________________
SOS
એવી સમજણ ન હોય તેણે, એવા પ્રગટ આત્મસ્વરૂપ પરમકૃપાળુ સદ્ગુરુને શરણે, તેણે આપેલા સાધનમાં વૃત્તિ રોકી, જે આવ્યું છે તે પોતાનું જ પૂર્વનું કરેલું કર્મ પ્રગટ થયું છે, તે ફળ આપી ચાલ્યું જશે, પણ નવું કર્મ ન બંધાય માટે જ્ઞાનીએ જાણ્યો છે એવો આત્મા તથા જ્ઞાનીની આજ્ઞા, મારે આધારભૂત છે, તેને જ શરણે આ દેહ પૂરો થાઓ, એ ભાવના રાખી ગમે તેટલાં દુઃખના પ્રસંગમાં પણ આર્ત્તધ્યાન એટલે હું દુ:ખી છું, દુ:ખી છું એવી ભાવનામાં ન ચઢી જવું. મંત્રનું સ્મરણ બળ કરીને પણ ચાલુ રાખવું. એ જ એક આધાર છે.
એ પ્રસંગે કરેલું બળ, એ વેદનીનો કાળ નીકળી ગયે પણ કામ આવશે, અને અત્યંત આકરા એવા મરણના પ્રસંગની તૈયારીરૂપ આ કાળ ગયો ગણાશે. જેટલી સહનશીલતા કેળવાઇ હશે, તેટલો દુઃખનો બોજો ઓછો લાગશે. વેદનામાં વૃત્તિ તણાઇ જાય ત્યારે જાણવું કે હજી વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. માટે આ મટી ગયા પછી પણ, સત્સાધનમાં વિશેષ વૃત્તિ રાખી, આત્મબળ વધારવાનો દૃઢ નિશ્ચય પણ, આવા પ્રસંગે બની આવે છેજી.
અનાથીમુનિ, નમિરાજર્ષિ વગેરેને વેદનાના વખતમાં એવી સુવિચારણા જાગી કે સંસારનું સ્વરૂપ તેમને યથાર્થ ભાસ્યું અને તેવા સંસારમાં ફરી જન્મવું ન પડે, તે અર્થે સંસાર ત્યાગી, એક આત્માર્થમાં જીવન ગાળવા તત્પર બની ગયા. આમ દુઃખના પ્રસંગોમાં પણ મોક્ષનાં કારણો છુપાયેલા છે તે સમજી, આત્માર્થ પોષવાનું કામ વિચારવાન જીવનું છેજી.
બીજાનાં દુઃખ દેખીને પણ બુદ્ધ મહાત્મા જેવા ચેતી ગયા તો પોતાની ઉપર આવી પડેલાં દુ:ખનો વિચાર કરી, તેથી સર્વથા મુક્ત થવાની ભાવના, મુમુક્ષુજીવને કેમ ન થાય ? થાય જ. (બો-૩, પૃ.૪૯૪, આંક ૫૨૯)
‘‘દ્રવ્યદૃષ્ટિસે વસ્તુ સ્થિર, પર્યાય અસ્થિર નિહાર;
ઉપજત વિણસત દેખકે, હર્ષ વિષાદ નિવાર’’
વેદની, શાતારૂપ હો કે અશાતારૂપ હો પણ બંને શરીરના ધર્મ છે અને બાંધેલાં કર્મોનું ફળ છે; પરંતુ નવાં તેવાં કર્મ ન બંધાય, તે માટે હવે જીવે પુરુષાર્થ કરવો ઘટે છે કેમ કે ઉદય આવેલાં કર્મ તો ચક્રવર્તી, ઇન્દ્ર કે તીર્થંકર જેવાને પણ ભોગવવાં પડે છે. આપણે ભોગવ્યા વિના કેવી રીતે છૂટીએ ? પણ જેણે સત્પુરુષ પાસે બોધ સાંભળ્યો છે, સત્પુરુષ ઉપર શ્રદ્ધા જેને થઇ છે અને સત્પુરુષની આજ્ઞામાં જ વર્તવાના જેને ભાવ છે, તેણે આવા પ્રસંગે આર્તધ્યાન ન થાય અને બને તેટલાં સમતા, સહનશીલતા, ધી૨જ અને શાંતિવાળાં પરિણામ રાખવા પુરુષાર્થ કર્તવ્ય છે.
દેહનો સ્વભાવ સડવા, પડવા અને વિણસવાનો છે અને આખરે તે દગો દેનાર છે એમ જાણી, નાશવાન શરીરના કરતાં અવિનાશી આત્મા, જે સત્પુરુષે જાણ્યો છે, તેને વિશેષ સંભારી, તેની કાળજી, તેનો લક્ષ, વારંવાર લેવા યોગ્ય છે.
સત્સંગ-સમાગમે જે બોધ થયો હોય, જે આજ્ઞા થઇ હોય, સ્મરણ, ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ વગેરે મુખપાઠ કર્યું હોય, તેમાં ચિત્ત વિશેષ રાખવાનો અભ્યાસ રાખીએ તો મનને દેહાદિની કલ્પનામાંથી છૂટી, બીજું કામ કરવું પડે, તેથી ઘણો લાભ થાય.