________________
Fee
જેનાં મહાભાગ્ય હશે તેને આવા આત્મકલ્યાણ કરવાના નિમિત્તરૂપ સત્સંગની ભાવના જાગશે; અને તેવી જિજ્ઞાસા પોષ્યા કરશે તો જરૂર જીવ ઊંચો આવશે; અધમ વાસનાઓને કાળાં મોં કરીને કાઢી મૂકશે, હ્રદયને પવિત્ર બનાવશે. સાચું જાણ્યું નથી, સાચું સાંભળ્યું નથી અને સાચાની શ્રદ્ધા થઇ નથી ત્યાં સુધી જ તુચ્છ વિષયો, તુચ્છ મિત્રો અને તુચ્છ વાતાવરણમાં જીવને મીઠાશ, સંતોષ અને આસક્તિ રહ્યા કરે છે; નહીં તો કાચ અને હીરાની સરખામણીમાં, હીરા પર જ દૃષ્ટિ સૌની પડે; કારણ કે તેનામાં તેટલી ઉત્તમતા હોવાથી આકર્ષણ કરી શકે છે; પણ તેની કિંમત વગરના બાળકને તો એક પતાસા જેટલી પણ તેની કિંમત લાગતી નથી.
તેમ સત્પુરુષનાં અચિંત્ય માહાત્મ્યવાળાં વચનોનો પરિચય જેને રહે, તેને ધન, સ્ત્રી, પુત્ર કે અલંકારો કરતાં વિશેષ શાંતિ, સુખ અને આનંદનું કારણ તે સમજાય છે; પણ અજાણ્યા માણસને તો છાપાંના સમાચાર જેટલી પણ તેની કિંમત સમજાતી નથી. છાપાં વાંચવામાં કલાક-બે કલાક ગાળે, પણ સત્પુરુષનાં વચનોમાં ઉલ્લાસ આવતો નથી, એવો કોઇ મોહનીયકર્મનો પ્રભાવ છેજી; પણ વારંવાર તેવો પરિચય રાખતાં, રુચિ પણ તેવી થવા યોગ્ય છેજી.
માટે શરૂઆતમાં મુશ્કેલ જણાય તોપણ સત્પુરુષનાં વચનોમાં ચિત્ત વારંવાર રોકતાં સત્પુરુષના ઉપકારની સ્મૃતિ આણી તેના ગુણગ્રામ સાંભળતાં, નવીન અપૂર્વ પ્રેમ જીવમાં જાગવા સંભવ છેજી. માટે મહાપુરુષનાં વચનોની અપૂર્વતા સમજવા પ્રયત્ન કરતા રહેવા વિજ્ઞાપના છેજી .
વિશેષ શું લખવું ? આપ સર્વ સુજ્ઞ છો. સત્સંગ સર્વ શ્રેયનું મૂળ છેજી. (બો-૩, પૃ.૨૮૯, આંક ૨૭૮) I ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી સત્સંગના માહાત્મ્યની એક પ્રચલિત કથા કહેતા.
એક વખત નારદજીએ ભગવાનને ‘‘સત્સંગનું માહાત્મ્ય શું ?'' એમ પ્રશ્ન કર્યો. નારદજીને ભગવાને કહ્યું : ‘‘અમુક વડ ઉપર એક કાચીંડાનું બચ્ચું હાલ જન્મ્યું છે. તેને જઇને પૂછો.’' ભગવાનની આજ્ઞા થઇ, તેથી ત્યાં જઇ તેમણે પૂછ્યું કે તે તરફડીને મરી ગયું; એટલે ભગવાન પાસે આવી બધી હકીકત કહી સંભળાવી.
ભગવાને ફરી બીજા ઝાડના એક માળામાં પોપટનું બચ્ચું છે, તેને પૂછવા મોકલ્યા; ત્યાં પણ જઇ સત્સંગનું માહાત્મ્ય પૂછ્યું કે તેણે દેહનો ત્યાગ કર્યો. ફરી પ્રશ્ચાત્તાપપૂર્વક ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવાન ! મને પાપ લાગે તેવી જગાએ કેમ મોકલો છો ?
ભગવાને સમજાવીને ફરી રાજાને ત્યાં કુંવર જન્મ્યો હતો, તેને ત્યાં મોકલ્યા. ત્યાં જો બાળક મરી જશે તો જરૂર પકડીને તે લોકો શિક્ષા ક૨શે એવો ભય લાગ્યો, પણ ભગવાનની આજ્ઞા મુશ્કેલી ભરેલી પણ પાળવી એવો નિશ્ચય કરી, ત્યાં જઇ તરત જન્મેલાં બાળકને મગાવી, નારદ ઋષિએ પૂછ્યું કે સત્સંગનું માહાત્મ્ય શું ? બાળકે કહ્યું : ‘“તમે હજી ન સમજ્યા ? પહેલાં કાચીંડાના ભવમાં તમે મને દર્શન દીધાં, તેથી હું પોપટ થયો અને ત્યાં ફરી તમારાં દર્શન થતાં, અહીં હું રાજપુત્ર થયો. એ બધો સત્સંગનો પ્રતાપ છે.’’ (બો-૩, પૃ.૩૨૧, આંક ૩૧૩)
નિરંતર સત્સંગની ભાવના પરમકૃપાળુદેવ જેવા પરમપુરુષે કરી છે, તો આપણે પણ તે જ કર્તવ્ય છેજી. તે ભાવનાનું બળ વધતાં, તે ફળવાન થશેજી. જેની જેવી ભાવના, તેને તેવું ફળ (સિદ્ધિ) જરૂર મળે છેજી. (બો-૩, પૃ.૪૩૩, આંક ૪૪૯)