________________
(૧૦)
જ્યાં સુધી પોતાની વૃત્તિ પલટાવી શકાય એમ છે, ત્યાં સુધીમાં જેટલાં કર્મ આવીને જાય છે, તેટલું દેવું છૂટે છે. જેટલી હાયવોય થાય, તેટલાં નવાં કર્મ બંધાય છે એમ સમજી, પરમશાંતિપદની ઇચ્છા રહ્યા કરે એમ વૃત્તિ વાળતા રહેવું. આ વેદના, જે અત્યારે અનુભવાય છે તેનો, મરણની વેદના આગળ કંઇ હિસાબ નથી. જન્મમરણનાં દુઃખ અત્યંત અસહ્ય છે, એમ ભગવાને કહ્યું છે તે માન્ય રાખી, સમાધિમરણની તૈયારી અર્થે જે સહનશીલતાની જરૂર છે તેનો અભ્યાસ, આવી વેદનામાં થાય છે. તેવી વેદના વેદતાં જે પોતાની કચાશ જણાય છે તે સાજા થતાં, પૂરી કરવા પ્રયત્ન કૃઢ નિશ્ચયથી કર્તવ્ય છે. શારીરિક ગમે તેટલું દુઃખ હોય તો પણ આત્મા પરમાનંદરૂપ છે, એવી માન્યતા જેને ટકી રહે છે તે ભાગ્યશાળી છે. સૂર્ય ઉપર વાદળાં આવવાથી દિવસે વાંચી પણ ન શકાય તેવું બની જાય તોપણ સૂર્યમાં, સામું પણ ન જોઈ શકાય તેટલું તેજ છે તે ખાતરી ભુલાતી નથી, તેમ આત્મા અનંત સુખથી ભરપૂર છે, ત્યાં દુઃખનો અંશ પણ નથી એવી માન્યતા જો દુઃખ વખતે ટકી રહે તો અસહ્ય દુઃખમાં પણ જીવ શાંતિ વેદી શકે છે. આ વાતો આપને લક્ષમાં રહેવા માટે લખી છે, તે વારંવાર વિચારી કર્મના ઉદય વખતે ગભરામણ ન જન્મ અને સહ્રદ્ધાનો અનુભવ થાય એવો લક્ષ લેવા વિનંતી છે. (બી-૩, પૃ. ૩૧, આંક ૭૪૧) ધન્યાત્મા પૂ. ....ની માંદગીના સમાચાર વાંચી ખેદ થયો; પણ પરમકૃપાળુદેવનું તથા સલૂણા સંતશિરોમણિ પ્રાતઃસ્મરણીય પ.પૂ. પ્રભુશ્રીજીના બોધનું જેને શરણું છે, તેનો વાળ વાંકો કરવા મરણ પણ સમર્થ નથીજી. ઉનાળો હોય ત્યારે તાપ પડે, ચોમાસું હોય ત્યારે વરસાદ વરસે, કીચડ થાય એ સ્વાભાવિક છે; તેમ વ્યાધિના વખતમાં વેદના ડરાવવા પ્રયત્ન કરે, મન નબળું પડતું જાય તેમ સંકલ્પ-વિકલ્પો આવે, ભૂલી જવાય, બકી જવાય, પણ એ તો બધાં બાંધેલાં કમ છે. છતાં છત્રીથી જેમ તાપ અને વરસાદને નહીં ગણતાં જરૂરના કામે બહાર જઈએ છીએ, તેમ સદ્ગુરુશરણે એ કર્મ અને સંકલ્પ-વિકલ્પોને નહીં ગણતાં “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં લોયણ આજ.'' એવી સિંહનાદ જેવી ભક્તિની ધૂન જેણે પ.પૂ. પ્રભુશ્રીજીની હાજરીમાં સાંભળી છે, તેને તો એ કર્મ બધાં, બકરાંની પેઠે ક્યાંય ભાગી જાય. શરીર ઉપરનો મોહ જેણે છોડયો છે, દેહનું જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ એવો નિશ્ચય કર્યો છે, તેને કંઈ ગભરામણ હોય નહીં. દેહ ટકશે તો હવે ભક્તિ કરીશું અને જશે તો કંઈ જોઇતુંય નથી. પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણ કરવાના નિશ્ચય સિવાય બીજી કોઈ કલ્પના કરવા યોગ્ય નથીજી. પરમકૃપાળુદેવ સમીપ જ છે એમ સમજી તેમના ચિત્રપટ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે પ્રીતિ-ભક્તિ વધતી જાય તેમ કરવા અને સ્મરણ બોલતા રહેવા કે સાંભળવામાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છેજી. છેલ્લે શ્વાસે પણ પરમકૃપાળુદેવ અને તેમનું કહેલું સ્મરણ “સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' ટકી રહે તેવા પુરુષાર્થમાં વર્તવા-વર્તાવવા ભલામણ છેજી.