________________
(૬૯૨)
કારણ બદલ્યા સિવાય કાર્ય બદલાતું નથી. તેથી અનાદિકાળથી જે પ્રેમ વડે સંસાર-પરિભ્રમણ થયા કર્યું છે તે પ્રેમ પલટાવી, સંસારથી છુટાય તેમ તે પ્રેમ વાપરવા હવે ચીવટ રાખવી ઘટે છેજી. વાછરડું ઘેર હોય તો પણ ગાયને ચરવા ખેતરોમાં જવું પડે છે, પણ મન-ભાવ-પ્રેમ વાછરડા પ્રત્યે હોય છે. તેથી તે વારંવાર ચરતાં-ચરતાં તેને સાંભરી આવે છે અને ઊંચું ડોકું કરી બરાડે છે; તેમ કામ કરતાં જતાં પણ આપણો ભાવ-પ્રેમ પરમકૃપાળુદેવ તરફ, તેણે આપેલા સ્મરણમાં રહે અને તે વારંવાર સાંભરી આવે, તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. કોઈ કહે કે વારંવાર મંત્ર બોલ-બોલ કરે તો ખોટું દેખાય, કોઇને ગમે - ન ગમે, માટે બોલ-બોલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા યોગ્ય નથી. ભલેને કોઈ કહે એ તો ગાંડીઓ થઇ ગયો છે, ગાંડો ગણે તોપણ તે લત મૂકવા યોગ્ય નથી. મોઢાને તો મંત્રનું કામ સોંપી મૂકયું હોય તો મન પણ જરા નવરું પડે ત્યારે મોઢાથી મંત્ર બોલાતો હોય તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હોય અને મોઢે મંત્ર બોલાતો હોય તો પણ કંઈ ન કરવા કરતાં તે પુરુષાર્થ સારો છે. મનને તેમાં પ્રવેશ થવાનો, તે પુરુષાર્થમાં અવકાશ છે; પણ જો કંઈ નહીં કરતા રહીએ તો વચન પણ ક્યાંનું ક્યાં પ્રવર્તે અને મન તો ઠેકાણા વિનાનું ભટકતું જ હોય. માટે એક વખત તો ટેવ પડતા સુધી ગાંડાની પેઠે બેસતા-ઊઠતાં, કામ કરતાં સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' બોલ્યા કરવાની આદત પાડી દેવી ઘટે છે. કરવા ધાર્યું હોય તો
બને તેવું છે. એથી ઘણો અલેખે જતો વખત, લેખામાં આવી જાય. (બી-૩, પૃ.૧૧૨, આંક ૧૦૬) | સર્વ વ્રતોનું મૂળ અને સમાધિમરણનું કારણ, એવું જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલું “સ્મરણ” અખંડ
એકધારાએ રહ્યા કરે, એવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૩, આંક ૭૪૫) સ્મરણ અવકાશને વખતે કર્યા કરો છો એમ જાયું છે. હવે સ્મરણ કેટલી માળાનું થાય છે, તેની ગણતરી રાખવા ભલામણ છેજી, માળા ન રાખો તો આંગળીના વેઢાથી પણ ગણતરી કરતા રહી, રોજ કેટલી માળા થાય છે, તેની નોંધ ખાનગી નોટમાં રોજ રાખવી. તેથી વધે છે, ઘટે છે કે તેટલી જ માળા થયા કરે છે, તે સમજાશે. માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા ફેરવવાનો અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્રયનો કે એકાદ ગુણ પ્રગટ કરવાની ભાવનાનો રાખવો. જેમ કે અત્યારે બે મિનિટ અવકાશ છે તો જરૂર એક-બે માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી માળામાં ક્રોધ દૂર કરવાનો એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોધ કરવો નથી, પ્રાણ લેવા કોઇ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોધ કરવો નથી, એવો નિશ્વય કે ક્ષમાગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એકલો મંત્ર બોલાતો હોય ત્યારે મને થોડી વારે બીજી કોઈ બાબતમાં ખેંચાઇ જાય છે. મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ, બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી, આવી સલાહ જ્ઞાની પુરુષોએ આપી છે કે તેને જરૂર પડે તો આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી; પણ ગમે ત્યાં ભટકતું તેને રોકવું છે. બીજી માળા ફેરવતાં માન દૂર કરી, વિનય ગુણ વધારવાના પ્રયત્નમાં જરૂર પડયે રોકવું. ત્રીજીમાં માયા તજી, સરળતા ધારણ કરવા; ચોથીમાં લોભ ઘટાડી, સંતોષ વધારવા મનને વાળવું.