________________
૨૩
એક વણિક ધન કમાવામાં કુશળ હતો, પણ વાપરતાં તેનું ચિત્ત ચાલે નહીં. તેની સ્ત્રી વિચારવંત હતી. તે વારંવાર કહ્યા કરતી કે આપણે જેમ ધન વડે કપડાં, ખોરાક આદિ અનુકૂળતા મેળવી સુખી થઇએ છીએ તેમ બીજા, જેમને જરૂર હોય તેમને માટે આપણું ધન વપરાય તો ઠીક તથા આપણું ખાસ ધન કે મૂડી તો મનુષ્યભવ છે, તે દિવસે-દિવસે ખૂટી જતું રહે છે; તેનો સત્સંગ, સત્શાસ્ત્રશ્રવણ, સત્સમાગમ તથા સત્યવ્રત આદિ અર્થે ઉપયોગ થાય તો ઉત્તમ ગણાય; પણ બૈરીનું કહેલું કોણ માને ? વણિક કહે, ‘‘ઠીક, ઠીક, એનો વખત આવશે ત્યારે એ કરીશું. એની શી ઉતાવળ છે ?’' તે સાંભળી સ્ત્રીએ વિચાર્યું કે પ્રયોગ-યુક્તિ વિના તે માનશે નહીં, પણ તેવો પ્રસંગ આવ્યે તેનો અમલ કરવા તેણે વિચાર કરી રાખ્યો.
થોડા દિવસો પછી તે ભાઇ બહુ માંદા થઇ ગયા એટલે ડોક્ટરને બોલાવી દવા લખાવી તથા દવાખાનામાંથી દવા મગાવી કબાટમાં રાખી મૂકી, પણ દર્દીને આપી નહીં. તે વણિકે ઉતાવળ કરતાં કહ્યું કે દવા આણી છે કે નહીં ? તે બાઇએ કહ્યું કે હા, આણી છે. તો કેમ પાવી નથી ? એમ તેણે કહ્યું, એટલે બાઇ બોલી, ‘‘હમણાં ને હમણાં શી ઉતાવળ છે ?'' તેથી તેણે કહ્યું, ‘“કેમ મરી ગયા પછીથી પીવાની દવા છે ?'' બાઇએ કહ્યું કે, “ધર્મ કરવાની આપણે ઉતાવળ નથી તો દવાની ઉતાવળ કરવાની શી જરૂર છે ? શું મરી ગયા પછી ધર્મ કરવા યોગ્ય છે ?’’
કે
આ વાત સાંભળી વણિકને વિચાર આવ્યો કે આની શિખામણ ઉત્તમ હતી છતાં મેં લક્ષમાં લીધી નહીં; કારણ કે ‘સો રૂપિયે અઢી શેર કેફ' કહેવાય છે તેમ તે વખતે તેની સલાહનો વિચાર કરવાનો મને અવકાશ પણ નહોતો. આ માંદગીએ તે વખત આપ્યો અને તેની સલાહ વિચારતાં ઉત્તમ લાગે છે; કારણ કે આયુષ્ય ક્ષણભંગુર છે તો પ્રથમ ધર્મકર્તવ્ય સમજી લેવું ઘટે છે અને ધર્મપ્રેમ પ્રગટયા પછી યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. માટે આ માંદગીમાંથી ઊઠીને પહેલું કાર્ય મારે ધર્મ સમજવા સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્ગુરુનો સમાગમ વગેરે આદરવાં ધટે છે. એમ વિચારી તે બાઇની યુક્તિને ધન્યવાદ આપ્યો. પછી દવા વાપરતાં રોગ દૂર થયો અને બંને બાઇ-ભાઇ સત્સંગપ્રેમી બની, પોતાની યથાયોગ્ય ફરજો અદા કરવા લાગ્યા.
જ્યારથી જીવને સમજણ આવે છે ત્યારથી તે પોતાનાં કપડાં આદિ વસ્તુઓ સંભાળે છે, સગાંકુટુંબીઓનાં મન સાચવે છે, ધન વગેરેની વ્યવસ્થા વિચારે છે, કુટુંબ-કીર્તિનો વિચાર કરી વર્તન રાખે છે, ધંધા વગેરેની કાળજી રાખે છે; તો ધર્મની સંભાળ કરવાની તેની ફરજ છે કે નહીં, તે સત્સંગ વિના સૂઝતું નથી. વહેલે કે મોડે, કામ પોતાની જાતે જ કરવું પડશે. કોઇ કરી આપે, તેવું એ કામ નથી. કોઇને ધન ન હોય તો ધીરનાર મળે, માંદો હોય તો ચાકરી કરનાર મળે, ભૂખ્યો હોય તો ખાવા આપનાર મળે, પણ પોતાના આત્માના હિતનું કામ કોઇના દ્વારા કરાવી શકાય તેવું નથી. તે તો બાપ કરે તો બાપ પામે, પુત્ર કરે તો તેને જ કામ આવે, સ્ત્રી કરે તો સ્ત્રીનું હિત થાય; પણ એક કરે અને બીજાને મળે તેવું આત્મવિચારમાં બની શકે તેમ નથી.
માટે વહેલુંમોડું એ આપણું કામ આપણે જ કરવું રહ્યું, તો તેમાં મુલતવી રાખવામાં શો લાભ છે ? ઘર બળતું હોય તેમાંથી જેટલું બહાર કાઢી, દૂર મૂકીએ તેટલું બળતામાંથી બચ્યું; પણ કાઢીશું, કાઢીશું કરતાં તો બધું બળી જાય, પછી શું કામ આવે ? માટે બને તેટલો બચતો વખત આત્મહિત સાધવામાં વાપરવાની કાળજી સમજુ જનોએ રાખવી ઘટે છે.