________________
(૩૫૯) વૈરાગ્ય આવ્યાં બાદ તો એક ભવ પણ સહન કરવો પડે, તે સહન થાય નહીં. સંસારમાં રહેલો જીવ એમ જાણે કે આટલું કરી લઉં, એકાદ ભાવ વધારે કરવો પડશે તો કરીશું; પણ સંસાર તો એવો છે કે આંગળી આપતાં પોંચો પકડી લે અને છૂટવા દે નહીં. કોઇ ઘૂંક્યું હોય તે ઉપર માખી બેસે અને તેના પગ ભરાય ત્યારે જોર કરે તો વધુ લબદાય, માથું મારે તો માથું ભરાય, પણ છૂટે નહીં; તેવું સંસારનું સ્વરૂપ જાણવું. સંસારમાં આસક્તિ રાખવી અને મોક્ષ મેળવવો, તે બને તેવું નથી. જેમ જેમ આસક્તિ ઓછી થતી
જાય, તેમ તેમ જ્ઞાનીપુરુષનું કહેવું સમજાય. (બો-૧, પૃ.૭, આંક ૮). D અસાર, અશરણ અને ભયંકર એવા સંસારનું સ્વરૂપ જ્ઞાનીપુરુષે વારંવાર અનંત કુસંગરૂપ વર્ણવ્યું છે,
છતાં જીવને કોણ જાણે શી મહત્તા લાગી ગઈ છે કે એ સંસાર સિવાય બીજે, એની વૃત્તિ દ્રઢ થતી નથી. ચક્રવર્તી જેવા અતુલ્ય પુણ્યસંચયવાળા અને સંસારભરમાં મહાન મનાતા પણ ખાલી હાથે ચાલી નીકળ્યા; કોઈ તો નરકે ગયા; તો આ પામર જીવ આ સંસારમાંથી શું સાથે લઈ જવા વિચાર કરી, તેમાં
જ તલ્લીન થઈ રહ્યો છે? તે બહુ બહુ વિચારવા જેવું છે. (બી-૩, પૃ.૬૨૧, આંક ૭૨૨) D સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દીઠું છે, તે સત્ય છેજી.
ગમે તેવા સમજુ માણસને પણ જંપવા ન દે તેવો સંસાર છે, તેથી જ્ઞાનીઓએ તેને પૂંઠ દીધી છે. તેમાં કંઈ જોવા જેવું નથી જાણી, આંખો મીંચી દીધી છે. તેમાં કંઈ કરવા જેવું નથી જાણી, હાથ પર હાથ રાખી નિષ્ક્રિયતા ધારી છે. ચરણને સંસારમાં પ્રવર્તાવવાનું બંધ કરી, પદ્માસન વાળી બેઠા છે. આવા વીતરાગપુરુષના ઉપાસકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છેજી. પ્રારબ્ધ બાંધ્યા પ્રમાણે દેખાવ દે, તેમાં તણાઈ જવા જેવું નથી. સમજણની કસોટી સંસારમાં ડગલે અને પગલે થયા કરે છે. આવા દુસ્તર સંસારને જ્ઞાની પુરુષો નિર્વિકલ્પદશા આરાધી, ગાયની ખરીમાં પાણી
ભરાય તેવો અલ્પ કરી, ઓળંગી ગયા છે). (બી-૩, પૃ.૭૯૭, આંક ૧૦૨૫) | આપનો પત્ર, બે ભાઈઓના દેહોત્સર્ગ સંબંધી ખેદકારક સમાચારવાળો મળ્યો.
સંસારમાં તો મોટે ભાગે દુઃખ જ છે, શાતાજનિત સુખ પણ નહીં જેવું જ છે. ખરી રીતે તો એકાંત દુઃખરૂપ જ, સંસારનું સ્વરૂપ પરમકૃપાળુદેવે વર્ણવ્યું છે; તે સમજી નિરંતર, સાંસારિક પ્રસંગોમાં ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે'. પરોપદેશે પાંડિત્ય” તો આ જીવે ઘણી વાર કર્યું છેપણ હવે અંતરમાં સાચી ઉદાસીનતા જાગે, અને આ કલ્પિત વસ્તુનું આટલું બધું માહાભ્ય ર્દયમાં વસ્યું છે તે ઝાકળના જળની પેઠે ઊડી જાય, જગતમાન્ય વસ્તુઓ સાવ તુચ્છ નજરે જણાય અને બધો પરવસ્તુ પ્રત્યે ઢળેલો પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે ઢળે, એવા ભાવની ઉપાસના, મારે-તમારે-બધાએ વગર વિલંબે કર્તવ્ય છેજી. વર્તમાન પ્રસંગો આપણને જાગૃતિ આપવા સમર્થ છે કે આપણા ઉપર જ આવી પડે ત્યારે જાગવું છે? અનંત પરિભ્રમણનો વિચાર કરીએ તો આપણા ઉપર પણ આવા અનેક પ્રસંગો આવી ચૂક્યા છે, છતાં જેમ સવાર થતાં ઠંડી પડે ત્યારે ઊઠવાને બદલે, ચાદર ખેચી-ખેંચીને માથું ઢાંકી ઊંઘવા પ્રયત્ન કરતા આળસુની પેઠે, તે તે પ્રસંગો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે, મોહનિદ્રાની મીઠાશ અનુભવી છે, ઝેર જેવું લાગ્યું નથી. આ આદત ફેરવ્યે જ છૂટકો છેજી, (બી-૩, પૃ.૪૬૪, આંક ૪૮૭)