયાં અને પૂ. પ્રભુશ્રીજીએ કહેલું તે સંભારવા લાગ્યાં કે થવાનું હોય તે જરૂર થાય છે, શોક કર્યો કંઇ લાભ નથી. દૂર રહ્ય-રહ્યું ઘર લાગતાં જોયા કર્યું પણ હિંમત છોડી દઇ, ગભરાઇ ન ગયાં. પતિનો દેહ છૂટી ગયો, ઘર બળી ગયાં, છોકરાં નાના હતા; છતાં જે થવાનું છે તે મિથ્યા કેમ થાય ? એમ વિચારી હિંમત રાખી.
તેમ તમારે પણ ગંભીરતાથી સર્વનું સાંભળ્યા કરવું. ભલે લોકો કહે કે એને છોકરા ઉપર ભાવ નહીં તેથી રડતી નથી કે કંઇ ગણતી નથી, પણ તેથી નુકસાન નથી; પણ જો આર્તધ્યાનમાં ચિત્ત રહેશે અને