________________
૪૮૩
મનુષ્યભવનો યોગ દુર્લભ કહ્યો છે, તે સત્ય છે. કલ્યાણ કરવાનો આવો લાગ ફરી મળવો મુશ્કેલ છે ગણી, ગમે તે અવસ્થામાં ભાવ સદ્ગુરુ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તે વચનોના આશય (આત્મા) પ્રત્યે વિશેષ-વિશેષ રુચિવાળા બને, તેમ પુરુષાર્થ મારે-તમારે-બધાને કર્તવ્ય છેજી,
(બો-૩, પૃ.૧૦૮, આંક ૧૦૦)
આત્માને, આ જગત, અન્ય રીતે કોઇ પણ કામનું નથી. માત્ર જન્મમરણ વચ્ચેનો કાળ પ્રારબ્ધનાં ચિતરામણ જોવામાં જાય છે. તેમાં સત્પુરુષના યોગે અંતર્દષ્ટ થાય તો આ મનુષ્યભવ મળ્યો છે, તે યથાર્થ સફળ ગણાય.
પરમકૃપાળુદેવનાં વચનો જીવને તે જ સૃષ્ટિ કરવા પ્રેરે તેવાં છે, તેની ઉપાસના પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય જાણી કરવામાં આવે તો જરૂર વૈરાગ્ય ઊભરાય, તે પ્રત્યે જીવ વળે અને આજ સુધી ગૌણ કરી નાખેલા આત્મહિતની કાળજી જાગે અને સમાધિમરણ કરવા નિશ્ચય કરી, તેને યોગ્ય પુરુષાર્થ કરવા પોતે પ્રેરાય; માટે તમારે હાલ આ જ પ્રેમપૂર્વક કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૧૭, આંક ૭૧૫)
જીવને આત્માનંદી બનાવવા માટે સદ્ગુરુના બોધની અને સમજણની જરૂર છે. સદ્ગુરુકૃપાએ જીવની રુચિ બદલાય અને આત્મા ઉપર પ્રેમ, પ્રતીતિ અને આનંદ આવે તો તેનો પુદ્ગલાનંદી સ્વભાવ બદલાઇ જાય અને સમ્યક્ત્વ પામે.
આટલું થાય તો આ ભવ સફળ થયો ગણવા યોગ્ય છે, રત્નચિંતામણિ ગણવા યોગ્ય છે; અને તેમ ન બન્યું તો આ મનુષ્યભવ કોડીની કિંમતનો પણ ગણવા યોગ્ય નથી; કારણ કે આ દેહે ગમે તેટલી ધન-સંપત્તિ મેળવી હશે તોપણ બધી અહીં જ મૂકી, પરભવમાં કરેલાં કર્મ ભોગવવા, એકલા જવું પડશે. કશું સાથે જનાર નથી. માટે ચેતી જવા જેવું છે.
આ મનુષ્યભવની સામગ્રી જેવી-તેવી નથી. દેવતા પણ ઇચ્છે છે કે મનુષ્યભવ ક્યારે મળે અને મોક્ષને માટે પુરુષાર્થ કરવાનો લાગ મળે. એવી દુર્લભ જોગવાઇ આ આપણને મળી છે, તે થોથાં ખાંડવામાં, વિષય-કષાયનાં નિમિત્તમાં નકામી વહી જાય છે, તે નિરર્થક વહી જવા દેવા યોગ્ય નથી. કાળનો ભરોસો નથી, લીધો કે લેશે થઇ રહ્યું છે, માટે ધર્મનું આરાધન, જેટલું બને તેટલું, કરી લેવા યોગ્ય છેજી. વિનય, ભક્તિ અને આજ્ઞાપૂર્વક સદાચરણમાં વર્તવું, એ ઉત્તમ ઉપાય છે.
આત્મકલ્યાણ સાધવાનો આ અવસર, જો જીવ ચૂક્યો તો ફરી આવો અવસર પ્રાપ્ત થવો દુર્લભ છે. કાગડા-કૂતરાના જેવા ભવમાં પછી કંઇ નહીં બની શકે. માટે પ્રમાદ તજી, જાગ્રત થવા યોગ્ય છે.
વૃદ્ધાવસ્થામાં પછી કંઇ નહીં બની શકે. વ્યાધિની વેળાએ કે મરણની વેદનામાં, ધારેલું કંઇ બનતું નથી; પણ જ્યાં સુધી શરીર-ઇન્દ્રિયો સશક્ત છે ત્યાં સુધી જ, ધર્મનું પણ કામ કરવું હોય તો થાય છે; માટે ધન આદિ કરતાં, ધર્મની વિશેષ કાળજી રાખી, આત્મકલ્યાણ માટે રોજ અમુક વખત ગાળવાનો નિત્યનિયમ રાખવો ઘટે છે. (બો-૩, પૃ.૭૨, આંક ૬૦)
D પરમકૃપાળુદેવની પરમ નિષ્કારણ કરુણાથી આપણને અપૂર્વ માર્ગ દર્શાવનાર પરમકૃપાળુ શ્રી પ્રભુશ્રીનો યોગ થયો છે; તે સમાન બીજું ક્યાંય જગતમાં જણાતું નથી. આપણે યોગ્યતા વધારી તે સત્પુરુષે પ્રકાશેલા માર્ગનું આરાધન અહોરાત્ર કરતા રહેવાની જરૂર છેજી. તેમાં પ્રમાદને વશ થયા તો ભવ હારી જવા જેવું છેજી.