________________
૨૦
યાદ દેવડાવો, તેના કોઇ ગુણગ્રામ ગાઓ, તેમણે પરમ નિષ્કારણ કરુણાથી આપેલો મહામંત્ર મને સંભળાવો, તેમના બોધમાંથી કંઇ યાદ રહ્યું હોય, લખાયું હોય, છપાયું હોય તે મને સંભળાવો, દેહભાવ ભુલાઇ સત્પુરુષની ભક્તિનો રંગ લાગે તેવી કોઇ વાત કહો, મરણનાં ભયંકર દુઃખ સહન કરનાર ગજસુકુમાર જેવા મહામુનિની ધીરજ કોઇ કહી બતાવો, દેહ છતાં જેની દશા દેહરહિત હતી તેવા પરમકૃપાળુદેવની વાતો કંઇ સંભળાવો - આવા ભાવ વારંવાર સેવવાથી શુભ લેશ્યા રહે છે અને ધર્મધ્યાન થાય છે; વેદનામાં ચિત્ત જવાથી આકુળ-વ્યાકુળ ચિત્તને લીધે આર્ત્તધ્યાન થતું હોય તે રોકાઇ, ધર્મધ્યાન થવાથી પૂર્વનાં પાપથી થતું દુ:ખ છૂટતું જાય છે અને નવાં તેવાં કર્મ બંધાતાં નથી.
ટૂંકામાં, આત્મા પામેલા પુરુષ જેવો ધિંગ ધણી જેને માથે છે, તેણે કંઇ ગભરાવા જેવું નથી. ધીરજ રાખી બાંધેલાં કર્મ વેદી લેવા; સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. (બો-૩, પૃ.૧૪૦, આંક ૧૪૦)
સમભાવે સહન કરવાનું શીખવવા જ આ દરદ ઉપદેશરૂપ છે. મરણ આવ્યા પહેલાં સદ્ગુરુશરણે, સુખદુઃખ સમાન ગણવાનો તેનો ઉપદેશ દૃઢ કરી લેવાય તો જરૂર સમાધિમરણ થાય. જે જે કર્મના ઉદયપ્રસંગો આવે, તે તે સવળાં કરતાં આવડે તો તે જ તારનાર બને એવો મહાપુરુષોનો અભિપ્રાય છે. સમકિત આવ્યે બધું સવળું બને છે.
અહોરાત્ર સ્મરણમાં ગાળવાનો પુરુષાર્થ હાલ થઇ શકે તેમ છે, તો પ્રસંગનો લાભ લઇ તેવી ટેવ પાડી દેવા ભલામણ છેજી. જરા દુઃખનો પ્રસંગ દૂર થયો કે આ સંસારના વિકલ્પો ઘોડેસ્વાર થઇ જીવને દોડાવ્યા કરે છે; તેને કાબૂમાં રાખી, ગંભીરતાથી, અગત્યનું કામ ચુકાય નહીં તેમ પ્રવર્તવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૮૨, આંક ૯૯૮)
[] વેદનીયકર્મ તો જ્ઞાની કે અજ્ઞાની સર્વેને ભોગવ્યા વિના છૂટકો નથી. વેદનીય સમભાવે સહન કરવાની જ્ઞાનીપુરુષોની આજ્ઞા સંભારી, દેહના દંડ દેહે ભોગવી છૂટવાની ભાવના રાખવાથી, અકળામણ-મૂંઝવણ જે મોહથી થાય છે, તે મટવા સંભવ છેજી. દેહથી વિપરીત સ્વભાવવાળો, નિત્ય, અછેદ્ય, અભેદ્ય, શાશ્વત આત્માનું ચિંતન જ્ઞાનીપુરુષો વેદના વખતે વિશેષ વીર્ય ફોરવી કરે છે. તે ગજસુકુમાર આદિ દૃષ્ટાંતો સંભારી, તેમણે જે અખંડ નિશ્ચય રાખ્યો છે, તે જ કર્યે છૂટકો છે. (બો-૩, પૃ.૫૯, આંક ૪૪)
D વેદના તો વેદના-કાળ પૂરો થયે, અવશ્ય દૂર થનાર છે. મટી જાઓ એમ ઇચ્છીએ તોપણ તે મટી જવાની નથી, વધારે થાઓ એમ કહ્યુ વધારે થવાની નથી. તેથી ધીરજથી, `સહનશીલતાથી, સમભાવથી જે વેદની ઉદયમાં આવે, તે ખમવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
દેહ મારો નથી, તો દેહના ધર્મરૂપ, જે વેદનીય દેખાય છે, તે મારો ધર્મ નથી; પણ જાણવું, દેખવું એ મારો ધર્મ છે, એમ સત્પુરુષોએ કહ્યું છે, તે મારે માન્ય કરવું છે.
દેહ તો અવશ્ય છૂટવાનો છે. તેના ઉપર મોહ રાખીને તો ભવ કરવા પડયા છે, તો હવે એ દેહ ઉપર મોહ-મમતા મારે નથી કરવાં, એવો ભાવ કરી, સત્પુરુષ ઉપર, તેનાં વચનો ઉપર વિશ્વાસ રાખી, તેને શરણે જે થાય તે જોયા કરવાનો, દૃઢ નિશ્ચય કર્તવ્ય છેજી.