________________
૩૭૧
પોતાને દેહભાવ હોય, પુત્રાદિ ભાવ-કલ્પના હોય, ત્યાં તેણે ત્યાગ્યું શું ? ત્યાગીને પણ ભોગવિલાસનું આરાધન કરે તો માબાપ અને પોતે, બંને રખડે.
સત્સંગ કરે, આત્માર્થ સધાય તેવો યોગ હોય ત્યારે ત્યાગે તો બધાંને, આખા જગતને લાભકા૨ક; પણ ત્યાગે અને આર્તધ્યાન રહેતું હોય તો - ઘરડો થાય અને કમાઇ શકે નહીં એવું થાય તો - પહેલેથી વિચારવું ઘટે. (બો-૧, પૃ.૩૦)
જેના હૃદયમાં પરમકૃપાળુદેવ છે, પરમકૃપાળુદેવની શ્રદ્ધા છે, તે સર્વ પ્રત્યે ધર્મભાવ ધારણ કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવને માને છે માટે હું પરમકૃપાળુદેવના કુટુંબમાં રહું છું, ભાઇ પણ તેટલા જ માટે પ્રેમ કરવા યોગ્ય છે, માતા પણ ધર્મભાવ હોવાથી પૂજ્ય છે, બહેન પણ ધર્માત્મા હોવાથી પૂજ્ય છે. ધર્મને અર્થે જેનો દેહ છે તે આપણને ધર્મમાં જ પ્રેરે એ ભાવ રાખી, સત્સંગાદિ કે કુટુંબાદિ સંજોગોમાં પ્રવર્તવાની બુદ્ધિ રાખી હોય તો તે આપણને કામરાગ, સ્નેહરાગ કે દૃષ્ટિરાગથી બચાવી લે છે અને ધર્મરાગમાં વૃત્તિ વળે છે.
મારી બહેન મારે ઘેર આવી છે એવા ભાવ કરતાં, એવો ભાવ થાય કે કોઇ ધર્મ અર્થે જીવન ગાળવાનો નિશ્ચય કરી ચૂકેલી મારી ધર્મબહેનને ધર્મમૂર્તિ જાણી, તેની સેવાચાકરી કરવાનો મને લાભ મળ્યો છે તે મારાં અહોભાગ્ય છે એમ વિચારી, એ દૃષ્ટિએ જે ખર્ચ કરવું પડે કે અડચણ વેઠવી પડે તે વેઠાય તો ફળમાં આભ-જમીન જેટલો ભેદ પડી જાય.
૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રી વારંવાર કહેતા હતા કે ક્રિયા તો તેવી ને તેવી જ કરવાની છે પણ ભાવ બદલી નાખવાનો છે. જ્યાં ભાવ છે ત્યાં જ આત્મા અને ભાવથી જ બંધન થાય છે કે છુટાય છે, માટે ભાવ સુધરે તેમ પ્રવર્તવું અને તેવાં નિમિત્તો ઇચ્છવાં કે જેથી આપણા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે ઉલ્લાસવાળા રહે.
સગાંવહાલાં પ્રત્યે પણ સંસારભાવને બદલે આત્મભાવ ક્યારે થશે એવી ભાવના વારંવાર સેવવાથી ધર્મભાવના જાગ્રત રહે અને કાળે કરીને પરમશાંતિપદ પ્રાપ્ત કરી શકાય છે.
(બો-૩, પૃ.૧૦૫, આંક ૯૬)
પ્રશ્ન : પોતાને ત્યાગ કરવાના ભાવ હોય અને ત્યાગ કરવાથી બીજા જીવને દુઃખ થતું હોય તો શું કરવું? પૂજ્યશ્રી : જીવથી થઇ શકતું નથી તેની તો ચિંતા કરે છે, વિકલ્પો કરે છે; અને જે પુરુષાર્થ કર્યાથી થઇ શકે છે, તેની ચિંતા કરતો નથી. ભગવાનની આજ્ઞાએ વર્તવું, એ ભક્તિ છે. ‘હું કરું’, ‘મેં કર્યું’ એ બધું અજ્ઞાન છે.
સંસારમાં ખેદ થાય, એ ધર્મ નથી. કશુંય ફિકર કરવા જેવું નથી. વ્યાકુળતા એ જ અજ્ઞાનભાવ છે. બધું ભૂલીને આત્મા તરફ લક્ષ રાખવાનો છે. મોહ જેને છોડવો છે, તેણે બધું ભૂલી જવું. મોહ હોય ત્યાં સુધી અહંકાર થયા વિના રહે નહીં. બધા વિકલ્પો શમાવવાના છે. તે વિના ચિત્ત સ્થિર ન થાય. આત્મસ્વરૂપમાં જે રમણતા કરે છે, તેને બધા વિકલ્પો છૂટી જાય છે.
પોતાને અને પરને હિતકારી થાય, તેનું નામ જ્ઞાન છે. બીજા જીવને દૂભવે, તે જ્ઞાન નહીં. (બો-૧, પૃ.૮૬, આંક ૯)