________________
૫૧૮
વચનમાં વિશ્વાસ રાખી વર્તવાથી, સમકિતનું કારણ બને તેવો ઉત્તમ માર્ગ હાથ આવ્યો છે, તે આપણાં મહાન ભાગ્ય છે.
પ્રમાદમાં પડી રહેવા યોગ્ય નથી. જ્યાં સુધી શરીર નીરોગી છે, વૃદ્ધાવસ્થા આવી નથી, આ મનુષ્યભવ પૂર્વના પુણ્યથી ટકી રહ્યો છે ત્યાં સુધી, પરમકૃપાળુદેવની ભક્તિ નિષ્કામપણે, સ્વચ્છંદ રોકીને કર્તવ્ય છે. (બો-૩, પૃ.૮૨, આંક ૭૨)
વાવેલાં બીજ વરસાદ વિના ઊગતાં નથી કે ઊગ્યાં હોય તે કરમાઇ જાય છે; તેમ સત્સંગના વિરહમાં, તમે પત્રમાં વર્ણવી તેવી જીવની દશા થઇ જાય છે, તે સાવ સમજાય તેવી વાત છે; પણ તેના ઉપાય કરવા જીવ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી ઊંધા તર્કોને વશ થઇ પોતે પોતાનો શત્રુ બની આત્મઘાતના મહા પાપનો આચરનાર આતતાયી બને છે. આ જીવ કુતર્કથી, સ્વચ્છંદથી કે કુગુરુની શિખામણે અનંતકાળ સુધી રખડયો, તોપણ થાક્યો નથી.
આઠ દૃષ્ટિની સજ્ઝાયમાં શ્રી યશોવિજયજી લખે છે :
‘‘લોભી, કૃપણ, દયામણોજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અફળ આરંભ અયાણ. મનમોહન૦
એવા અવગુણવંતનુંજી, પદ છે અવેઘ કઠોર;
સાધુ સંગ આગમતણોજી, તે જીત્યો ધુરંધોર. મનમોહનC
તે જીત્યે સહજે ટળેજી, વિષમ કુર્તક પ્રકાર;
દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મનમોહન૦''
ન સમજાય ત્યાં મધ્યસ્થ રહેવું. કોઇને પૂછવું, આગળ ઉપર વિચારવાનું રાખવું કે પોતાની યોગ્યતાની ખામી છે તે દૂર થયે સમજાશે એટલો વિશ્વાસ રાખવો, પણ ઢયડી જેવી પોતાની કુર્તક-શક્તિને વાપરી, ગમે તેવા નિર્ણય ઉપર આવી જઇ, ધર્મમાર્ગથી નુકસાન થાય છે એવા વિચારને મનમાં સ્થાન આપવું ઘટતું નથી.
સાચું સુખ તો ત્યાગમાંથી મળે છે – તે વૈરાગ્ય વધશે તેમ સમજાશે; પણ ન સમજાય ત્યાં સુધી પોતાની અધમતા આંખ આગળ રાખી ભવભીરુ, પાપથી ડરનાર, અધમાધમ બની, જ્ઞાનીની આજ્ઞા સર્વોપરી હિત સાધનાર છે તેમાં મને વર્તવા દે, તેનું સારું જ ફળ આવશે, એમ દૃઢતા વધારવી. (બો-૩, પૃ.૩૯૮, આંક ૪૦૭)
આજ્ઞા
અનંત ભવોમાં ભમતાં, આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે દરેક ભવના ભોગવેલા દાણામાંથી એક-એક દાણો લઇએ તો મોટો પર્વત જેવડો ઢગલો થાય. દરેક ભવમાં જે પાણી પીધું છે, તેમાંથી દરેક ભવનું એક-એક ટીપું ભેગું કરીએ તોપણ દરિયો ભરાય, એટલા બધા ભવ સુધી જીવે ખા-ખા અને પાણી પી-પી કર્યું છે; તોપણ હજી તેને તૃપ્તિ થઇ નથી તો આ મનુષ્યભવમાં ગમે તેટલું ખાય, પીએ કે ભોગ ભોગવે તોપણ તેની તૃષ્ણા મટે તેમ નથી એમ વિચારી, સંતોષ સિવાય હવે તૃષ્ણા ટાળવાનો બીજો કોઇ ઉપાય નથી.