________________
(૩૩૬)
આ પ્રકારની ભલાઈ રાખવાથી કોઈ પણ પ્રકારે નુકસાન નથી, ઊલટી આત્મશાંતિ પ્રાપ્ત થવાની યોગ્યતા મળે છેજી. બીજાને આપણા પ્રત્યે અભાવ વર્તતો હોય અને તે કોઇ ઉપાયે ટળી શકે એમ લાગતું હોય તો તન-મન-ધનથી ન્યાયમાર્ગે ઉપાય લઈ જોવા. જો ન બની શકે તો આપણાં મનનું સમાધાન કરી, ભવિષ્યમાં તેના સદ્દભાગ્યે તેને ભલી મતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના રાખી, નિર્વેરબુદ્ધિ રાખવી તે સજ્જન પુરુષનું ભૂષણ છે). આ તો એક તમારા ચિત્તમાં શાંતિ ટકી રહે, તેનું સૂચન માત્ર કર્યું છે. બાકી તમારે તો હાલ તેવો કોઈ પ્રસંગ ત્યાં દૂર રહ્યાં છે નહીં. વર્તમાનમાં સારા ભાવ સેવતા રહેશો તો ભવિષ્યમાં કેમ વર્તવું તે આપોઆપ સૂઝી આવશે. આજથી તેની પંચાત કરવા જેવું નથી. કાલે શું થશે, તેની કોને ખબર છે ? મહેમાનની પેઠે આ સંસારમાં કેટલાય માણસો સાથે સંબંધ, અનેક પ્રકારના થયા અને થવા હશે તે થશે, પણ ભલા માણસે પોતાની ભલાઈ તજવા યોગ્ય નથીજી. પ.પૂ. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત કહેતા કે એક સંન્યાસી સાધુ નદીએ નાહવા ગયેલો. તેણે પાણીમાં વીંછી તણાતો જોઈ દયા આવવાથી હાથમાં લઈ કિનારે મૂકવા વિચાર કર્યો, પણ હાથમાં લેતાં જ વીંછીએ ચટકો ભર્યો એટલે હાથમાંથી પાછો પાણીમાં પડી ગયો. ફરી તેણે તે વીંછી હાથમાં લીધો કે ફરી ચટકો માર્યો, તોપણ ત્રીજી વખત તેણે તેને તણાતો બચાવી હાથમાં લીધો તો ત્રીજી વખત ચટકો માર્યો એટલે હાથમાંથી પડી ગયો. કિનારા પરના માણસો કહે, “ભાઈ ! એ કરડ્યા કરે છે તો તું એને શા માટે ઝાલે છે?' સાધુએ કહ્યું, “એનો ધર્મ તો કરડવાનો છે અને મારો ધર્મ દયા કરવાનો છે. એ એનો ધર્મ નથી છોડતો તો હું મારો ધર્મ કેમ છો?'' એમ કહી, ચોથી વખત તેને હાથમાં લઈ કિનારે મૂકી દિીધો.
આ વૃષ્ટાંત આપણે વિચારવા જેવું છે. જિંદગીમાં અનેક વાર ઉપયોગી થાય તેવું છેજી. ગમે તે પ્રકારે પણ સ્વ-પરહિત થાય તેમ હોય તે લક્ષ રાખવો. (બી-૩, પૃ.૪૯૨, આંક પર૭) પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરી પ્રતિક્રમણ કરી, ખમાવવાનો છે. તે દિવસે, બને તો ઉપવાસ કરી, ધર્મધ્યાન કરવા યોગ્ય છે. એ અઠવાડિયામાં પહેલો અને છેલ્લો દિવસ સામાન્યપણે ઉપવાસનો ગણાય છે. તેમાં છેલ્લો દિવસ તો ખાસ દરેકે ઉપવાસ કરવા યોગ્ય છે. કોઈ તો એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, ત્રીજે દિવસે વળી ઉપવાસ એમ યથાશક્તિ તપ કરે છે. કોઈ, ઉપવાસ ન બને તો એકાસણું જેટલા દિવસ બને તેટલા દિવસ કરે. લીલોતરીનો ત્યાગ બધા દિવસ રાખે. બ્રહ્મચર્ય તે અઠવાડિયે પાળે. દાન, પ્રભાવના. ભક્તિ વગેરે યથાશક્તિ કર્તવ્ય છે વખત બચાવી, દરરોજ, બધા ભેગા મળી ભક્તિ, મોટી આલોચનામાંથી ક્ષમાપના વગેરે પદો બોલી કરવી, નિત્યનિયમ કરવો; કોઈ-કોઈ દિવસ આત્મસિદ્ધિ સારા રાગથી બે કલાક ગાવી. કોઈ દિવસ કે રોજ, સમાધિસોપાનમાંથી દશલક્ષણધર્મ કે બાર ભાવના કે આઠ અંગમાંથી કંઈ વાંચન કરવું. કોઈ-કોઈ દિવસ કે રોજ, વચનામૃતમાંથી આત્મસિદ્ધિના અર્થ કે ઉપદેશછાયામાંથી વાંચન કરવું. એમ ભક્તિભાવનામાં એક અઠવાડિયું ગાળી ધર્મભાવના વર્ધમાન થાય, તેમ વર્તવા ભલામણ છેજી. જે જે પ્રકારે આત્મામાં ધર્મનો ઉલ્લાસભાવ વધે, તેમ તન-મન-ધનથી પુરુષાર્થમાં વર્તવા ભલામણ છેજી.