________________
૩૦૫
કાળજી રહે છે. જે ચરી પાળવાની કહી હોય તે ગામ-પરગામ, વિવાહ-વાજન વખતે પણ કાળજી રાખી પાળે છે; નહીં તો દવા ગુણ નહીં કરે તેનો ડર રહે છે કે રોગ વધી જશે તો મરણનો ડર રહે છે.
તેમ જેને સત્પુરુષના બોધે દેહાધ્યાસ મંદ પડયો છે કે મંદ પાડવાની ગરજ જાગી છે, તેને એવો ડર રહ્યા કરે છે કે આ મનુષ્યભવમાં જો ધર્મ-આરાધન નહીં કરી શકાય તો કીડી-મકોડી કે કાગડા-કૂતરા કે એવા ચોર્યાસી લાખ યોનિના પરિભ્રમણમાં શું બનવાનું છે ? માટે હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં, ચાલતાં-જોતાં, ખાતાં-પીતાં કે સૂતાં-જાગતાં તે સત્પુરુષે આપેલા સાધનનું અવલંબન રાખે છે. સંસારની ફિકર ઓછી કરી પરમાર્થની ફિકર જેને જાગી છે, તેનું ચિત્ત બીજે તલ્લીન થઇ જતું નથી, અથવા તો જ્યાં જ્યાં તેવા પ્રસંગોમાં સત્તાધન ભૂલી જવાય છે તેવાં તેવાં નિમિત્તોથી દૂર રહે છે કે ચેતતો રહે છે. (બો-૩, પૃ.૧૭૨, આંક ૧૭૭)
સ્વપ્નદશા
તમે સ્વપ્ન સંબંધી પુછાવ્યું છે તે વિષે લખવાનું કે ઘણી વખત તો જે સંસ્કારો પડેલા છે તે નિદ્રા વખતે સ્ફુરી આવે છે, તે ઉ૫૨થી પોતાને કઇ બાબતોમાં કેવી રુચિ છે, તે જાણી હિતકારી બાબતોથી ચિત્ત પ્રસન્ન થાય અને તેવી ભાવના પોષવાનું બને છે. અહિતકારી જણાય તો તે પ્રત્યે વૃત્તિ જતી રોકી, પ્રશ્ચાત્તાપ કરી તેવા સંસ્કારોને બળ ન મળે માટે સારા ભાવમાં રહેવા ભક્તિ, સ્મરણ વગેરેનો લક્ષ રાખવો ઘટે છેજી.
નાની ઉંમરમાં ધર્મના સંસ્કારો પડેલા છે, તેથી ઘણી ઉપાધિવાળી પ્રવૃત્તિમાં પણ તે બીજા સંસ્કારોને દબાવી ઊંઘમાં પણ પોતાનો પ્રભાવ બતાવે છે. તેને પોષણ ભક્તિ આદિથી નહીં મળે, સ્મરણમંત્રનું આરાધન કરવાની ટેવ નહીં પાડો, તો તે સંસ્કારોનો કાળ પૂરો થયે, ફરી ઘણી ઇચ્છા કરશો તોપણ તેવા ભાવો, તે દેશમાં જાગવા દુર્લભ થઇ પડશે.
માટે જ્યાં સુધી બીજાં કામ થઇ શકે છે ત્યાં સુધી ધર્મકાર્ય, સાંચન, વિચાર, સ્મરણ, ભક્તિ પણ સાથે-સાથે કરતા રહેશો તો આંબાને જેમ પોષણ આપતા રહી કેરીઓ ખાવાથી દર સાલ કેરી થયા કરે, પણ પોષવાને બદલે આંબો કાપી નાખી એક સાલ કેરી ખાઇ લીધી તો બીજી સાલ કંઇ પણ મળી શકે નહીં; તેમ ધર્મનાં કાર્ય કરવાં પડયાં મેલી કે તેને ધકેલ્યા કરી, વિસારી દેવાથી, શુભ સંસ્કારો લાંબી મુદ્દત ચાલશે નહીં અને અશાંતિ, ભય, તૃષ્ણા, વેદના વગેરેનાં સ્વપ્નોથી અને વિચારોથી મન ભરાઇ જતાં જીવ દુ:ખી થવા સંભવ છે. માટે આત્મહિતની અને સાચા સુખની ભાવના હૃદયમાં જીવતી હોય તો નિત્યનિયમ, નિયમિત સત્શાસ્ત્રનું વાંચન, વિચાર અને ૫૨મપુરુષોની દશા અને ઉચ્ચ જીવનની અભિલાષા માટે, અમુક વખત બચાવવાની કાળજી રાખવી ઘટે છેજી. (બો-૩, પૃ.૬૬૪, આંક ૭૯૫)
જાગૃતિકાળમાં જેવા ભાવો કર્યા હોય છે, તેના રહસ્યરૂપે નિદ્રામાં ભાવો થાય છે. ખરાબ ભાવોનું સેવન કર્યું હોય તો વિશેષપણે તેવા ભાવો નિદ્રામાં થાય છે. તેનું કારણ કે તે વખતે કંઇ અંકુશ જેવું રહેતું નથી. ખરાબ નિમિત્તો જીવને પાછો પાડનાર છે. તેમાંથી બચવું ઘણું મુશ્કેલ છે. જેમ જેમ અંતરાત્મવૃત્તિનું બળ વધતું જાય છે, તેમ તેમ જીવનું આગળ વધવું થાય છે. (બો-૧, પૃ.૧૬, આંક ૧૭)
મુમુક્ષુ : પ્રભુ ! મને એક સ્વપ્ન આવ્યું હતું કે પ્રભુશ્રીજી સભામંડપમાં બેઠા છે, બોધ કરી રહ્યા છે. તે વખતે મને અને ....ભાઇને પ્રભુશ્રીજીએ કહ્યું કે પાંચ ભવમાં તમારો મોક્ષ થઇ જશે.