________________
૪૨૩
રૂઢિમાં તણાવું નહીં પણ પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ અભ્યાસ કરવા, સમજવા, દેહાધ્યાસ ઓછો કરવા વ્રતનિયમ પાળું છું અને સમ્યક્દર્શન મને પ્રગટે તેવી યોગ્યતા આવે માટે આ બધું કરું છું, · તે ભુલશો નહીં. (બો-૩, પૃ.૭૪૩, આંક ૯૧૫)
વ્રનિયમો કરતાં સશ્રદ્ધાની દૃઢતા અને આત્માનું ઓળખાણ થાય તે અર્થે, દેહાધ્યાસ એટલે દેહ તે હું, દેહને દુ:ખે દુ:ખી અને દેહને સુખે સુખી માનવાની અનાદિની ભ્રાંતિ છે તે ટાળવા સ્મરણ, ભજન આદિ સત્સાધનરૂપ બનતો પુરુષાર્થ દરેકે કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૯૯, આંક ૮૩૮)
વ્રતનિયમમાં તણાયા કરતાં શ્રદ્ધા દૃઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તો ઘાતિયાં કર્મ મંદ થતાં ઘણી નિર્જરા થશે. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અધાતિયાં કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તો જીવે ઘણી વાર કર્યું છે પણ ઘાતિયાં કર્મનો ક્ષય ક૨વા તીર્થંકર જેવાએ લક્ષ રાખ્યો છે; તે જીવ ચૂકી, ગણતરી થઇ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે, તે લક્ષમાં લેશો. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧)
D કર્મબંધ ન થાય, તેને માટે વિચાર કરવાનો છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. જેને આત્માની દયા જાગી છે, તેનું જરૂર કલ્યાણ થશે. આત્માની દયામાં બધાં વ્રત-પચખાણ સમાય છે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૨)
તપ
D પોતામાં તપવું-ટકવું, તે તપ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ટકવું, તે તપ છે. ‘‘સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખવો.'' (૫-૧૦૬) સ્વરાજ્યરૂપ આત્મા છે. સ્વતપરૂપ આત્મા છે. આત્માના સ્વરૂપમાં રહેવું, એ જ ખરો પુરુષાર્થ અને એ જ તપ છે. પોતાનો મૂળ સ્વભાવ કેવો છે ? તેનો લક્ષ રાખવો. (બો-૧, પૃ.૨૪૮, આંક ૧૪૦)
D ઇચ્છારોધન એ તપ છે. દેહાધ્યાસ છોડવા માટે કાયક્લેશ તપ કરવાનું છે. આત્મા ન ભુલાય, તે માટે તપ છે. સુખમાં જીવ આત્માને ભૂલી જાય છે, તેથી આ તપ કરવાનું કહ્યું છે. આત્માની શુદ્ધિ માટે તપ છે. (બો-૧, પૃ.૨૪૩, આંક ૧૩૪)
આપે તપશ્ચર્યા સંબંધી પૂછ્યું. તે સંબંધી જણાવવાનું કે ઇચ્છાઓ રોકવી તેને ખરું તપ કહ્યું છે.
(૧) તેના એક પ્રકાર તરીકે એક દિવસ, બે દિવસ આદિ આહારની ઇચ્છા રોકવી, તે પ્રથમ બાહ્ય તપ છે.
(૨) ખોરાક રોજ લેતા હોઇએ તેથી પ્રમાણમાં એક, બે કે અનેક કોળિયા ઓછા લેવાનો (રસ પડે તોપણ વિશેષ આહાર લઇ ન લેવાય તે) નિયમ રાખવો, તે ઊણોદરી નામનું બીજા પ્રકારનું તપ છે.
(૩) વૃત્તિસંક્ષેપ એટલે આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફળફળાદિ નથી લેવાં, એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસવૃત્તિ રોકવી, તે ત્રીજું તપ.
(૪) રસપરિત્યાગ નામનું ચોથું તપ છે; તેમાં પોતાને પ્રિય લાગતી વસ્તુઓનો એક દિવસ, એક અઠવાડિયું કે ચાતુર્માસ આદિ પર્યંત ત્યાગ કરવો. તેમાં પણ પરવસ્તુનો જીભ દ્વારા થતો મોહ અટકે છે, તેથી તપ છે.