________________
(૪૩૫ પુસ્તકો
અજાણ્યા માણસ સાથે આ કાળમાં કામ પાડતાં બહુ વિચાર કરવો ઘટે છેજી. કોઈ પુસ્તક વાંચવા માગે તો મોક્ષમાળા, પ્રવેશિકા, સમાધિસોપાન વાંચવા આપવામાં હરકત નથી; પણ તત્ત્વજ્ઞાન વાંચવું હોય કે વચનામૃત વાંચવાની તેની ઇચ્છા થાય તો તમે જે વખતે વાંચતા હો ત્યારે તે આવે, એમ જણાવવું એટલે તમને પણ સમાગમનો જોગ રહે અને તેને પણ એકલા વાંચીને ‘વાંચી ગયો’ એમ ન થાય, તથા પુરુષ પ્રત્યે કંઈ પૂજ્યબુદ્ધિ તમારે યોગે તેને થાય. સમાગમમાં પણ, પોતે લઘુત્વભાવ રાખી, જ્ઞાની પુરુષોનાં વચનો સમજાય એવો સત્સંગનો યોગ નથી, તે અહીં આપણે જેમ-તેમ વિચારીએ છીએ, પણ આશ્રમ જેવા સ્થળમાં જ્યાં મુમુક્ષુઓ તેની વિચારણા કરે છે ત્યાં આપણે જવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તો વિશેષ સમજાય તથા જ્ઞાનીપુરુષની ભક્તિથી, તેનાં વચનો સમજવા જેટલી, જીવમાં યોગ્યતા પ્રગટે છે વગેરે વાતો, વાંચતાં, કરતા રહેવી ઘટે છેજી. પોતાની મેળે જીવ વાંચે, તેમાં મોટે ભાગે, જે સમજણ પોતાની હોય, તેમાં તે વચનોને તાણી જાય છે; માટે તત્ત્વજ્ઞાન જેવાં પરમકૃપાળુદેવનાં વચનો એકલા વાંચે, તેને લાભ ઓછો થવો સંભવે છે, તે લક્ષમાં રાખશો. (બી-૩, પૃ.૭૦૨, આંક ૮૪૫) D પ્રશ્ન : કોઇ પુસ્તકોની માગણી કરે તો આપવાં? પૂજ્યશ્રી : જેને પુસ્તક આપવાનું હોય તેને કહેવું કે જેવા ભાવથી પુસ્તક લો છો, તે પ્રમાણે એક વખત આશ્રમમાં જવાથી ખાસ લાભનું કારણ થાય તેમ છે. પુસ્તક તો ગમે ત્યાંથી મળી શકે, પરંતુ જ્ઞાનીપુરુષની આજ્ઞાથી, જો લેવામાં આવે તો ઘણો લાભ થાય તેમ છે, તેવું સમજાવવું. (બો-૧, પૃ.૪, આંક ૩) | મમતા છોડવા બધું કરવાનું છે. પુસ્તક વગેરે, મમતા છોડવા બધું રાખવું. પુસ્તક ઉપર નામ પણ ન
લખવું. આપણું શું છે જગતમાં? (બો-૧, પૃ.૨૨૫, આંક ૧૧૫) અંતરાય
પરમકૃપાળુદેવનાં વચનો અયોગ્ય જીવના હાથમાં જવાથી આશાતનાનું કારણ ન બને, તેની સંભાળ રાખો છો, તે યોગ્ય છેજી. અંતરાયનું કારણ તે નથી. તેના હિતનો હેતું હોય, તે અંતરાય નથી. અંતરાય તો તે ગણાય કે જ્યારે તેને સાચા પુરુષની શોધની ઇચ્છા હોય, તેનાં વચન વાંચવાની ઈચ્છા હોય, તે તમારે ત્યાં આવી તમારી રૂબરૂમાં વાંચવાની માગણી કરતો હોય, પરમકૃપાળુદેવ સંબંધી જાણવા ઈચ્છતો હોય, તેને તમારે ત્યાં બેસીને પણ વાંચવા કે સાંભળવા ન દો તો અંતરાય ગણાય. તેવો જિજ્ઞાસુ અને ગરજવાળો હોય, તેને સાચો મુમુક્ષુ ખાળે પણ કેમ? તે તો તેવાના સંગને ઇચ્છતો જ હોય. તેથી જેને તેવી જિજ્ઞાસા જણાય અને પુસ્તકો માગે, તેને કહેવું કે તમારે નવરાશ હોય ત્યારે અહીં આવજો, આપણે સાથે વાંચીશું, વિચારીશું. ત્યાગી હોય તો પણ તેને ગરજ હોય તો આવે, એમ કરવું યોગ્ય લાગે છેજી. (બો-૩, પૃ.૭૦૨, આંક ૮૪૪)