________________
(૨OO
સમાધિશતક એક કાયદાની ચોપડી માફક છે, અંતરના ઉકેલરૂપ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે તેમ છે. લાગે સામાન્ય - ટૂંકાણમાં, પણ શાસ્ત્રનાં શાસ્ત્ર બને તેવું છે. જેમ જીવની યોગ્યતા વધે તેમ સમજાય છે. પોતાના અનુભવમાં કંઈ આવ્યું હોય, તે મુજબ શાસ્ત્રમાં કંઈ મળી આવે તો ઘણો ટેકો મળે છે, આનંદ થાય છે અને આગળ વધવાનું થાય છે. (બો-૧, પૃ.૧૭, આંક ૨૦) પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને સમાધિ પ્રાપ્ત થવા સમાધિશતકનું મનન કરવા આજ્ઞા કરેલી. તે પુસ્તક મનન કરવા યોગ્ય છે. તેમાં અંતરાત્મા, પરમાત્માનું વર્ણન ઘણા ઉત્તમ પ્રકારે કરેલું છે. જેને પરમકૃપાળુદેવનાં વચનો રહસ્ય સાથે સમજાયાં છે, તેને અન્ય શાસ્ત્ર સમજવા સરળ છે. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) T સમાધિશતક પૂજ્યપાદસ્વામીનું રચેલું પુસ્તક છે. પૂજ્યપાદસ્વામી એ નામ, તેઓશ્રીના ગુણોને લઈને
પાડેલું છે. અસલ તેઓનું નામ બીજું છે. તે પુસ્તક સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે. જેને આગળ વધવું છે, તેને ઘણા હિતનું કારણ છે. સત્તરમા શ્લોકમાં ઘણું સરસ વર્ણન છે. એક માસ જો પુરુષાર્થ, ખરા દયથી કરવામાં આવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય. શ્લોક પચાસ સુધીમાં તો હદ કરી દીધી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી તો ઘણાં શાસ્ત્રો બની શકે તેમ છે. એ પુસ્તકમાં પ્રથમ બહિરાત્માનું વર્ણન છે. આત્મા અને દેહ, એકરૂપે જેને લાગે છે, તે બહિરાત્મા છે. અંતરાત્માનું વર્ણન ત્યાર પછી આવે છે. અંતરાત્મા અંદરના કષાયો ઘટાડવાનું કામ નિરંતર કરે છે; બહાર તેને કંઈ સંબંધ નથી. પુસ્તકનું મનન વિશેષ પ્રકારે કરવા જેવું છે. (બો-૧, પૃ.૧૬, આંક ૧૮)