________________
३८०
દૃષ્ટિ પ્રમાણે સુખમાં નાખવા છે; તમારી દૃષ્ટિ તેવા સુખને માન્ય રાખે છે કે દુઃખ દેખે છે, તે વિવેકદૃષ્ટિએ વિચારશોજી.
સ્વ, મોતીભાઇ અમીનનું અપ્રસિદ્ધ જીવનવૃત્તાંત હાલ વાંચું છું. તેમાં તેમને એક પત્ની છતાં પુત્ર નહીં હોવાથી તેમના કાકા, જે પિતાની જગ્યાએ હતા તે, કોઇની મારફત કહેવડાવે છે કે તમારે કાકાની ઇચ્છાને માન આપી લગ્ન કરવું પડશે. તેમણે જવાબ દીધો કે કાકા જો લગ્ન કરે તો પોતે લગ્ન કરવા તૈયાર છે, પણ તે ના પાડે તો મારી ના ચોખ્ખી માની લેવી. તે સાંભળી, તેમના હૃદયની મક્કમતા જાણી, કાકાએ કહ્યું કે તેનું નામ હવે લેશો નહીં, એ તો માને એવો લાગતો નથી.
આમ સાચા દિલથી ખોટું લાગતું હોય તો ખખડાવીને એક વખત કહ્યું હોય તો ફરી કોઇ ન પૂછે, પણ બહાનાં કાઢે તેનું કોઇ ન માને. જાણે કે એને મરવું અને પરણવું સરખું લાગે છે તો કોઇ એને ફરી કહેવા ન આવે, પણ મનમાં મીઠાશ હોય તે સામો માણસ ડોસીના બચકાની પેઠે મનોમન સાક્ષી છે તે જાણી જાય છે.
તમે સાથે આવ્યા હોત તો ડોસાને કંઇક કહી શકત કે એની મરજી ન હોય તો આગ્રહ કરવા યોગ્ય નથી; પણ તમે ત્યાં અને હું અહીં, તેથી કંઇ સલાહ આપી શકાય નહીં. તમને અહીં મળી જવા પણ સંદેશો મોકલ્યો હતો પણ વખતે તમને મળ્યો ન હોય.
સત્સંગનો લાંબા વખતનો અભાવ, તે સત્સંગે થયેલા ભાવોને મંદ કરે છે કે મૂળથી ઉખેડી પણ નાખે છે. માટે તેવા સહવાસથી દૂર થઇ, સત્સંગનું સેવન થાય તો જીવ કોઇ રીતે પુરુષાર્થયોગ્ય બને અને વિવેકદૃષ્ટિથી આવી પડેલા પ્રસંગનો યથાર્થ ઉકેલ લાવી શકે. કાગળથી કંઇ બને તેવું લાગતું નથી, એટલે સહજ ઉ૫૨-ઉ૫૨થી કંઇક અનુમાન થાય તેવું પત્રમાં જણાવી, આ પત્ર પૂરો કરું છુંજી.
ઘણો વિચાર કરી, સત્પુરુષના અભિપ્રાયે વર્તવાનો દૃઢ નિર્ણય કરી, તેને વળગી રહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૨૬૪, આંક ૨૫૯)
અબ્રહ્મચર્ય જીવને મારી નાખે એવું ઝેર છે; તેથી કર્મ બંધાય છે; તેથી જન્મવું-મરવું પડે.
વેર જેવું ઝેર છે, એવું સ્નેહ એ પણ ઝેર છે. વેરને લીધે પાર્શ્વનાથ ભગવાન અને કમઠને કેટલાય ભવો સુધી વિરોધ થયો. એવું સ્નેહને લીધે રાવણને સીતાના સંબંધે કેટલી લડાઇઓ થઇ.
જો બ્રહ્મચર્ય હૃદયમાં બરાબર વસી જાય, તો સંસારનું મૂળિયું ઊખડી જાય. સંસારનું મૂળિયું ભોગ છે. તે જો ઊખડી જાય, તો પછી કશાની જરૂર ન પડે. સારાં કપડાં પહેરવાની, સારું ખાવા-પીવાની ઇચ્છા ન રહે. માત્ર મોક્ષને માટે દેહને વાપરે. (બો-૧, પૃ.૨૯૫, આંક ૪૯)
I ‘‘આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લોહી, પાચ આદિ મહા અપવિત્ર કે દુર્ગંધવાળા પદાર્થોનો કોથળો છે; બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટયાથી, તે રાગી જીવોને સારો લાગે છે. જો તે ચામડીરૂપી ચાદર લઇ લેવામાં આવે, કે વૃદ્ધાવસ્થા આવી જાય તો તે તરફ જોવું પણ ન ગમે. આવા દુગંછા થાય કે ચીતરી ચઢે તેવા શરીરમાં ક્રીડા (લહેર, મજા) શી કરવી ? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પોતે પોતાને ફસાવી ચાર ગતિનાં દુઃખમાં પડવાનું શા માટે કરવું ? આ પ્રકારે આ યોદ્ધો કામનો દુર્જય કિલ્લો તોડી, પોતાના અનંત સુખમય આત્મામાં વિહાર કરે છે. (જે ધારે તે કરી શકે છે.) ’’(પ્રવેશિકા, પાઠ ૯૯) (બો-૩, પૃ.૧૬૯, આંક ૧૭૪)