________________
(૩૦૩) બંને ભાઈઓ બધે ફરીને બાગ આદિ સ્થળો જોઇ રહ્યા એટલે, ઉત્તર તરફ જવાનો નિષેધ કરેલો, તેથી જ ખાસ જિજ્ઞાસા થઈ કે જોઇએ તો ખરા ત્યાં શું છે, એમ ધારી તે દિશામાં ચાલ્યા. ત્યાં હાડકાં આદિ દુર્ગધી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને શૂળી ઉપર ચઢાવેલો હતો, તેથી બૂમો પાડતો હતો, તેની પાસે તે બંને પહોંચી ગયા, તેનો અંત નજીક જણાતો હતો. તે બંનેએ પૂછયું, “આપનું અમે શું હિત કરીએ ?'' તેણે કહ્યું, “ભાઇ, હું હવે મરણની નજીક છું, તેથી બચી શકું તેમ નથી; પણ તમારી આવી જ દશા થનારી છે. તમારી પેઠે મેં બહુ વિલાસ એ રયણાદેવી સંગે ભોગવ્યા, પણ તેને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે તેને મળી ગયા એટલે મારી આ દશા તેણે કરી. હાલ તે નથી એટલે જ તમે આ પ્રદેશમાં આવ્યા લાગો છો. બીજા કોઈ મળતાં તમે પણ શૂળીના ભોગને પ્રાપ્ત થશો.'' આ સાંભળી બંનેએ તેને હાથ જોડી વિનંતી કરી કે કોઈ ઉપાય, અમારા છૂટકારાનો હોય તો કૃપા કરી જણાવો. તેણે કહ્યું દરિયા કિનારે એક યક્ષ રહે છે, તે દરરોજ બપોરે પોકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું? તે વખતે તેનું શરણ ગ્રહણ કરી, “આપ ગમે તે કહેશો તે માટે માન્ય છે, પણ અમને બચાવો અને અમારે દેશ પહોંચાડો.” આમ કહેવાથી તે મચ્છનું રૂપ ધારણ કરી, તમને પીઠ પર બેસાડશે અને સૂચના આપશે તે પાળશો તો સાગર ઓળંગી સ્વદેશ પહોંચશો. આ ઉપાય અજમાવવા તે બીજે દિવસે ગયા. યક્ષને વિનંતી કરી, ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવવા રયણાદેવી આવશે પણ તેના સામું પણ જોશો નહીં. જે તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશે, તેના મનને જાણી લઈ, હું પીઠ ઉપરથી ઉછાળી, તેને દરિયામાં નાખી દઈશ. બંનેએ, એક તરવાના લક્ષથી તેની શરત કબૂલ કરી. તે મચ્છ થઈ કિનારે આવ્યો એટલે બંને તેની પીઠ ઉપર બેસી ગયા અને સપાટાભેર દરિયો કાપવા લાગ્યા. ત્રીજે દિવસે રયણાદેવી આવી, ત્યારે તેમને ઘેર દીઠા નહીં, તેથી જાણી ગઈ કે તેમને કોઈ ભેદી મળ્યો છે. તેથી તેમની શોધમાં તે દરિયામાં ચાલી અને આકાશમાં રહીને વિલાપ કરતી બંનેને વીનવવા લાગી. જિનરક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો, ગમે તેવા ચાળા કે વિનવણી કરે, તેની કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટજાળ તે લેખતો. તે તો નહીં જ ફસાય એમ ખાતરી થવાથી, તે હવે માત્ર જિનપાલિતનું નામ દઇ વારંવાર કહેવા લાગી : “મેં તમને શું દુ:ખ દીધું છે ? મારા સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભારી કૃપા કરી મારો સ્નેહ યાદ કરો, આવા નિષ્ફર ન થાઓ; અબળા ઉપર દયા લાવો.'' એવાં વચનોથી નાનો જિનપાલિત લલચાયો; “બિચારી આટલું કલ્પાંત કરે છે, તો તેના સામું જોવામાં શો દોષ છે ?' એમ કરી જ્યાં દૃષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળી દીધો કે તરત તેની નીચે ત્રિશૂળ મૂકી રયણાદેવીએ તેના ત્રિશૂળથી કટકેકટકા કરી દરિયામાં નાખી દીધો. જિનરક્ષિત લલચાયો નહીં, તો સ્વદેશ પહોંચી ગયો. આ ઉપરથી બોધ લેવાનો કે જગતની માયા, પુદ્ગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિમાં આ આત્માને ફસાવે છે; પણ પોતે ન ઠગાતાં, એક મારો આત્મા જ સાચો છે એમ જાણી, તેને જ ખરો માનવો. બાકી સર્વ માયા છે. દેહાદિ પરવસ્તુમાં મોહ ન કરવો.'' (ઉપદેશામૃત પૃ. ૧૯૭, ફૂટનોટ)