________________
૨૦૯
તે તાપ જો સમજાતો હોય તો મરણ આજે આવો કે લાખો વર્ષે આવો પણ મારે તો મોક્ષનો માર્ગ નક્કી કરી, તે રસ્તે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં, જરૂર જવું જ છે; એટલો નિશ્ચય એક વાર થઇ જાય તો પછી તેને તેના જ વિચારો મુખ્યપણે આવે, છાપાં વાંચવાનો વખત પણ ન મળે. સત્પુરુષોનાં વચન સિવાય તેને કંઇ રુચે નહીં.
જે પુરુષ અનંત કૃપા કરી મોક્ષમાર્ગમાં જ જીવ્યા છે, અને તેનો ઉપદેશ કર્યો છે, એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનોનું પાન કરતાં, તે થાકે નહીં. રાતદિવસ તે જ લત લાગે અને તેમાં એને એટલો આનંદ આવે કે ધનના ઢગલા કમાવાના છોડી, તે તેને સાટે જ જીવે. એ રસ લગાડવો, આપણા હાથની વાત છે.
ઘણો વખત શ્રીમદ્ પરમકૃપાળુદેવનાં વચન વાંચવામાં જો ગાળશો તો તે તપરૂપ નીવડશે, અને શું કરવું તે આપોઆપ સદ્ગુરુની કૃપાએ સૂઝી આવશેજી. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૭)
— પરમકૃપાળુદેવનો ઉપકાર વારંવાર યાદ કરી, તેની કરુણાથી જ આ દુષમકાળમાં સાચો માર્ગ હાથ લાગ્યો છે તથા મનુષ્યભવ સફળ થવાનું કારણ બન્યું છે એમ વિચારી, પરમકૃપાળુદેવ, તેનાં વચનો અને તેના આશ્રિતો પ્રત્યે પ્રમોદભાવ આબે, જીવને ઉલ્લાસ આવે છે, તેનું શરણ દૃઢ કરી, તેને આશ્રયે આ દેહ છૂટે, એવી ભાવના થયા કરે છે. આવા, ધર્મ પ્રત્યે ઉપેક્ષા થાય (ગરજ ન જાગે) તેવા કાળમાં પરમકૃપાળુદેવની વીતરાગમુદ્રા, તેમનાં વચનામૃત અને તેના માર્ગની જિજ્ઞાસા, એ પરમહિતનું કારણ છેજી.
પરમકૃપાળુદેવને જેટલી મુશ્કેલી માર્ગ પ્રગટ કરવામાં વેઠવી પડી છે, તેટલી આપણને વેઠવી પડે તેમ નથી. માત્ર તેમનું કહેલું માન્ય કરી, સમજીને શમાઇ જવાનું કામ છેજી. જે થાય તે સહન કરવું, પણ આત્માને નકામા વિકલ્પો કરી ક્લેશિત કરવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૫૬૭, આંક ૬૩૭) તમારા પત્રો બંને મળ્યા. રૂબરૂમાં વાત થાય તેવી, પરભારી થવી અને સમજાવી મુશ્કેલ છે, છતાં ભાઇ
ને કહ્યું છે તે તમને જણાવે તે પ્રમાણે ત્રણ પાઠ તત્ત્વજ્ઞાનમાંથી મુખપાઠ કરી, રોજ બોલવાનો નિયમ રાખશો. મુખપાઠ ન થાય ત્યાં સુધી, એક વખત વાંચી જવાનું ચૂકવું નહીં.
જ્ઞાનીપુરુષે, સન્માર્ગે ચઢવા માટે, પ્રથમ કરવા યોગ્ય કહેલી આજ્ઞા, આપને તે જણાવશે. તે ભાવપૂર્વક પ્રત્યક્ષ જ્ઞાની સમક્ષ પ્રાર્થના કરતા હોઇએ તેવા હ્દયના સાચા ભાવથી, રોજ બતાવેલી પ્રાર્થના કરશો અને તેનો વિચાર કરશો તો સન્માર્ગપ્રાપ્તિ સુલભ થશેજી.
જેમ કોઇ વૈદ્ય દવા આપે અને તેણે બતાવેલી ચરી હોય તે પાળે તો દવા ગુણ કરે છે; તેમ સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી, જીવતા સુધી જેટલાનો ત્યાગ થઇ શકે, તેટલો ત્યાગ હ્દયમાં વિચારી, તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું, એવો દૃઢ નિર્ણય કર્તવ્ય છેજી; કેમ કે પાપના પંથથી પાછા હઠયા સિવાય, સન્માર્ગમાં સ્થિરતા થતી નથીજી. (બો-૩, પૃ.૨૩૪, આંક ૨૩૦)
ધીરજ, સહનશીલતા, અને પરમાર્થજિજ્ઞાસા દિવસે-દિવસે વધે અને કષાય આદિ હેય ભાવો દૂર થાય, તેમ પ્રવર્તવા વિનંતી છેજી. પરમાર્થમાર્ગમાં મુશ્કેલીઓ, અંતરાયો તો અનેક રહ્યા છે; પણ પુરુષાર્થ કરી જે આગળ આવી જાય છે, તે સત્સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છેજી. (બો-૩, પૃ.૫૭૪, આંક ૬૪૬)