________________
(૨૬)
(પુષ્પમાળા-૬) થયું, તે ન થનાર નથી; પણ જેટલો કાળ આયુષ્યનો બાકી છે તે સદ્વર્તન અને સપુરુષની આજ્ઞાએ જો જાય, તો તે મહાભાગ્યની નિશાની ગણાય. પરમકૃપાળુદેવનાં વચન વારંવાર
વિચારવા. (બી-૩, પૃ.૫૭, આંક ૪૨) |ધનને માટે આટલે બધે દૂર જીવના જોખમે જઈ પુરુષાર્થ કરો છો અને ધન તો મરણકાળે કે તે પછી કંઈ
કામ આવનાર નથી; પણ ધર્મ-સંચયનો પુરુષાર્થ કરતા રહેશો તો તે હાલ શાંતિ આપી પરભવમાં પણ
સાથે આવે એવા પુણ્ય-સંચયને પ્રગટ કરે તેવો છેજી, (બી-૩, પૃ.૩૦, આંક ૩૬૦) D ધર્મને નામે ધન ખર્ચવાની જૈનોમાં જૂની પ્રથા પડેલી છે; તે એક રીતે ઠીક છે. જે કોમમાં લોભ
વધારે હોય તેને લોભ મંદ કરવા વિશેષ ઉપદેશ આપે તે વાજબી છે અને ધનને સર્વસ્વ માનનાર, ધનનો ત્યાગ કરવા તત્પર થાય તો બીજો ત્યાગ સહેલો પણ થઈ પડે, પરંતુ આત્માર્થી જીવ જે જે કરે તે આત્માનું હિત થાય તેવું કરે. આત્માર્થે કરે તો ધર્મ થાય, એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા હતા. વળી એમ પણ તેઓશ્રી કહેતા હતા કે કંઈ ધનથી જ ધર્મ થતો નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે, કષાય મંદ કરે, વિનય આદિથી સર્વને પ્રસન્ન રાખે; કોઈ ક્રોધમાં આવીને કંઈ અયોગ્ય બોલી ગયો હોય તે ભૂલી જાય અને ક્ષમા ધારણ કરે તો છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સત્ અને શીલ તથા પુરુષ પ્રત્યેની શ્રદ્ધાની બહુ ભાર દઈને તે વાત કરતા હતા. (બો-૩, પૃ.૧૩૭, આંક ૧૩૮) D આપ અત્રે પધાર્યા ત્યારે બાળકોને ધર્મશિક્ષણ આપવા માટે નિશાળ ખોલવા તમે વિચાર જણાવ્યો હતો. તે સંબંધી જણાવવાનું કે કોઈ મુમુક્ષને બોલાવી તેના હાથે શાળાની અખાત્રીજને દિવસે જ શરૂઆત કરી દો તો જુદો દિવસ શોધવો મટે અને માંગલિક કાર્યની શરૂઆતથી નવું વર્ષ પણ શરૂ થયું ગણાય. તે વિષે જેમ તમને ઠીક પડે તેમ વિચારશો. શું ભણાવવું? કેટલો ખર્ચ કરવો ઘટે? વગેરે પૂછવું હોય તો પૂ. સોભાગભાઈ વગેરેની કમિટી, આશ્રમ તરફથી નિશાળો માટે નીમેલી છે તે સલાહ આપશે અને જરૂર પડયે વર્ષ આખરે કંઈ મદદ પણ આપશે; તે વિષે તમે પણ કંઇક માહિતગાર છો, એટલે રોજ એકાદ કલાક છોકરા-છોકરીઓને અભ્યાસ કરાવે એવા સારા વર્તનવાળા શિક્ષક, મુમુક્ષુમાંથી કે સરકારી ગુજરાતી શાળા-શિક્ષક, કોઈ મળી આવ્યું મંદિરમાં હાલ એક કલાક વર્ગ ભરવાનું દિવસે કે સાંજે રાખશો તો સહેલાઇથી તે કામ શરૂ થાય તેવું લાગે છે જી. સેવાભાવે કામ કરનાર મુમુક્ષુ મળી આવે ત્યાં સુધી સારું, નહીં તો કોઈને કંઈ નામનો બે-પાંચ રૂપિયાનો પગાર આપવો પડે તો તેમ કરીને ખર્ચ કરવાનો નિર્ણય ત્યાંના મુમુક્ષુવર્ગનો થતો હોય તો ઊગતી નવી પ્રજાને નિશાળે ભણતાં અને ભણીને ઊઠી ગયેલાને આશીર્વાદરૂપ તે શાળા થઇ પડશે, ઘણા દુર્વ્યસનોમાંથી અટકશે, સભ્યતા, વિવેક, વિચાર, વિનય, ભક્તિ શીખશે અને જીવન સુખરૂપ ગાળવાનું કારણ તે નિશાળ થઈ પડશે. કામ હાથ લઈ તેને ખીલવનાર હોય તો પૈસાની અડચણ નહીં આવે, તે તો ગમે ત્યાંથી મળી રહેશે. માટે કોઈ એવા હોશિયાર કામ કરનાર માથે લઈ શકે તેમ હોય તો અખાત્રીજ જેવો બીજો સારો દિવસ જડવાનો નથી એમ નક્કી કરી, આ વર્ષે તે કામ શરૂ કરવા ભલામણ છેજી.