________________
૫૪
D
‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?' આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે.'' (૧૯૫) એમ પરમકૃપાળુદેવ લખે છે, તેનો વિચાર મુમુક્ષુજીવે એકાંતમાં, પોતાના આત્માને અર્થે વારંવાર કર્તવ્ય છેજી.
k
૫રમાર્થની જિજ્ઞાસા જેને ઉત્પન્ન થઇ છે, જન્મજરામરણ, રોગાદિનો જેને ભય લાગ્યો છે; ફરી નથી જન્મવું એવી જેની અભિલાષા છે; સત્પુરુષનાં દર્શન, સમાગમ, બોધ અને સ્મરણ આદિ અમૂલ્ય દુર્લભ સામગ્રી જેને પ્રાપ્ત થઇ છે, તેવા જીવે હવે વિચારવું ઘટે છે કે મરણ વખતે આ બધું લૂંટાઇ જનાર છે, તો તે પહેલાં મળેલી સામગ્રીનો વધુમાં વધુ સારો ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી શાશ્વત મોક્ષસુખ પામવા આપણે વહેલામોડા ભાગ્યશાળી થઇએ.
કોઇક વખતે આવા વિચાર આવે તે બહુ કાર્યકારી થતા નથી. જેમ વરસાદ એક વખત થાય તેથી પાક થતો નથી, પણ વારંવાર, જોઇએ ત્યારે વરસાદ આવતો રહે તો અનાજ સારું પાકે છે; તેમ વારંવાર આત્મવિચાર કરવાથી આત્મસિદ્ધિ થાય છે.
દેહને માટે ઘણી કાળજી રાખી છે, રાખીએ છીએ પણ આત્માને માટે તેથી અનંતગણી કાળજી રાખવા પરમકૃપાળુદેવની આજ્ઞા છે, તે ન વીસરી જવાય તેટલી દાઝ રાખવી ઘટે છેજી. સર્વ મુમુક્ષુને એ જ કર્તવ્ય છે કે સત્પુરુષની આજ્ઞા પ્રેમપૂર્વક ઉપાસવી. (બો-૩, પૃ.૧૫૯, આંક ૧૬૦)
D ‘‘એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.'' (૪૭) એમ પરમકૃપાળદેવે કહ્યું છે, તે વારંવાર વિચારી, આ આત્માને અનંત દુઃખમાં હવે નથી નાખવો, એવો નિશ્ચય દરેક મુમુક્ષુએ હૃદયમાં કર્તવ્ય છેજી.
વધારે શું લખવું ? પ્રસંગે-પ્રસંગે, કાર્યો-કાર્યે મોક્ષ માટે મારે આ ભવ ગાળવો છે, એ ભૂલવા જેવું નથી. ચેતવા જેવું છેજી. (બો-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨)
પરમકૃપાળુદેવનાં વચનામૃતોમાં ચિત્ત રહે છે, એ જાણી આનંદ થયો છે; અને તે પ્રમાણે આપણા મનના પરિણામ પણ પરિણમે, એ જ પુરુષાર્થ મુમુક્ષુએ કર્તવ્ય છે. જે માર્ગે મહાપુરુષો ચાલ્યા છે અને જે માર્ગ તેમણે ઉપદેશ્યો છે, એવો આત્મસિદ્ધિનો તે માર્ગ વિશેષ વિચારી, આત્મામાં દૃઢ થાય તેમ કરશોજી. (બો-૩, પૃ.૧૧૦, આંક ૧૦૩)
D ભક્તિમાં ઉલ્લાસભાવ રાખી, તે જ ખરું ધન સમજી, તેની મુખ્ય સંભાળ રાખવા આપ સર્વને વિનંતી છેજી.
માથે મરણ ભમી રહ્યું છે, તે કોઇ રીતે ભૂલી જવા યોગ્ય નથીજી. બે દહાડા કોઇને વહેલું તો કોઇને બે દહાડા પછી જરૂર અહીંથી બધું પડી મૂકીને જવાનું છે; તો બીજાં બધાં કામ કરતાં, જે પોતાની સાથે આવે, એવા ભક્તિભાવના સંસ્કારોનું ભાથું ભરી લીધું હશે તો જીવ સુખી થશે.
મોહમાં ને મોહમાં રાતદિવસ ચાલ્યા ન જાય, તેની કાળજી મુમુક્ષુએ રાખવી ઘટે છે. ‘‘શું કરવા હું આવ્યો છું; અને શું કરી રહ્યો છું ? કોને માટે આ બધું કરું છું ?'' એના વિચાર વારંવાર કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૪, આંક ૭૨૭)