________________
૨૩૪
વિશેષ વાંચન કરતાં, થોડું વાંચન અને વિશેષ મનન તથા નિદિધ્યાસન કે વારંવાર ભાવના વડે તદ્રુપ પરિણમન માટે, હવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. ખા-ખા કરવા કરતાં, ચાવીને તે પચે અને શરીરની પુષ્ટિમાં સહાય થાય, તે પ્રકાર જેમ શારીરિક બાબતમાં ઇષ્ટ છે, તેમ ઉપર જણાવેલ પ્રકાર આત્મહિતને સાધનાર છે. (બો-૩, પૃ.૨૦૬, આંક ૨૦૪)
આપણા ભાવ કેવા રાખવા, તે આપણા હાથની વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે તે, જીવ કરી શકે તેમ છે. તેને વીસરી જઇ, જગતની ચીજોને આઘીપાછી કરી, ‘આ મેં સારું કર્યું કે આ મેં ખોટું કર્યું, આણે અન્યાય કર્યો કે આણે પરોપકાર કર્યો.' એમ વિચારી, જીવ બીજી ગડમથલમાં પડી, પારકી પંચાતમાં બહુ ખોટી થયો છે, તેને હવે તો જે થાય તે જોયા કરવા તરફ વાળવાની જરૂર છે, તે શાંતિનો માર્ગ છે.
અવશ્ય બનવાની વાતો ફરનાર નથી. તેમાં કલ્પનાઓ કરી આત્મહિત શા માટે ગુમાવવું ? જે સહજે બની આવે તે કરતા રહી, ‘શું થશે ? કેમ થશે ?’ એની ચિંતા તજી દઇ, ‘‘સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આના વિચાર અને વર્તન તરફ વિશેષ પુરુષાર્થ કરતા રહી, જે થાય તે જોયા કરવાનો અભ્યાસ પરમકૃપાળુદેવે ઉપદેશ્યો છે, તે અમલમાં મૂકવાનો ખરેખર પ્રસંગ પ્રાપ્ત થયો છે. તેમાં જ આપણું હિત છે એમ માની નિઃશંક, નિર્ભય અને નિઃખેદ ચિત્ત રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦)
. આ સંસાર અસાર છે, એમ જ્ઞાનીપુરુષો પોકારી-પોકારીને કહે છે, તો તેમાં ને તેમાં વૃત્તિ નહીં રાખતાં, આ ભવે તો પરમકૃપાળુદેવ એક મારા પતિ છે, તેને રાજી રાખવા આટલો મનુષ્યભવ ગાળવો છે એમ નિશ્ચય કરી, તેની વાત પૂછવી, તેની જ વાત કરવી, તેની જ ભાવના કરવી, બીજું કંઇ ઇચ્છવું નથી, એમ અંતરમાં ધૃઢ કરવા યોગ્ય છેજી.
ઘણા ભવ સંસારની સંભાળ લીધી છે, હવે આટલો ભવ બધું બહુ ઉપયોગી નથી એમ માની, માત્ર પરમકૃપાળુદેવે કહ્યો છે તે મોક્ષમાર્ગ આરાધવો છે, છ પદની શ્રદ્ધા દૃઢ કરવી છે, અપૂર્વ અવસરની ભાવના કર્યા કરવી છે, મંત્રનું અખંડ રટણ જીભ ઉપર રહ્યા કરે એમ અહોરાત્ર વર્તવું છે.
આવી ભાવના રાખી, બને તેટલું રોજ કર્યા કરવું, તો જરૂર આત્મહિતમાં વધારો થશે. (બો-૩, પૃ.૪૭૬, આંક ૫૦૪)
I ‘શ્રદ્ધા પરમ તુōદા' એ ભગવંતનું વચન છે, તે પ્રમાણે શ્રદ્ધા દૃઢ થાય તેવું વાંચન, સમાગમ રાખી, પોતાના આત્મહિતાર્થે પ્રવર્તવું ઘટે છેજી.
આશ્રમમાં આપ રહ્યાં છો, તેનો લાભ ત્યાંના સર્વ ભવ્ય ભાઇબહેનોને ઉત્તમ રીતે મળે અને સત્સંગની ભાવના સર્વને જાગે તથા પરમકૃપાળુદેવનું તેમને યથાયોગ્ય ઓળખાણ થાય, તેવું પ્રસંગોપાત્ત જણાવતા રહેવા વિનંતી છેજી. તેથી આપણી શ્રદ્ધા પણ બળવાન બને છે અને આત્મહિતમાં વધારો થાય છેજી.