________________
( ૨૧ પરમકૃપાળુદેવની જન્મજયંતિ વિષે
જન્મ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે;
કરવા અમ ઉદ્ધાર વારી જાઉં વારણે.” કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે પરમકૃપાળુદેવની જન્મતિથિ નિમિત્તે મહોત્સવ થશે. તે દિવસે બહુ ઉલ્લાસસહિત જન્મમહોત્સવનાં પદ “આલોચનાદિ પદ સંગ્રહ'માંથી ગવાશે. તથા તે મહાપુરુષ આપણા કલ્યાણનું કારણ છે, તેથી તેનો જન્મદિવસ તે આપણા કલ્યાણનો જન્મ ગણી, તે દિવસે તે મહાપુરુષના જીવન સાથે આપણા જીવનનો અભેદભાવ જાગે તેવી ભક્તિ કરી, તે દિવસ સફળ કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૩૮૦, આંક ૩૮૫) પરમકૃપાળુદેવની જન્મતિથિનો દિવસ આપણે માટે પરમ માંગલિક છેજી. આપણા કલ્યાણકર્તા જે દિવસે જન્મ્યા ત્યારથી જ આપણા કલ્યાણનો પણ જન્મ ગણવા યોગ્ય છેજી. જેમ એંજિનને ડબા લગાડેલા હોય, તે એંજિનની સાથે જ ગતિ કરે છે એટલે જે ગતિ એંજિનની, તે જ ગતિ પાછળના બધા ડબાની થાય છે; તેમ પરમકૃપાળુદેવનો સાચા દિલથી મોક્ષને અર્થે જેણે આશ્રય લીધો છે તેને બીજી મતિ કેમ હોય? ૫..૫.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવને ભજનારનું અહિત થાય તો તેના અમે જામીનદાર બનીએ છીએ, વીમો ઉતરાવીએ છીએ; એના જેવું બીજું જોખમવાળું કોઈ કામ નથી એમ જાણીએ છીએ, પણ સાચી વાત છે તેથી છાતી ઠોકીને કહીએ છીએ કે પરમકૃપાળુદેવની ભક્તિ કરનારનું કલ્યાણ થશે. આ વાતો જેણે સાંભળી હોય, તેણે તો માથું મૂકીને, હવે તે જ કામ આ ભવમાં મુખ્યપણે કર્તવ્ય છે એવો કૃઢ નિશ્ચય કરી લેવો ઘટે છેજી; અને પરમકૃપાળુદેવની જન્મતિથિ ઉપર આપણને નવું જીવન પ્રાપ્ત થાય તેવા ઉલ્લાસથી ભક્તિ કર્તવ્ય છે). (બી-૩, પૃ.૫૦૧, આંક પ૩૯). આવતી પૂર્ણિમાએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની જયંતિ છે. તે મહાપુરુષે આપણા જેવા અબુધ જીવોને માટે લોપ થઇ જવા આવેલો મોક્ષમાર્ગ પ્રગટ કરી, સુગમ ઉપાય, આ કાળમાં બની શકે તેવા દર્શાવ્યા છે. જીવને આ જંજાળરૂપ સંસારમાં જ સુખ ભાસે છે, ત્યાંથી ઉઠાડી રાજ્યસિદ્ધિ કે દેવોના વિલાસને પણ બળતાં ઘી જેવા બતાવી (દાઝયા ઉપર ઘી ચોપડાય છે પણ તે જ ઘી ઊનું કરી શરીરે છાંટે તો ફોલ્લા પાડે તેવા દેવોનાં સુખ પણ દુઃખ છે), તેમાં જે લાલસા રહે છે તેને ત્યાગવાની બુદ્ધિ પ્રગટે તેવા વૈરાગ્યવાળું જીવન જીવી, પોતે આ કાળમાં તે પંથે ચાલી આપણને ભોમિયારૂપ બન્યા છે; તેમનાં પ્રગટ આત્મસ્વરૂપને દર્શાવતાં બળવાન વચનો શ્રી આત્મસિદ્ધિ, વીસ દોહરા, અપૂર્વ અવસર આદિમાં તે જયંતિનો દિવસ ગાળવા યોગ્ય છેજી. કોઈ સાથ મળી આવે તો તેમની સાથે, નહીં તો એકલા પણ તે દિવસે ભક્તિમાં ચિત્ત રહે અને તે પરમ પુરુષનો અમાપ ઉપકાર વારંવાર હૃદયમાં સ્ફર્યા કરે તેવી ભાવનામાં તે દિવસ ગાળવા ભલામણ છેજી. સન્માર્ગ દર્શાવનાર મહાપુરુષના ઉપકારનો બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. (બી-૩, પૃ.૩૨૭, આંક ૩૨૦)