________________
(૪૯) થયે બદલી નાખીએ છીએ, તેમ મરણ થયે એક દેહ છોડી દેતાં બીજો દેહ મળે છે; કંઈ આત્મા મરતો નથી. રોગ આવ્ય, દવા વગેરે કરવી પડે તો કરવી, પણ લક્ષ ચૂકવો નહીં. જે થાય તે ઠીક થાય છે, સારા માટે થાય છે, એવી સવળી સમજણ કરતાં શીખવું, જેથી દુ:ખ માલૂમ પડશે નહીં. આગળના વખતમાં મુનિઓ શરીરને કષ્ટ આપી તપશ્ચર્યા કરતા. તાપમાં કાઉસગ્ગ કરે, ઠંડીના વખતમાં ઉઘાડા શરીરે કાઉસગ્ગ કરે, તે એટલા માટે કે મરણપ્રસંગે જે વેદના આવે તેમાં સમભાવ રહે. સહન કરવાનો પ્રથમથી અભ્યાસ પાડ્યો હોય તો ગમે તેવા દુ:ખમાં પણ સહનશીલતા રહે. જો તેવો અભ્યાસ ન પાડ્યો હોય તો તેવા પ્રસંગ આવ્યે બધું ભૂલી જવાય. (બો-૧, પૃ.૧૧, આંક ૧૪) શરીરનું જે થવું હોય તે થાઓ, બાંધેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી પણ ભોગવતી વખતે ધીરજ, સમભાવ, શાંતિ રાખીશું તેટલો આત્માને લાભ છે. જ્ઞાની જેવી સમતા રાખે છે તેવી ન રહી શકતી હોય તોપણ તેવી સમતા રાખવાની ભાવના પણ કલ્યાણકારી છે. સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ રાખી એટલે સર્વને ખમી, ખમાવી નિઃશલ્ય થવું. એક જ્ઞાનીના શરણમાં જ બુદ્ધિ રાખી નિર્ભયપણે અને નિઃખેદપણે દેહત્યાગ કરવો ઘટે છે. (બી-૩, પૃ.૬૨૫, આંક ૭૩૧)
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ,
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.'' જેને પરમકૃપાળુદેવનું શરણ છે, તેને કંઈ ગભરાવા જેવું નથી. બાકી બાંધેલાં કર્મ તો બધા જ્ઞાની-અજ્ઞાની સર્વને ભોગવવાં જ પડે છે; પણ શાહુકાર ખુશીથી દેવું પતાવે, તેમ પોતે બાંધેલાં કર્મ સમભાવે સહન કરી, તેથી છૂટવાની ભાવના કર્તવ્ય છેજી. હસતાં કર્મ ભોગવાય અને રડતાં-રડતાં પણ ભોગવાય. રડવાથી કર્મને દયા આવવાની નથી, કંઈ ઓછાં થવાનાં નથી; તો પછી શા માટે દુઃખથી ડરવું? નરકમાં જીવ કર્મ ભોગવીને આવ્યો છે, તેવાં આકરાં કર્મ તો અહીં ભોગવવાનાં હોય જ નહીં. આંખનું ઓપરેશન તો નાનું ગણાય. મરણની વેદના બહુ ભયંકર ગણાય છે. તેની તૈયારી કરવા આ નાનાં-નાનાં કર્મ સહનશીલતા શીખવવા આવે છે, તે સારું છે કે છેવટે મરણ વખતે જીવ ગભરાઈ ન જાય. તમે સમજુ છો, ઉપવાસ વગેરેથી દુ:ખ સહન કરવાનું શીખ્યાં છો, તેથી આ તો કંઈ વિશેષ લાગશે નહીં, પણ આથી આકરાં દુઃખ મરણનાં છે એમ વિચારી, મંત્રમાં મન પરોવેલું રાખવા
ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૨૧, આંક ૮૭૬) I પૂર્વકર્મ જેવાં બાંધ્યાં છે તેવાં અત્યારે ઉદયમાં દેખાય છે. તે પ્રત્યે સમભાવ રાખી વર્તવાથી તેવાં નવાં
કર્મ ન બંધાય; માટે મનમાં ક્લેશને સ્થાન આપવા યોગ્ય નથી. પ.પૂ. પ્રભુશ્રીજી બપોરે જમ્યા પછી દર્શન કરવા આવતાં બાળકો આદિને પ્રસાદી વહેંચતા. રોજ તો કિંઈ ગળ્યું વગેરે હોય. એક દિવસે મોસંબીના છોડાં છોકરાંને અને બૈરાંને આપ્યાં. બધાંએ લીધાં પણ કોઈ ખાય નહીં. પ્રભુશ્રીજી બોલ્યા : “કેમ આજે પ્રસાદ ખાતા નથી? કડવો છે તેમાં? પ્રસાદ તો કોઈ દિવસે મીઠો હોય અને કડવો પણ હોય, તેથી ખાઈ જવો પડશે.” એમ કહી બધાંને છોડાં ખવરાવ્યાં. તેમ પુણ્ય અને પાપ બંનેનો ઉદય છે તે પ્રભુપ્રસાદી ગણી, પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખી, સમભાવે સહન કર્તવ્ય છેજી.