________________
૩૮૬
એક ભાઇ : મારે ચોથું વ્રત બ્રહ્મચર્ય લેવું છે.
પૂજ્યશ્રી : આત્માને માટે કરવાનું છે. નિશ્ચય છેને ? પ્રભુશ્રીજી કહેતા કે એક હાથમાં ઝેર અને એક હાથમાં કટાર લે. મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું. (બો-૧, પૃ.૬૦, આંક ૩૭)
બ્રહ્મચર્યની પરીક્ષા કરવા દેવદેવીઓ પણ આવે છે.
બ્રહ્માને બ્રહ્મચર્યથી ડગાવવા તિલોત્તમા અપ્સરાને ઇન્દ્રે મોકલી. તે બ્રહ્માની પાસે નૃત્ય કરવા લાગી, અને ચારે બાજુ ફરવા લાગી. બ્રહ્માનું ચિત્ત તેમાં એટલું બધું ચોંટી ગયું કે ચારે બાજુથી નૃત્ય જોવાની ઇચ્છા થઇ, તેથી ચાર મોઢાં બનાવ્યાં. પછી અપ્સરાએ આકાશમાં ઊંચે નૃત્ય કરવા માંડયું. તેને જોવા બ્રહ્માએ પાંચમું મોઢું બનાવવાની ઇચ્છા કરી, પણ પુણ્ય ક્ષીણ થઇ ગયેલું હોવાથી મનુષ્યનું મુખ તો ન થયું, પણ તેને બદલે ગધેડાનું મોઢું થયું !
મોટા દેવો પણ કામવિકારને વશ થઇ ગયા છે. હલકી વૃત્તિઓથી પાપ બંધાય છે. જીવને પશુવૃત્તિ છે. પશુ ઇચ્છે, તેને જીવ ઇચ્છે તો એ પશુ જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર - એ ત્રણ મોટા દેવો કહેવાય છે. તેમાં બ્રહ્મા મોટા, તે પણ કામવિકારથી ચળી ગયા.
વિકાર એ હલકી વસ્તુ છે. દરેકના જીવનમાં આ બધી વૃત્તિઓ આવી પડે છે, પણ મહાપુરુષો એનો જય કરી છોડે છે. એને શત્રુ જાણે છે. મુખ્ય વાત આત્મજ્ઞાન છે. ‘‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.’’ આત્મજ્ઞાન હોય તો સ્ત્રીથી ચળે નહીં; નહીં તો બાહ્ય પરિત્યાગ કર્યો હોય પણ સ્ત્રીઓથી ચળી જાય. પારો મારી નાખ્યો હોય તોપણ સિદ્ધૌષધિથી સજીવન થઇ જાય છે; તેવી રીતે જેને સમાધિયુક્ત મન થયું હોય તેને પણ સ્ત્રીને લીધે રાગ પાછો સજીવન થઇ જાય છે. (બો-૧, પૃ.૨૯૫, આંક ૪૮)
D બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી. જીવ નિમિત્તાધીન અત્યારે છે. અગ્નિની પાસે ઘીનો ઘડો મૂક્યો હોય તો ઘી ઓગળ્યા વિના રહે નહીં; તેમ જેને બ્રહ્મચર્યની ભાવના પોષવી છે, તેણે તેવાં નિમિત્તોથી જરૂર દૂર રહેવું ઘટે છે.
શ્રી ઉપદેશછાયામાં ઘણું, તે વિષે પરમકૃપાળુદેવે લખ્યું છે; તે વારંવાર વિચારી આ જીવની હલકી વૃત્તિઓ પ્રત્યે તિરસ્કાર નહીં છૂટે ત્યાં સુધી અનાદિનો મોહ જીવને ઢસડી ગયા વિના રહે નહીં. સમાધિસોપાનમાં પણ બ્રહ્મચર્ય વિષે લખાણ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે : ‘‘સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.’’ (૫૧૧) કારણ કે તેથી વિચારવૃત્તિ જાગે છે અને આ દેહનું સ્વરૂપ તથા જેના ઉપર મોહ થાય છે તેના દેહનું સ્વરૂપ, ચામડિયાના કુંડ જેવું જણાયા વિના રહે નહીં.
જેમ ચામડિયાના કુંડ આગળ ઉત૨ડેલી ચામડી, લોહી, માંસ, હાડકાં, આંતરડાં, વાળ, છાણ, મળ, મૂત્ર પડયાં હોય છે, તેમ આ દેહમાં પણ તે જ વસ્તુઓ ભરેલી છે અથવા જેના દેહમાં મોહ થાય છે તે દેહ પણ તેવો જ ગંદો છે. એ ભાવના વારંવાર ન થાય ત્યાં સુધી દેહ દૃષ્ટિએ ચઢે છે અને જીવ દેહ ઉપર જ મોહ કરે છે; દેહને માટે જીવે છે; દેહને દુ:ખે દુ:ખી અને દેહને સુખે સુખી, પોતાને માની રહ્યો છે.
તે માન્યતા સદ્ગુરુના બોધે ફરે છે અને દેહ મડદારૂપ લાગશે ત્યારે કંઇક મોહની મંદતા થશે. કોઇના કહેવાથી કે કોઈની મદદથી જીવની વાસના પલટાતી નથી; પણ જીવ જ્યારે સદ્ગુરુકૃપાએ, સદ્ગુરુબોધે બળવાન બને છે અને મારો બધો ભવ આ દેહની વાસનાએ જ બગાડયો છે એમ ગણી,