________________
૧૯૯
જ્ઞાનીપુરુષો તેમાં સંમતિ કેમ આપે ? જો આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઇ શકે તો બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઇએ.
ગોપાળદાસ પંડિત હતા. તે સત્યવક્તા હતા. એક વખત પોતાના નાના છોકરા સાથે ગાડીમાં મુસાફરી કરતા હતા. મુસાફરી લાંબા ટાઇમની હતી. ટિકિટ તપાસનારે આવી છોકરાની ઉંમર પૂછી ત્યારે ગોપાળદાસ તરફથી જવાબ મળ્યો કે ત્રણ વર્ષ પૂરા થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી, તેથી ટિકિટ લીધી નથી. આજે ત્રણ વર્ષ ઉપર એક દિવસ થયો. જે ટિકિટનો ચાર્જ થતો હોય, તે હું આપવા તૈયાર છું. આવા પુરુષો પણ ગૃહસ્થવ્યવહારમાં હોય છે.
બધા લોકો કરે તેમ કરવું જોઇએ, તેમ સમજવું મુમુક્ષુને માટે અહિતકારી છે. લોકો સંસાર વધારવાનું કરે છે, જ્યારે જ્ઞાનીપુરુષો તો સંસારનો ક્ષય કરવાનું બતાવે છે. જો પોતાને જ્ઞાનીના માર્ગે ચાલવું છે, તો પછી જ્ઞાનીનું કહ્યું પણ માનવું જોઇએ. મુક્ત ન થવું હોય તો લોકો કરે છે, તેમ કરવું. (બો-૧, પૃ.૧૬, આંક ૧૯)
I ‘પૂ. મોતીભાઇ નરસિંહભાઇ અમીન - તેમનું જીવન અને કાર્ય' નામનું પુસ્તક થોડે-થોડે કરી, આ ટર્મમાં પૂરું વાંચી જવા ભલામણ છે. ઘણી વાતો તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓએ શીખવા યોગ્ય છે. વ્યવહારનીતિ એ ધર્મનો પાયો છે.
પ્રથમ જ્યારે પૂ. મોતીભાઇસાહેબ પેટલાદ હેડમાસ્તર થયા અને અમને મણિલાલ નભુભાઇનું ‘ચારિત્ર’ નામનું પુસ્તક ગુજરાતીના પિરિયડમાં શીખવતા, તે વખતે સત્ય સંબંધી વિવેચન કરતાં બોલેલા કે આટલી ઉંમર થતાં સુધી એક પણ અક્ષર હું જૂઠું બોલ્યો નથી. એ વાક્યની અસર આખા પુસ્તક કરતાં વિશેષ અસરકારક નીવડેલી અને ત્યારથી તે આજ સુધી તેમના પ્રત્યે બહુમાનપણું વધતું રહ્યું.
એ પુસ્તકમાં આ વાત નથી પણ ઘણી બાબતો જીવન ઘડનારને લક્ષમાં લેવા જેવી છે અને તેમણે કોલેજજીવન જે ઉમદા રીતે ગાળેલું તેનું જ પરિણામ, તેમની પાછલી જિંદગીમાં સ્પષ્ટ રીતે અનેક કાર્યોમાં ઝળકી ઊઠયું છે. આપણે તો તેમનાથીયે આગળ જવું છે તો તેમણે જે પરિશ્રમ ચારિત્રગઠન માટે સેવ્યો છે, તે અવલોકવો ઉપકારી છે. (બો-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨)
D તમારો ક્ષમાપનાનો પત્ર મળ્યો. પૂ. સાથે ધંધામાં ચિત્ત ન દેવાનું મેં કહેવરાવેલું નહીં. તેમની સમજફેર થઇ હશે, તેથી તમે પત્રમાં લખો છો તેમ કર્તવ્ય નથી.
જેનો પગાર ખાતા હોઇએ, તેનું કામ સોંપ્યા પ્રમાણે કરવું તે નીતિનો માર્ગ છે, તેથી વિરુદ્ધ વર્તવાનું કોઇ જ્ઞાની જણાવે નહીં. જ્યાં સુધી પગાર લઇએ ત્યાં સુધી કામ કરવું ઘટે, પરંતુ ચિંતા-ફિકર કરવા માટે પણ પગાર મળતો નથી; તે સંબંધી હર્ષ-શોક કે માથે બોજો માની લેવાની જરૂર નથી, એમ જણાવ્યું હોય તો તે ઘટિત છેજી. (બો-૩, પૃ.૩૧૪, આંક ૩૦૨)
દુ:ખસુખની અને બીજાને દુભવવાની કલ્પનાઓનો નિર્ણય સત્સમાગમે કરી લેવા યોગ્ય છે. અત્યારે ન્યાયનીતિ પ્રમાણે પ્રવર્તન રાખવા ભલામણ છેજી. પ્રસિદ્ધ દૃષ્ટાંત રામાયણનું વિચારવા સૂચવું છું.
રામે સીતાની સાથે લગ્ન કર્યું. પછી રામને વનવાસ જવું પડયું, તો સીતાજી પતિસેવા માટે સાથે ગયાં. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને દૂર કર્યા. સીતાજીને હરી ગયો.