________________
(૪૧૮)
મોહરાજાને સત્ય પ્રત્યે દ્વેષ છે, તેથી જે સત્ય માર્ગે પ્રવર્તવા ઊભો થયો, તેને દબાવી દેવાની તેની કોશિશ હોય છે. તેથી જે જે જીવો સપુરુષને આશ્રયે કંઈ પણ વ્રતનિયમ પાળતા હોય, તેમણે બહુ ચેતીને આ કાળમાં ચાલવા જેવું છે. ક્યારે અચાનક તે મોહરાજા દબાવી દે અને તેનો સેવક બનાવી દે તે ચોક્કસ નથી, માટે સત્સંગરૂપી થાણાથી દૂર વિચરતા મુમુક્ષુએ બહુ સંભાળ રાખી પ્રવર્તવાનું છે; અને રાતદિવસ ધર્મધ્યાન અર્થે ભાવના કરતા રહેવાની જરૂર છે. માટે ઠગારા પાટણમાં વિચરતાં ઠગાઈ ન જવાય, તે માટે બહુ સાવચેતીથી વર્તવા ભલામણ છેજી. (બી-૩, પૃ. ૧૫૧, આંક ૧૫૧). પૂ. ....ને પત્ર લખો તો નિત્યનિયમ તરીકે વિસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, મંત્રસ્મરણ આદિ જે સમાગમે જણાવ્યું હોય તે કાળજી રાખી, આત્માની નોકરી ભરવા કર્યા કરે એમ જણાવશોજી. અત્યારે જે સુખરૂપ જણાય છે, તે ધર્મનું ફળ છે. તે ભોગવતાં સદ્ધર્મની વૃદ્ધિ પામે અને ભુલાઈ જાય નહીં, તે લક્ષ મુમુક્ષુજીવે અવશ્ય સ્મરણમાં રાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૧, આંક ૪૯) હાલ જે સત્યાગ્રહની લડાઇમાં હજારો લોકો દેશની નિર્ધનતા અને પરાધીનતા દૂર કરવા મથે છે, તે જોઇને પણ આપણામાં પરમાર્થઅર્થે શૂરાતન ચઢવા યોગ્ય છે. એક ભવના અલ્પ લાભ અર્થે આટલું બધું સહન કરવા તે તૈયાર થાય છે, તો જેને ભવોભવનાં દુઃખ દૂર કરી, સદ્ગુરુની શીતળ કરુણાદ્રષ્ટિને આશરે મોક્ષમાર્ગમાં આગળ વધવું છે, તેને અટકાવી શકનાર કોણ છે? મૃત્યુના મુખમાં ઊભેલો પણ નિર્ભયપણે કહી શકે કે મને મારી માન્યતામાંથી ચળાવવા કે વ્રતમાંથી ડગાવવા કોઈ સમર્થ નથી. હવે આટલા ભવમાં તો કાયરતા નહીં જ કરું, મોહરૂપી જુલમી રાજાની સેવા કરીને, ભવોભવથી હું અનંત દુઃખ વેઠતો આવ્યો છું; પણ કોઈ સાચા પુરુષના સમાગમ, તેની અપૂર્વ વાણી સત્સંગે સાંભળી છે અને મોહની ઠગાઈ જાણી છે, ત્યારથી હવે મોહ ઉપરથી મોહ ઊઠીંગયો છે. તે હવે માથું જાય, પણ કોઇ પણ લાલચ કે મરણાંત ત્રાસને પ્રસંગે પણ દુ:ખની ખાણને સુખરૂપ તો નહીં જ માનું. આવી દ્રઢતા રગેરગ Æયમાં ઉતારી દેવા યોગ્ય છે. જેમ ક્ષત્રિયો સામે મોઢે છાતી પર ઘા ઝીલે, પણ કોઈ કાળે પીઠ ફેરવી દોડી જતો નથી, તેવી રીતે સપુરુષના આશ્રિતો સંસારને શરણે કે મોહને શરણે કદી જતા નથી. તે મોહને મારી નાખવાનો જ લાગ શોધ્યા કરે છે. બાહુબળીજીએ મૂઠી ઉગામી તે ઉગામી તથા રામનું બાણ જે છૂટયું તે છૂટયું, તે કદી નિષ્ફળ ન જાય એમ કહેવાય છે; તેમ પુરુષની સાક્ષીએ જે વ્રત આદરી, મોહની સાથે લડાઇ માંડી છે, તેમાંથી પાછું પગલું તો કાયર જ ભરે, સાચો ક્ષત્રિય તો આગળ જ વધ્યા કરે. હવે તો મોહને મર્યે જ છૂટકો છે; પણ મોહ તો મહા કપટી છે અને સદાય જીવને પાડી દેવાનો લાગ શોધ્યા જ કરે છે. વૃત્તિઓની છેતરામણીમાં ફસાઈ જવું પણ ન ઘટે, કે પુરુષની સાક્ષીએ વ્રત લીધું છે, હવે આપણે શો ડર છે? એમ જો બફમમાં રહે અને મોહનાં નિમિત્તોમાં જો જાગ્રત જીવ ન રહે તો મોટા મુનિઓને પણ તેણે ગબડાવી પાડ્યા છે, શ્રેણીએ ચઢેલાને પણ નરકમાં નાખ્યા છે. તેથી કુસંગ, કુકથા અને અનિયમિત આહારવિહાર તથા પ્રતિબંધોથી ચેતતા રહી “ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મૂકે પાછી' એવી ટેક સહિત વર્તી, આત્મવીર્ય સદોદિત ઉજ્વળ રાખવું. (બી-૩, પૃ.૬૫, આંક ૫૩)