________________
૩૧૦
તેમ જ કામ, માન આદિ શત્રુઓ પણ જેવા તેવા નથી. જો તેને વશ જીવ થઇ ગયો તો ધર્મનો નાશ થતાં વાર ન લાગે તેમ છે; તેમ છતાં દરેકના ઉપાય છે.
“માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.''
‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.’
,,
માટે જાગ્રત થવાની, જાગ્રત રહેવાની, મોહથી દૂર ખસતા-નાસતા રહેવાની જરૂર છેજી.
‘ચતુરની બે ઘડી અને મૂરખનો જન્મારો.' એવી કહેવત છે. સમજુ માણસ બે અક્ષરમાં સમજી ચેતી જાય તો કામ કાઢી નાખે અને મૂરખ જન્મારો મહેનત કરે પણ કંઇ સફળતા ન મેળવે. માટે મૂઢતા, અજ્ઞાનદશા, મોહમદિરાનો વારંવાર વિચાર કરી ‘‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.’' એ પરમકૃપાળુદેવનું વચન લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૩૭૭, આંક ૩૮૩)
કષાયપરિણતિ થાય તેવા પ્રસંગે બહુ ચેતવા જેવું છેજી. ડુંગળી ખાય તો તેના ઓડકાર તેવા જ આવે, રોક્યા રોકાય નહીં, ગંધાય, ગમે નહીં, બીજાને પણ અપ્રિયતા ઊપજાવે અને પોતાને પણ પસ્તાવો, ક્લેશ કરાવે; તેમ કષાયને હૃદયમાં અલ્પ પણ સ્થાન આપ્યું તો તે ધર્મ, દાન, તપ વેળા પણ બધું બગાડી નાખી પોતાની સત્તા અંતઃકરણ ઉ૫૨ જમાવે એવો એનો સ્વભાવ છે, માટે મહાભયંકર વિષ સમાન સમજી કષાયના પ્રસંગો કુટુંબીઓને કારણે, ધનને કારણે કે દેહાદિ સગવડને કારણે પણ ઊભા ન કરવા; ઊભા થતા હોય તો પોતે તેમાં તણાવું નહીં; બને તો શાંત કરવા. ગમે તેવો ધનનો, માનનો કે હઠનો ભોગ આપીને, ન છાજે તેવી દીનતા કરીને, પગે લાગીને પણ તેથી દૂર રહેવા યોગ્ય છેજી.
પોતાની સત્તા વાપરીને, બીજાને દબાવીને કોઇ કષાય શમાવવા જાય તો તે માત્ર દેખાવ પૂરતું બને છે; પણ મૈત્રીભાવ, સર્વ જગત પ્રત્યે નિવૈરબુદ્ધિ, અત્યંત દીનભાવ અને સદ્ગુરુએ આપેલ મંત્ર આદિ આધારે પોતાના અંતઃકરણને સમજાવી, તેવાં કારણોથી દૂર રહી, ભક્તિમાં વિશેષ કાળ જાય અને તે પ્રસંગોની વિસ્મૃતિ થાય તેવા વાંચન, મનનના અભ્યાસથી પાછું શાંતિનું રાજ્ય સ્થપાય છેજી.
સર્વ ઉપાયમાં શ્રી સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ, સદ્ગુરુકૃપા સર્વોત્તમ મને તો સમજાઇ છેજી. (બો-૩, પૃ.૪૧૬, આંક ૪૨૩)
D કષાય જેવો કોઇ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઇ વિષ નથી, માટે જાણીજોઇને પોતે પોતાના શત્રુ ન બનવું. શ્રી શ્રેણિકરાજાને શ્રી અનાથી મહર્ષિએ એ જ ઉપદેશ દીધો છે કે પોતે જ પોતાને નરકે લઇ જાય છે અને દુઃખી કરે છે, પોતે જ પોતાને સ્વર્ગે લઇ જાય છે અને પોતે જ પોતાને મોક્ષપ્રાપ્તિ કરાવશે. માટે આવો યોગ મળી આવ્યો છે, તે તરવા અર્થે જ છે. મુમુક્ષુજીવને સાંસારિક મુશ્કેલીઓ આ કાળમાં તરવા સમાન છેજી. (બો-૩, પૃ.૫૭૮, આંક ૬૫૦)
D બાળવા યોગ્ય ક્રોધ છે; ટાળવા યોગ્ય માયા-કપટ છે; વાવવા યોગ્ય વિનય છે; સાધવા યોગ્ય સંતોષ છે; સમજવા યોગ્ય સત્પુરુષનું શરણ છે. આ વાત સત્સમાગમે સમજી, હ્રદયમાં લખી રાખવાની છેજી. (બો-૩, પૃ.૭૩૨, આંક ૮૯૩)