________________
૨૩૧
જેને જેટલી ગરજ જાગી હશે, તેટલા પ્રમાણમાં પરમકૃપાળુદેવની શિખામણ હૃદયમાં રાખશે. તે સિવાય કોઇ બીજો બચવાનો ઉપાય નથી. (બો-૩, પૃ.૫૮૭, આંક ૬૬૫)
આડાઅવળી કલ્પનામાં નહીં તણાતાં, એક પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર માની, તેની કૃપાથી જ તેના યોગબળે આત્મહિત જરૂર થશે એવો વિશ્વાસ રાખી, તેનાં વચનામૃતમાં તલ્લીન રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૨૫૮, આંક ૨૫૨)
D અનુકૂળતા હોય અને તબિયત ઠીક હોય તો આવવાનું રાખવામાં અડચણ નથી, નહીં તો સત્સંગના ભાવમાં પણ કલ્યાણ છેજી.
જે કંઇ પ્રવૃત્તિ કરવી પડે તે આત્મહિત અર્થે જ કરવી ઘટે છેજી. એ લક્ષ ચુકાય નહીં તો ઘણી જાગૃતિ જીવને રહે; નહીં તો અહીં પાસે પડી રહે તોપણ કંઇ હિત ન થાય. (બો-૩, પૃ.૭૬૫, આંક ૯૬૯)
બીજા જીવો પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મનો પાયો છે, તેમ જ પોતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં, તેની દયા ખાઇ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાનો લક્ષ રહે, તે ધર્મસ્વરૂપ છે.
અનેક ક્ષુદ્ર ભવોમાં ભટકતાં-ભટકતાં, આ જીવ દુઃખી-દુ:ખી થઇ રહ્યો હતો, તે કોઇ કૃપાળુની કૃપાથી, મનુષ્યભવ નહોતો તે વખતે એવા કોઇ સદાચરણમાં વર્તી પુણ્યસંચય કરી મનુષ્યભવ પામ્યો, ઉત્તમ કુળ પામ્યો, દીર્ઘ આયુષ્ય પામ્યો, શ્રવણ આદિ ઇન્દ્રિયો ખામી વગરની પામ્યો, સત્પુરુષનો યોગ પામ્યો, તેનો બોધ પામ્યો, તેની અનંત કરુણાથી તેનો ઉદ્ધાર થાય તેવો અનુપમ મંત્ર પામ્યો, તેથી મારા આત્માનું હિત જરૂર થશે એવી સારી ભાવનારૂપ શ્રદ્ધા પણ પામ્યો; હવે તે સત્પુરુષને આશ્રયે તેના કહ્યા પ્રમાણે વર્તવાનો, જો આ જીવ નિશ્ચય કરી, તે નિશ્ચયને મરણપર્યંત તજે નહીં તો તેને કેટલો બધો લાભ થાય ?
બસો-પાંચસો રૂપિયાનો લાભ થતો હોય તો મુંબઇ સુધી દોડી જાય, પણ જે પરભવમાં પણ ભાથારૂપ થાય, તેવા સત્સાધન માટે બે ઘડી નવરાશ લેવી પડે તો જીવને ટાઢ ચઢે છે. તેથી, ચેતીને ચાલનારની સદ્ગતિ થશે અને કાળજી નહીં રાખે તો લખચોરાસીના ફેરા પૂરા હજી થયા નથી અને અનંતકાળથી જન્મમરણ કરતો આવ્યો છે તેવાં હજી કરવાં પડશે. અત્યારે કોઇ ગધેડો કહે તો ચિડાય છે પણ ગધેડો થવું પડશે. તે ટાળવા હવે કેડ બાંધી મંત્રમાં મંડી પડવું. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૨)
અહીંથી લખેલા પત્રમાં જે કંઇ શિખામણ હોય, તે તત્કાળ ઉપયોગી ન જણાય તોપણ ભવિષ્યમાં પણ કુમાર્ગે વૃત્તિ જતાં અટકે, એ પણ ઉદ્દેશ હોય છે. અમુકને જ ઉદ્દેશીને લખેલું હોય એમ નહીં ગણતાં, જેનામાં તેવી વૃત્તિ હોય કે તેમાં દોરવાઇ જાય તેવો સંભવ હોય, તેણે તેના પ્રત્યે અરુચિ કેળવી, તેવા પ્રસંગથી દૂર રહેવામાં હિત છે, એટલો તેનો પરમાર્થ સમજવો ઘટે.
જગતનું વાતાવરણ ઝેરી બનતું હોય ત્યારે તેથી ચેતીને ચાલવું, તેમાં પોતે ન તણાવું, બીજા તેમાં ન તણાય તેવી ચેતવણી આપવી તથા આડકતરી રીતે પણ પોતે તે વાતાવરણમાં ફસાઇ ન જવાય, તે ઉદ્દેશે લખેલું. (બો-૩, પૃ.૫૨૨, આંક ૫૬૭)