________________
૭૧૧
પ્રમાદ ઓછો કરવો જ છે, એ લક્ષ ચુકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય; અને ‘‘કર વિચાર તો પામ’' કહ્યું છે તેમ આત્મસ્વરૂપનો નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુધી અપ્રમત્ત રહેવાય, તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે. (બો-૩, પૃ.૨૨૫, આંક ૨૨૨)
આપણામાં જે શક્તિ છે તેનો દુરુપયોગ થતો અટકાવીએ તો સન્માર્ગની વિચારણા કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, અને સન્માર્ગ વિચારાય તો તેમાં પ્રવૃત્તિ પણ થાય. માટે પ્રમાદ ઓછો કરવાનો ઉપયોગ રાખ્યા કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯)
પ્રમાદ એ મહાશત્રુ છે, તે તજીને જાગ્રત રહેવું. સત્પુરુષનો શરણભાવ ટકાવી રાખવો.
હજી મારે ઘણું કરવાનું છે અને આમ પ્રમાદ થાય છે, તો માર્ગ કેમ કપાશે ? એમ વારંવાર વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૦૯, આંક ૧૦૧)
પ્રમાદ જેવો કોઇ શત્રુ નથી. પ્રમાદ ઓછો કરવાનો નિશ્ચય કરી, તેની વારંવાર સ્મૃતિ રાખવાથી, પરમાર્થના વિચા૨નો અવકાશ મળે છે, અને પરમાર્થનો વિચાર થાય તો પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે. આ લક્ષ રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૩૧, આંક ૮૯૨)
નિદ્રા
પ્રશ્ન : ઊંઘ શાથી મટે ?
પૂજ્યશ્રી : ઓછું ખાય, સંસારનો વારંવાર વિચાર કરે, તો લાગે કે આ ભવમાં પ્રમાદ કરવા જેવું નથી. ફિકર લાગે તો ઊંઘ ન આવે. કાળજી રાખવી. ભક્તિમાં ઊંધ આવે તો ઊભા થઇ જવું. પ્રભુશ્રીજી આંખમાં છીંકણી નાખતા. માહાત્મ્ય લાગ્યું નથી, તેથી અસર થતી નથી. જીવને ગરજ નથી હોતી, તેથી એ વચનો સાંભળે તોય ચિત્ત ન લાગે. ઊંડો ઊતરી વિચાર કરે તો સમજાય એવું છે કે સંસારમાં કોઇ કોઇનું નથી. ચેતે તો પ્રમાદ ન કરે. (બો-૧, પૃ.૨૦૩, આંક ૮૪)
D પ્રમાદ, નિદ્રા વિઘ્ન કરે તો તેનો ઉપાય પણ શોધવો - જેમ કે ઊભા થઇ જવું; ફરતાં-ફરતાં વાંચવું-વિચારવું; આંખે પાણી છાંટવું; કે સુસ્તી વિશેષ જણાય તો ચિત્રપટ આગળ થોડા નમસ્કાર પાંચ-પચીસ કરવા.
સાંજે વિશેષ ઊંઘ નડતી હોય તો રાત્રિભોજન તજવું, કે દૂધ વગેરે ઓછાં કરવાં. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી હોય તો એલાર્મ કે કોઇ મિત્ર જગાડનાર મળે તેવી કોઇ યુક્તિ કરવી. જૂનો રિવાજ પંડિતોના વખતનો એવો હતો કે ખીલા વગેરે સાથે ચોટલી બાંધી વાંચતા એટલે ઊંઘ આવે કે ઝોલું આવે તો ચોટલી ખેંચાય કે જાગી જાય.
આ બધા બાહ્ય ઉપાય છે; પણ ખરો ઉપાય તો ખરેખરી ગરજ અંતરમાં સમજાઇ હોય તો વિશેષ જાગૃતિ રહે છે. જેમ પરીક્ષા વખતે વગર કહ્યે વહેલું ઉઠાય અને ઊંધ પણ ઓછી આવે, તેમ આ મનુષ્યભવમાં ધર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદ અને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો પછી લખચોરાસીના ફેરા ફરતાં કોઇ વખતે આવો લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે.