________________
૩૯૪
નથી. જે જે વસ્તુઓ ઉપર આધાર રાખીને જીવ જીવે છે તે સર્વ નાશવંત છે. પારકી ચોરી લીધેલી ચીજો છે, તે મૂક્યા વિના છૂટકો નથી.
જેને માટે જીવ અનેક પ્રકારનાં પાપ કરીને પણ આ દુર્લભ મનુષ્યભવનો કાળ વ્યર્થ વહી જવા દે છે એવો આ દેહ અને દેહના સંબંધીઓ, તે પણ આપણા (૫) થવાના નથી, કોઇ આપણા આત્માને હિતકારી નથી.
અશુચિમય (૬) અને મળમૂત્ર તથા રોગની મૂર્તિ જેવા આ દેહની ગર્ભથી અત્યાર સુધી સેવા કરી છતાં તે વિશ્વાસઘાતી મિત્રની પેઠે આખરે દગો દેનાર છે. તેના ઉપરનો મોહ જીવને પોતાનો વિચાર કરવા દેતો નથી પણ (૭) આસવનાં કારણો મેળવી, નવા કેદખાનારૂપી બીજા દેહ ઊભા થાય તેવાં કર્મ બંધાવે છે.
તેનો વિચાર કરી, સદ્ગુરુની કૃપાએ સમ્યક્ત્વ પામવાની હવે નિરંતર ભાવના કર્તવ્ય છેજી; કારણ કે સમ્યક્ત્વ સિવાય સંવર (૮) સંભવે નહીં અને સંવર વિના નિર્જરા (૯) સાચી રીતે થાય નહીં અને લોકત્યાગ (૧૦) બને નહીં; તેથી સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રરૂપ ધર્મની (૧૧) પ્રાપ્તિ માટે પરમકૃપાળુ સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પર અચળ શ્રદ્ધા, તેમની અપૂર્વ વાણી પ્રત્યે ઉલ્લાસભાવ અને પરમપ્રેમ તે દુર્લભ સમ્યક્બોધિનું (૧૨) કારણ છેજી.
આ સંક્ષેપમાં જણાવેલ બાર ભાવનાઓ ઊંડા વિચારથી વારંવાર આપણે સર્વેએ ભાવવા યોગ્ય છે.
પરમકૃપાળુદેવે બાર ભાવનાઓનો બોધ પ્રથમ પોતાની હયાતીમાં ભાવનાબોધરૂપે પ્રસિદ્ધ કરેલો, તે વચનામૃતમાં પણ છે. દૃષ્ટાંતો સહિત હોવાથી આપણા જેવા બાળજીવોને બહુ હિતકારી છે. તે વારંવાર વિચારી સત્સંગ, સદ્બોધનું સેવન કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૦, આંક ૫૮) વૈરાગ્ય
— વૈરાગ્ય એટલે સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટતાં, જગતના જીવો કે અન્ય પદાર્થોનું અણગમવું; મંદવાડમાં જેમ સારી રસોઇ પણ રુચતી નથી, તેમ આત્મસ્વરૂપ સમજાયા પછી કે તેનું કારણ સત્પુરુષનું ઓળખાણ થયે, અન્ય પદાર્થોમાંથી રુચિ ઊઠી જીવ આત્મહિતની નિરંતર વિચારણા કરે, તેમાં બીજા પદાર્થો વિઘ્નરૂપ લાગવાથી ઉદાસીનતા રહે છે : ‘‘અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.'' આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં, તે વૈરાગ્ય.
વૈરાગ્ય અને ભક્તિમાં ઝાઝો ફેર નથી. સત્પુરુષની કે આત્માની ભક્તિ, તેમાં ને તેમાં વૃત્તિની રમણતા રહેતી હોય તો સ્વાભાવિક રીતે સંસારની વિસ્મૃતિ થાય છે. તે વિસ્મૃતિ, અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧)
— વૈરાગ્ય એટલે પરવસ્તુ પ્રત્યે અનાસક્તિ; અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય-ક્લેશ શાંત પાડવો અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી - આ હાલ થઇ શકે તેમ છેજી, અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છેજી. (બો-૩, પૃ.૪૭૪, આંક ૫૦૧)
I પ.પૂ. પ્રભુશ્રીજી બોધમાં કહેતા કે વૈરાગ્ય એ આત્મા છે. પરમકૃપાળુદેવ પણ તેને ૫૨માર્થમાર્ગનો ભોમિયો કહે છે. અનાસક્તભાવ કે અસંગભાવ, એ આત્માનું જ સ્વરૂપ છે. જેટલું તેમાં તન્મય થવાય