________________
(૭૧૯) રાજાએ યોગીને આસન પર બેસાડી પૂછયું : યોગીરાજ ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવો છો ? યોગી બોલ્યા : પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો ? તો કહે, ઈશ્વરભજન. રાજાએ કહ્યું : બાવાજી ! આપ આટલો ક્લેશ કરો છો તો તમને સાચા ગુરુ મળ્યા નથી, એમ લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તોપણ ક્લેશ કરવો નકામો સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તો વૈરાગ્ય વિના ઇશ્વરભજન કેવું કરતા હશો ? માટે હવે સદ્દગુરુ શોધી, સાચો વૈરાગ્ય પામી, ઇશ્વરને ઓળખી, મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણી પાસે તે ગયો. બૈરાં આગળ વળી વધારે ફેલ, દેવમાયાથી તે કરવા લાગ્યો. હાંફતો-હાંફતો, છાતી કૂટતો તે કહેવા લાગ્યો : રાણીજી ! સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો-દોડતો, તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેમને બેસાડી, પાણી પાયું. મોં - માથે સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠો, પાણી પીધું. રાણીજીએ કહ્યું : બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તો મરી જાય છે. કોઇ વધે તે બીજા તોડી લે છે. તેમ મને ઘણાં સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામ્યો, ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સરુનો યોગ થયો છે, તેથી અમને ભક્તિ એ જ, આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાં સુધી ભક્તિ કરી, આ આત્માનું હિત કરીશું પણ આપને આટલો ક્લેશ થાય છે, તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊઠી, તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈ વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછયું : બાવાજી ! આમ કેમ કરો છો? તેણે કહ્યું : તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલી : બાવાજી! આવ્યા તે સારું કર્યું, પણ મારી વાત સાંભળો હું ક્યાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી; પણ મોટો લાભ તો અમને સદ્ગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ, ત્યારથી અમે બધાં કુટુંબનાં જાણે મરી ગયાં હોઇએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઇએ, તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઇચ્છા, સુખકારી અમે માનીએ છીએ. આપે હવે ક્લેશ કરશો નહીં. સદ્ગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા-રાણી આવ્યાં એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયો. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો, એમ કહી તેમને નમસ્કાર કરી, તે પાછો દેવલોકે ગયો. (બો-૩, પૃ.૬૮૫, આંક ૮૨૪).
___ "राजा राणा छत्रपति, हाथिनके असवार ।
मरना सबको एक दिन, अपनी अपनी वार ।।" દિલગીરી ભરેલો પ્રસંગ બન્યો છે; પરંતુ પરમકૃપાળુદેવનું શરણ જેણે ગ્રહણ કર્યું છે, જેને પરમકૃપાળુદેવ ઉપર પ્રીતિ, પ્રતીતિ અને ભક્તિ જાગી છે, તેને આવા પ્રસંગે ધીરજ વિશેષ રહે છે. જે દુઃખ આવી પડે તે ધીરજથી, બને તેટલા સમભાવથી સહન કરવાથી, જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મ બંધાતાં અટકે છે.